|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૨૦૨૫ ૨૦૨૬ના નાણાંકીય વર્ષના અંતિમ દિવસે કચ્છ પોલીસે પણ સરવૈયું સરભર કરવા વિવિધ સ્થળે દરોડા પાડી ૧૮.૧૬ લાખનો વિદેશી શરાબના જથ્થો ઝડપી પાડ્યો છે. પશ્ચિમ કચ્છમાં પોલીસે ૧૨ લાખ ૯૬ હજાર ૮૦૦નો અને પૂર્વ કચ્છ પોલીસે ૫ લાખ ૧૯ હજાર ૮૦૦નો શરાબ જપ્ત કર્યો છે. પશ્ચિમ કચ્છ LCBએ ગત રાત્રે માંડવી તાલુકાના દરશડી ગામે દરોડો પાડીને બોલેરો અને ક્રેટા કારમાં રહેલો ૧૨.૭૫ લાખનો શરાબ ઝડપ્યો છે. દરશડીમાં બે કારમાંથી ૧૨.૭૫ લાખનો શરાબ જપ્ત
દરશડીનો ભાવસંગ ભગુભા જાડેજા અને ભુજના ચુનડી ગામનો રામસંગ દોલુભા જાડેજા ગાડીઓમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરીને હાલ દરશડી ગામે મફતનગર વિસ્તારમાં મોમાયમોરા તરફ જતા રસ્તે ઊભાં છે તેવી બાતમીના આધારે એલસીબીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસને જોઈ ભાવસંગ અને રામસંગ બેઉ અંધારામાં બાવળની ઝાડીઓમાં અલોપ થઈ ગયાં હતા પરંતુ સ્થળ પરથી ભાવસંગનો ૧૬ વર્ષની કિશોર વયનો દીકરો ઝડપાઈ ગયો હતો.
સ્થળ પર પડેલી ક્રેટા અને બોલેરો કારમાંથી પોલીસે વિવિધ બ્રાન્ડની વ્હિસ્કી અને વોડકાની ૧૨.૭૫ લાખના દારૂની ૧૦૨૬ બાટલીઓ જપ્ત કરી હતી.
ભાવસંગના દીકરાએ પોલીસને જણાવ્યું કે દારૂ ભરેલી ગાડીઓ ક્યાં છૂપાવવી તેની વિચારણા ચાલતી હતી ત્યારે દરોડો પડતાં પિતા અને રામસંગ ભાગી ગયાં છે.
પોલીસે પાંચ પાંચ લાખની કિંમતની બેઉ કાર મળીને કુલ ૨૩ લાખ ૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે વિરુધ્ધ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
પધ્ધર પોલીસે ઈકો કારમાંથી ૨૧ હજારનો દારૂ ઝડપ્યો
પધ્ધર પોલીસે ઈકો કારમાં વ્હિસ્કીના ૨૧ હજારની કિંમતના ૧૦૫ ક્વાર્ટરીયા ભરીને લાખોંદ તરફ જઈ રહેલા માધાપર વર્ધમાનનગરમાં રહેતા હિરેન ઊર્ફે પપ્પુ છગન છેડા (રહે. મૂળ મોખા, મુંદરા)ને વૉચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. પપ્પુ સુરતમાં રહેતા અજાણ્યા શખ્સ પાસેથી ક્વાર્ટરિયા ખરીદી લાવ્યો હતો.
ગાંધીધામમાં બિનવારસી કારમાંથી ૪.૧૬ લાખનો શરાબ મળ્યો
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે શહેરના સેક્ટર 1-એમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક સામે આવેલા ખુલ્લાં પ્લોટમાં પડેલી મારુતિ સ્વિફ્ટ કારમાંથી ૪.૧૬ લાખની કિંમતની વોડકા અને વ્હિસ્કીની ૩૭૨ નંગ બાટલીઓ કબજે કરી છે. સ્થળ પરથી કોઈ હાજર નહોતું.
કિડાણામાં બે રહેણાક મકાનમાં પડ્યા દરોડા
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે કિડાણા ગામે રામમંદિર પાછળ આવેલા લુહાણા વાસમાં રહેતા સંજયપુરી શિવપુરી ગોસ્વામીના રહેણાક મકાનમાં રેઈડ કરીને ૨૪ હજારની કિંમતના ઈંગ્લિશ દારૂની ૧૮ બાટલીઓ જપ્ત કરી સંજયની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સંજયે આ માલ ગણેશનગરમાં રહેતો ગોવિંદ ઊર્ફે ગવલો ડાયાલાલ ચંદે તેની સ્વિફ્ટ કારથી આપી ગયો હોવાનું જણાવતાં પોલીસે ગવલા સામે પણ ગુનો નોંધ્યો હતો.
ત્રીજી તરફ, લોકલ ક્રાઈમ બ્રાન્ચે કિડાણાના રાધેનગરમાં રહેતા લક્ષ્મણગીરી ગોવિંદગીરી ગોસ્વામીને ગવલાનો માણસ સ્વિફ્ટ કારમાં ઈંગ્લિશ દારૂની ડિલિવરી કરવા આવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જો કે, પોલીસને જોઈ ગવલાનો માણસ અને લક્ષ્મણ ગોસ્વામી બેઉ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે લક્ષ્મણના ઘરની ગેલેરીમાંથી ૭૯ હજારની કિંમતના શરાબની ૬૦ બાટલી તથા એક મોપેડ કબજે કર્યું હતું.
Share it on
|