કચ્છખબરડૉટકોમ, ભુજ (કુલસુમ યુસૂફ) બોટાદના 51 વર્ષિય દલિત ઉપસરપંચ મનજી સોલંકીની 19 જૂને થયેલી ઘાતકી હત્યા બાદ દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ વાગડ તરીકે ઓળખાતાં રાપર-ભચાઉના ભૂમિહિન દલિત કિસાનોનો મુદ્દે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી છે. 35 વર્ષ અગાઉ 1984માં રાજ્ય સરકારે અનુસૂચિત જાતિની સામુદાયિક મંડળીઓને ખેતી કરવા ફાળવેલી જમીન પર વર્ષોથી ઉચ્ચ સમાજના માથાભારે તત્વો કબ્જો જમાવીને બેઠાં છે. ગરીબ દલિતો જમીન ખેડવાની કલ્પના સુધ્ધાં કરી શકતા નથી. કારણ તે મોતના ઓથાર હેઠળ જીવે છે. વાગડના 116 ખેડૂતોની વ્યથાકથા સાથે મેવાણીએ રાજ્યપાલને આ મામલો ગંભીરતાથી લેવા રજૂઆત કરી છે. શ્રી રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતમંડળીના પ્રમુખ રામજી ભદ્રુએ જણાવ્યું કે 35 વર્ષ અગાઉ રાપર તાલુકામાં 698 દલિત ખેડૂતો અને મંડળીઓને 3 હજાર એકર જમીન ફાળવેલી. પણ તેના પર માથાભારે લોકો કબ્જો જમાવીને બેઠાં છે. હાલ 698માંથી માત્ર 37 દલિત મંડળીઓ-લોકો પાસે જ જમીનનો કબ્જો છે. ગયા વર્ષે મેવાણીએ સામખિયાળી હાઈવે ચક્કાજામ કરવાની ખાત્રી આપતાં વહીવટી તંત્રએ સફાળા જાગીને ખેડૂતોને પોલીસ રક્ષણ સાથે જમીનોનો વાસ્તવિક કબ્જો અપાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ, મામલો ઠંડો થઈ ગયા બાદ પરિસ્થિતિ પૂર્વવત્ થઈ ગઈ છે. રામજીભાઈએ જણાવ્યું કે, અમે સતત ભયના ઓથાર તળે જીવીએ છીએ. મારા બે ભાઈના ખેતરેથી પરત ફરતી વખતે ભેદી રીતે મોત થઈ ગયાં હતા. આવી જ હાલત ભચાઉમાં છે. ભચાઉ તાલુકામાં સરકારે 4480 એકર જમીન ફાળવેલી. તેમાંથી માંડ 25 ટકા જમીન દલિત મંડળીઓના કબ્જામાં છે. હાલ ચોમાસું બેસી ગયું છે. ભૂમિહિન દલિત ખેડૂતો તેમના હક્કની જમીન ખેડવા તત્પર છે પણ તેમને માથાભારે લોકોનો ડર લાગે છે. મેવાણીએ વાગડના 116 ખેડૂતોને પોલીસ રક્ષણ આપવા, તેમની ફરિયાદો નોંધવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે અમે એકલા રાપરમાં જ અત્યારસુધી 6 એટ્રોસીટી કેસ સાથે 29 એફઆઈઆર નોંધાવડાવી છે. પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. અમે અમારા 116 ભાઈઓના હાલ બોટાદના મનજી સોલંકી જેવા થવા દેવા માંગતા નથી. સમગ્ર બાબત અંગે કચ્છ કલેક્ટર રેમ્યા મોહન અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો વારંવાર સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી. મેવાણીએ માંગણી કરી છે કે આખો વિસ્તાર એટ્રોસીટી-પ્રોન છે. પોલીસ એટ્રોસીટી હેઠળ કેસો દાખલ કરે. દલિતોની જમીન પચાવી પાડનારાં અને ધમકાવનારાં લોકો સામે કડક કાર્યવાહી કરે. નહિતર જરૂર પડ્યે સમગ્ર મુદ્દો રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે.
Share it on
|