click here to go to advertiser's link
Visitors :  
18-Oct-2025, Saturday
Home -> Kutch -> Retired IAS ASI Ex. Engineeres etc caught in gambling and drinking in Bhuj
Wednesday, 13-Aug-2025 - Bhuj 73023 views
ભુજમાં નિવૃત્ત IAS, ASI સહિતના અધિકારીઓ જુગાર રમતાં ઝડપાયાં પણ પોલીસ મૌન
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની રીજેન્ટા હોટેલમાં ગત મધરાત્રે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે રુમ નંબર ૪૦૪માં દરોડો પાડીને નિવૃત્ત IAS સહિતના રીટાયર્ડ અને વર્તમાન અધિકારીઓને દારૂની મહેફિલ માણવા સાથે જુગાર રમતાં ઝડપી પાડતાં ભારે ચકચાર મચી ગઈ છે. ફરિયાદમાં પોલીસે ક્યાંય કોઈના વ્યવસાય કે હોદ્દા અંગે કશો ખુલાસો કર્યો નથી પરંતુ ઝડપાયેલાં ખેલીઓના નામ બહાર આવતાં જ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સૂત્રોના દાવા અને ચર્ચા મુજબ ઝડપાયેલા ખેલીમાં કચ્છમાં ડીડીઓ તરીકે અને બાદમાં કલેક્ટર તરીકે પ્રમોશન મેળવીને અન્ય જિલ્લામાં બદલી પામેલા એક નિવૃત્ત અધિકારી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત અધીક્ષક ઇજનેર, નિવૃત્ત સુપરવાઈઝર, સ્ટેટ આઈબીમાં ફરજ બજાવી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર એએસઆઈનો સમાવેશ થાય છે.

ઝડપાયેલાં ત્રણ પૈકી બે જણાં હાલ ભુજમાં માર્ગ અને મકાન વિભાગમાં ઇજનેર તરીકે અને એક રાપર બાજુ ઈજનેર તરીકે ફરજ બજાવે છે.

ગામની ગલીકૂંચીમાં જુગટું રમતાં બે ત્રણ છોકરડાં દેખાય તો તેને પકડીને અંદર ઘાલી દઈ, પ્રેસનોટ અને ફોટો જારી કરતી ભુજ પોલીસે આ હાઈપ્રોફાઈલ જુગારીઓની ફોટો સાથેની પ્રેસનોટ હજુ સુધી જારી કરી નથી. એ તો ઠીક, પરંતુ દરોડાની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસે જપ્ત કરેલા વાહનના મુદ્દામાલ તરીકે ચોપડા પર માત્ર એક કાર દર્શાવી છે. એ જ રીતે, ટેબલ પરથી ૨૪ હજારના દારૂની બે બાટલી અને ચાર ગ્લાસ જપ્ત કરી છે પરંતુ દારૂ પીધેલા તરીકે ફક્ત બે જણના નામ દર્શાવ્યાં છે! ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીઓને પ્હો ફાટે તે પહેલાં જામીન પર મુક્ત કરી દેવાયાં હતા.

આરોપીઓની ઓળખ છૂપાવવા અટકમાં ચેડાં કરાયાંની ચર્ચા

બે આરોપીઓની અટક ખોટી રીતે લખી તેમની ઓળખ છૂપાવવા માટે પ્રયાસ કરાયો હોવાનો જાણકાર વર્તુળો ગંભીર દાવો કરી રહ્યાં છે. આ રીતે, જુગાર રમતાં ઝડપાયેલાં ખેલીઓની ઓળખ છૂપાવવા ચોપડા પર કોણે અટક ખોટી દર્શાવી તે બાબત ગંભીર છે અને તે પણ વધુ એક ફોજદારી ગુનો બની શકે છે.

ભૂતકાળમાં પૂર્વ કચ્છમાં પોલીસે જુગટું રમતાં ઝડપાયેલી મહિલાઓએ નામ અટક લખાવવામાં કરેલી ચાલબાજીના પગલે ફોર્જરીના ગુના દાખલ કરેલાં છે.

આ બાબતે ખુલાસા માટે કચ્છખબરે વારંવાર પીઆઈ અલ્પેશ પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો નથી. પોલીસ મથકે રૂબરૂ મળવા ગયેલા પ્રેસ પ્રતિનિધિઓ સમક્ષ પણ કશો ફોડ પાડ્યો નથી. લાગે છે કે કોઈ અગમ્ય કારણોસર પીઆઈ ભારે દબાણ હેઠળ હોય તેમ જણાઈ રહ્યું છે. દરોડા મુદ્દે ઉઠેલાં સવાલો અને મહત્વની બાબતો મુદ્દે ઢાંકપીછોડો કરવા પોલીસે મારેલા હવાતિયા અંતે તો પોલીસ ખાતાની જ આબરુની ધૂળધાણી કરી રહ્યાં છે.

Share it on
   

Recent News  
૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર ૪૦ વર્ષના શખ્સને ૨૦ વર્ષની કેદ, ૧ લાખનો દંડ
 
મંત્રી મંડળમાં કચ્છને સ્થાનઃ અંજાર MLA ત્રિકમભાઈ છાંગાને રાજ્યકક્ષાનું મંત્રીપદ
 
चोरी ऊपर से सीना जोरी! મુંબઈની માનુની નથી માલ આપતી કે નથી ૫૪.૭૮ લાખ પરત કરતી