|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગેરકાયદે રીતે ૧૮ વર્ષથી ઓછી ઊંમરના સિંગલ પેરેન્ટ બાળકોને પોતાની સંસ્થામાં રાખીને કાયદાનો ભંગ કરવાના ગુનામાં કેરળની સંસ્થાના ૭૫ વર્ષિય પ્રમુખને નીચલી કૉર્ટ બાદ સેશન્સમાંથી પણ ઝટકો મળ્યો છે. કેરળની ‘મિશન ઈન્ડિયા કારુણ્યા બાલ નિકેતન’ નામની NGOએ ભુજના મિરજાપર ગામની સીમમાં સંસ્થા શરૂ કરીને કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા જરૂરતમંદ સિંગલ પેરેન્ટ (એકલી માતા કે પિતા હોય તેવા) બાળકોને ગેરકાયદે આશ્રય આપવાનું શરૂ કરેલું. વર્ષ ૨૦૧૮માં આ સંસ્થા વિવાદમાં આવી હતી. સંસ્થામાં રહીને શાળામાં ભણતાં ત્રણ બાળકો સાથે સંસ્થાના જ ત્રણ કિશોરોએ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરેલું. જેના પગલે ભુજ એ ડિવિઝન પોલીસે સંસ્થાના ત્રણે કિશોરો સામે ગુનો દાખલ કર્યો હતો.
વિવાદના પગલે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ તપાસ હાથ ધરતાં બહાર આવેલું કે આ સંસ્થા ગેરકાયદે ચાલતી હતી. આ પ્રકારની સંસ્થા શરૂ કરવા માટે જૂવેનાઈલ જસ્ટિસ એક્ટ (કેર એન્ડ પ્રોટેક્શન) મુજબ સરકારી વિભાગમાં નોંધણી કરાવવી ફરજિયાત છે.
જેના પગલે બાળ સુરક્ષા અધિકારીએ ૧૯-૧૦-૨૦૧૮ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સંસ્થાના સ્થાપક પ્રમુખ જ્યોર્જ ચેરિયન કરીપેલ્લી સામે જૂવેનાઈલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ની સેક્શન ૪૧ (૧) અને ૪૨ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ૭૫ વર્ષિય આરોપી જ્યોર્જ ચેરિયનની અરેસ્ટ થયેલી અને પાછળથી જામીન પર મુક્ત થયેલ.
સંચાલકની ડિસ્ચાર્જ અરજી ફગાવવા સામેની રીવિઝન પણ રીજેક્ટ
આ કેસની ટ્રાયલ હજુ પેન્ડિંગ છે. દરમિયાન જ્યોર્જે ભુજની નીચલી કૉર્ટમાં પોતાને બિનતહોમત છોડી મૂકવા (ડિસ્ચાર્જ) અરજી કરેલી જેને ૨૪-૦૪-૨૦૨૬ના રોજ કૉર્ટે ફગાવી દીધી હતી. નીચલી કૉર્ટના હુકમ સામે જ્યોર્જે સેશન્સમાં રીવિઝન અરજી દાખલ કરેલી. સેશન્સ જજ જે.એ. ઠક્કરે ગુનો સમન્સ ટ્રાયેબલ હોવાનું જણાવીને પ્રસ્થાપિત કાયદા મુજબ આવા કેસમાં ડિસ્ચાર્જ થવાની કોઈ જોગવાઈ જ ના હોવાનું જણાવી અરજીને નોન મેઈન્ટેનેબલ ગણાવી રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|