click here to go to advertiser's link
Visitors :  
03-Apr-2026, Friday
Home -> Bhachau -> Man Accuses Daughter in Law of Being a Looteri Dulhan in Police Complaint Bhachau
Thursday, 02-Apr-2026 - Bhachau 1281 views
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના આમરડી ગામનો યુવક બે લાખ રોકડાં રૂપિયા આપીને, અમદાવાદની યુવતી જોડે પરણીને હોંશે હોંશે દુલ્હનને લઈને ગામમાં આવ્યો. લગ્નના બે દિવસમાં ખબર પડી કે તેની પત્ની ખરેખર તો ‘લૂંટેરી દુલ્હન’ છે! સસરાએ ક્હ્યું કે મારા દીકરાએ લગ્ન કર્યાં છે તે અમદાવાદની સોનલ ઊર્ફે સોનિયાએ દોઢ મહિના અગાઉ પડોશના ગામ ચોપડવાના યુવક જોડે આધાર કાર્ડના આધારે બીજું નામ સરનામું ધારણ કરી, બે લાખ રૂપિયા લઈને લગ્ન કરેલાં અને ત્રણ દિવસ પછી છુમંતર થઈ ગઈ હતી!
જાણો શો છે સમગ્ર કિસ્સો

આમરડીમાં રહેતા ભરતભાઈ લુહારને સંતાનમાં ત્રણ પુત્રો છે. સમાજમાં સાટા પ્રથા હોઈ ૨૫ વર્ષના પુત્ર મનીષના લગ્નનું ક્યાંય ‘ગોઠવાતું’ નહોતું. દરમિયાન, લાકડીયા રહેતી ભરતભાઈના સાળાની પત્નીએ અમદાવાદ રહેતી તેની ભાભી રમિલાને મનીષના લગ્ન અંગેની વાત કરી ફોટો મોકલેલાં.

રમિલાએ તેને એક છોકરીનું આધારકાર્ડ અને ફોટો મોકલીને જણાવેલું કે ગરીબ ઘરની છે, પૈસાની જરૂરિયાત હોઈ પૈસા આપવા પડશે. સાળીએ આ અંગે વાત કરતાં ભરતભાઈ પૈસા ખર્ચીને પણ પુત્રના લગ્ન કરવા તૈયાર થઈ ગયેલાં.

૨૨ માર્ચે સૌ ભચાઉથી અમદાવાદના વટવા વિસ્તારમાં રમિલાના ઘેર ગયેલાં. સોનલ ઊર્ફે સોનિયા રમેશભાઈ પટેલ તેની માતા ગંગાબેન સાથે મળવા આવેલી.

૨૯ માર્ચે ઘડિયા લગ્ન થયાં ને ૩૧ માર્ચે ભાંડો ફૂટ્યો

૨૯ માર્ચે જ અમદાવાદમાં ઘડિયા લગ્ન લેવાનું નક્કી કરેલું. છોકરીની માએ લગ્નના કપડાંની ખરીદી પેટે ૧૫ હજાર રૂપિયા માંગતા ફરિયાદીએ તરત રોકડાં રૂપિયા આપી દીધાં હતા. ૨૯ માર્ચે અમદાવાદના એક મંદિરમાં મનીષ અને સોનલના લગ્ન લેવાયેલાં.

લગ્નના દિવસે ભરતભાઈએ વેવાણ ગંગાને બાકીના ૧.૮૫ લાખ રોકડાં રૂપિયા આપી દીધા હતા. 

લગ્ન બાદ સૌ હરખાતાં હરખાતાં પરત આમરડી ગામ આવ્યાં હતા. ૩૧ માર્ચના રોજ નજીકના ચોપડવા ગામનો નવીન મોહનભાઈ પરમાર નામનો યુવક ભરતભાઈને મળવા આવેલો.

નવીને ભરતભાઈને જણાવેલું કે તમારા દીકરા જોડે લગ્ન કરનાર યુવતીએ દોઢ માસ અગાઉ ૧૪ ફેબ્રુઆરીના રોજ મારા ભાઈ મહેશ જોડે ૨.૧૦ લાખ રૂપિયા લઈને લગ્ન કરેલાં.

તેનું લખાણ પણ લખાવ્યું હતું. લગ્નના ત્રણ દિવસ બાદ ‘મારે પિયરમાં માતાજીનું કંઈ કામ છે’ કહીને બે દિવસમાં પાછી આવી જવાનું કહી ફરાર થઈ ગયેલી.

આધાર કાર્ડમાં ફોટો સરખો, નામ સરનામાં જુદાં જુદાં

મહેશ અને મનીષ જોડે લગ્ન કરનાર યુવતીનો આધાર કાર્ડનો ફોટો એકસરખો છે, પરંતુ નામ સરનામાં જુદાં જુદાં છે. મહેશ જોડે લગ્ન કરનાર યુવતીનું નામ આધાર કાર્ડમાં નિશા કરન કાલિયા (રહે. આણંદપર, રાજકોટ) લખેલું છે. ભરતભાઈને શંકા જતાં તેમણે સોનલની મા ગંગાબેન વાત કરીને રૂપિયા પરત માંગતા ગંગા ગલ્લાંતલ્લાં કરવા માંડેલી. જેથી ભરતભાઈએ સીધા ભચાઉ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી છે.

પોલીસે દુલ્હન સાથે ભચાઉના દલાલ ધમાને પકડ્યો

બનાવ અંગે પોલીસે ભચાઉમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સોલંકી નામના વચેટિયાની અટક કરી છે. આરોપી ધર્મેન્દ્ર લાંબા સમયથી દલાલ બનીને વાગડમાં લગ્નોત્સુક યુવકો પાસેથી પડાવી લૂંટેરી દુલ્હનો જોડે લગ્ન કરાવે છે. અગાઉ પણ તેની સામે ભચાઉ સહિતના પોલીસ મથકોમાં ફરિયાદો દાખલ થયેલી છે.

ભૂતકાળમાં ધમાને ભચાઉ પોલીસે આ રીતે છાવરેલો

ભૂતકાળમાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ રમેશ ચૌધરી અને ASI બી.જી. મિયોત્રા જેવા પોલીસ કર્મચારીઓએ તેને સરેઆમ છાવરેલો છે. માધાપરના એક યુવક સાથે લગ્નના નામે ૧.૩૦ લાખની છેતરપિંડી થયેલી. તેમાં દલાલ તરીકે ધર્મેન્દ્રની સંડોવણીનો આરોપ થયેલો.

ફેબ્રુઆરી ૨૦૨૪માં તત્કાલિન પીઆઈ એસ.જી. ખાંભલાએ અગમ્ય કારણોસર તત્કાળ એફઆઈઆર નોંધી નહોતી અને કેવળ અરજી લીધેલી.

ત્યારબાદ ડી સ્ટાફનો હેડ કોન્સ્ટેબલ રમેશ ચૌધરી આરોપીઓ પાસેથી રૂપિયા પરત અપાવી દેવાનો વાયદો કરીને અરજદારને ફરિયાદ ના નોંધાવવા દબાણ કરવા માંડેલો.

થોડાંક સમય બાદ ભચાઉના એએસઆઈ બાબુ મિયોત્રાએ અભણ અરજદારને ધર્મેન્દ્ર વતી પચ્ચીસ હજાર રૂપિયા પરત અપાવીને ‘અમને અમારા રૂપિયા પરત મળી ગયા છે અને હવે આગળ કોઈ કાર્યવાહી નથી કરવી’ તેવા તૈયાર લખાણ પર સહી કરવા ફરજ પાડવા પ્રયાસ કરેલો.

તે ગુનામાં વીડિયો પુરાવાની પેન ડ્રાઈવ પોલીસને અપાઈ હોવા છતાં તપાસકર્તા પીએસઆઈ કે.બી. તરારે કૉર્ટમાં પેન ડ્રાઈવ રજૂ કરી નહોતી. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ભચાઉ સહિત વાગડમાં નોંધાયેલાં આવા કેસોની ઊંડાણપૂર્વકની તપાસ કરાવે ખાખીની વરવી સંડોવણીની ઘણી ચોંકાનારી માહિતી બહાર આવી શકે તેમ છે. ગુનાની તપાસ પીઆઈ ડી.ડી. ઝાલાએ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી
 
અદાણી પોર્ટ & SEZએ ૫૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો
 
૩૧ માર્ચે પોલીસે સરવૈયું સરભર કર્યું! કચ્છ પોલીસે ૧૮.૧૬ લાખનો શરાબ ઝડપ્યો