કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભીષણ યુધ્ધના આરે આવીને ઊભેલાં ભારત પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થીથી યુધ્ધવિરામ માટે સહમતી સધાતાં સરહદી કચ્છની જનતા અને સરકારી તંત્રોના અધિકારીઓએ રાહતનો દમ લીધો છે. ખાસ કરીને, ગત રાત્રિથી લઈ આજે બપોર સુધી જે રીતે કચ્છમાં રહેણાંક નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાન ડ્રોન ઉડતાં નજરે પડેલાં અને તેને તોડી પડાયેલાં તે જોતાં પરિસ્થિતિની ગંભીરતા વધી ગઈ હતી.
ગત રાત્રે પાકિસ્તાને કચ્છથી લઈ રાજસ્થાન, પંજાબ અને જમ્મુ સહિત ૨૬ જગ્યા પર લોંગ રેન્જ હાઈસ્પીડ મિસાઈલ્સ અને ફાઈટર જેટનો ઉપયોગ કરી હુમલાનો પ્રયાસ કરેલો તે જોતાં આજે સવારથી કચ્છમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કરી દેવાયું હતું.
અબડાસા, ભુજ, આદિપુરમાં પાક. ડ્રોન તૂટી પડ્યાં
સવાર થતાંની સાથે જ અબડાસાના ધૂફી, આદિપુરમાં તોલાણી કોલેજના ગોપાલ સ્ટેડિયમ સામે રામદેવ પીરના મંદિર નજીક ઝાડી ઝાંખરામાં સવારે સવા આઠના અરસામાં ધડાકાભેર ડ્રોન તૂટી પડ્યું હતું. તો, બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ભુજના નાગોર ગામની સીમમાં પાકિસ્તાની ડ્રોન તૂટી પડ્યું હતું. આ ડ્રોનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડેલાં અને તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડતા લોકોનો અજંપો વધી ગયો હતો. લખપતના લક્કી નાળા અને ખાવડા નજીક કુંવરબેટ પાસે પણ ડ્રોન જોવા મળ્યાં હતાં.
ભુજ એરબેઝ સહિત પાંચ એરબેઝ પર હુમલાનો પ્રયાસ
આજે સવારે ઈન્ડિયન આર્મીના પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ દિલ્હીમાં પ્રેસ બ્રીફીંગમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ગત રાત્રિ દરમિયાન ભુજ, ઉધમપુર, આદમપુર, પઠાણકોટ અને ભટીંડના એરબેઝમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેટલુંક નુકસાન થયું હતું અને જવાનોને ઈજાઓ પહોંચી હતી. પઠાણકોટ એરબેઝમાં હાઈસ્પીડ મિસાઈલ્સથી અટેક કર્યો હતો. વળતો જવાબ આપતાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના રફીકી મુરીદ, ચકલાલા, રહીમયાર ખાન, સુકુર, ચુનીયા, સ્કર્દુ, જેકોબાબાદ, સરગોધા, ભુલારીકા સહિતના એરબેઝ, લોજીસ્ટીક ઈન્સ્ટોલેશન્સ વગેરેનો સફાયો કરી દીધો હતો. એલઓસી પર પાક.ના કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશન, લોજીસ્ટીક એન્ડ ટેકનિકલ ઈન્સ્ટોલેશન્સ સહિત સૈન્ય થાણાં અને સૈન્યના માણસોને એવો મરણતોલ ફટકો માર્યો હતો કે તેમની ઓફેન્સીવ અને ડિફેન્સીવ ક્ષમતા જ નષ્ટ થઈ ગઈ હતી.
હાઈ એલર્ટ વચ્ચે કચ્છભરમાં લૉકડાઉન કરાવાયું
હાઈ એલર્ટના કારણે નાગરિકો બિનજરૂરી ઘરની બહાર ના નીકળે તે માટે તંત્રએ કચ્છના શહેરોમાં દુકાનોનું લૉકડાઉન કરાવવા નિર્ણય કર્યો હતો. ભુજમાં સવારથી જ પોલીસ તંત્રએ દુકાનો બંધ કરાવવાનું શરૂ કરેલું. ત્યારબાદ માંડવી, મુંદરા, અંજાર, આદિપુર, ગાંધીધામ, સામખિયાળી, ભચાઉ, રાપર વગેરે શહેરો વિસ્તારોમાં પણ દુકાનો બંધ કરાવાઈ હતી. ઘણાં વેપારીઓએ શરૂમાં કચવાટ વ્યક્ત કર્યો હતો પરંતુ તંગદિલીભરી પરિસ્થિતિ અને દેશહિતને જોતાં સ્વેચ્છાએ લૉકડાઉનમાં સહભાગી બન્યાં હતાં. કંડલા પોર્ટે પણ બપોરે ત્રણ વાગ્યા બાદ કામગીરી બંધ કરી દીધી હતી. લોકડાઉનના પગલે શહેરો સાવ નિર્જન ભાસવા માંડ્યા હતા અને લોકોને કોરોના વખતનો લૉકડાઉનનો સમયગાળો યાદ આવી ગયો હતો.
ભુજમાં ઠેર ઠેર ગોઠવાઈ એર ડિફેન્સ સિસ્ટમ
કલેક્ટર કચેરી દિવસભર વિવિધ બેઠકો અને સૂચનાઓ આપવામાં વ્યસ્ત રહી હતી. પોલીસ તંત્રએ પણ દિવસભર એલર્ટ પોઝીશનમાં રહી ભુજમાં મહત્વના એન્ટ્રી પોઈન્ટ પર પોલીસે બેરીકેડ મૂકી ચેકીંગ શરૂ કર્યું હતું. ભુજમાં વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવાતાં સામાન્ય જનતામાં પણ યુધ્ધની પરિસ્થિતિની ગંભીરતા વધી ગઈ હતી. ઈન્ડિયન રેડક્રોસ દ્વારા રક્તના પુરવઠાથી લઈ શહેરની વિવિધ હોસ્પિટલોની અગાસીઓ પર લાલ રેડ ક્રોસના નિશાનવાળા બેનર પાથરી દેવાયાં હતાં. જેથી હવાઈ હુમલા સમયે હોસ્પિટલ સંકુલો નિશાન ના બને.
આખો દિવસ અપીલો વચ્ચે સાંજે હાશકારો
સરકારી તંત્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સતત લોકોને બ્લેકઆઉટમાં સજ્જડ સમર્થન આપવા, નાગરિક ધર્મ પાળવા, સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારના ભડકાઉ અને ફેક ન્યૂઝ કે પોસ્ટ ફોરવર્ડ ના કરવા અપીલો કરાતી રહી હતી. જો કે, બંને દેશો વચ્ચે હાલપૂરતો યુધ્ધવિરામ થતાં તંત્રએ બ્લેકઆઉટ પાળવાની સૂચના પરત ખેંચી લીધી છે. જનતાના ચહેરા પરની ચિંતા દૂર થઈ છે અને લોકોએ હાશકારો અનુભવ્યો છે.
Share it on
|