click here to go to advertiser's link
Visitors :  
24-Jul-2026, Friday
Home -> Bhuj -> Bhuj POCSO Court awards life term to rape kidnapping case convict
Friday, 24-Jul-2026 - Bhuj 2067 views
૧૪ વર્ષની બાળા પર દુષ્કર્મના ગુનામાં સામત્રાના યુવકને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૪ વર્ષ ૯ મહિનાની સગીર બાળાનું અપહરણ કરીને છરીની અણીએ દુષ્કર્મ આચરવાના ગુનામાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે સામત્રા ગામના શાહિદ સલીમ બાફણ નામના ૨૦ વર્ષિય યુવકને અંતિમ શ્વાસ સુધીના સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી છે. ૨૭-૧૧-૨૦૨૫ના રોજ માનકૂવા પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં કૉર્ટે સાડા ૮ માસની અંદર ટ્રાયલ ચલાવીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે કિશોરી મંદિરે દર્શન કરવા એકલી જતી હતી ત્યારે શાહિદે મોટર સાયકલથી આવીને તેને ડરાવી ધમકાવીને તેનો મોબાઈલ નંબર મેળવી લઈ સોશિયલ મીડિયા મારફતે તેની સાથે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરેલું.

એક દિવસ મંદિરેથી પરત જતી કિશોરીનું મોટર સાયકલ પર અપહરણ કરીને ખંડેર જેવા મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચરી, ગળા પર છરી રાખીને કોઈને પણ કશી ફરિયાદ ના કરવા ધમકાવી હતી. ત્યારબાદ વધુ એકવાર આ જ રીતે કિશોરી સાથે બળપૂર્વક દુષ્કર્મ આચરેલું.

આ ગુનામાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૩૦ દસ્તાવેજી આધાર પુરાવા અને ૧૧ સાક્ષીઓને તપાસીને વિશેષ પોક્સો કૉર્ટના ખાસ જજ જે.એ. ઠક્કરને શાહિદને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ અંતિમ શ્વાસ સુધીની કેદ સાથે ૫૦ હજાર રૂપિયા દંડ, BNS કલમ ૧૩૭ (૨) હેઠળ ૫ વર્ષની સખ્ત કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ તથા કલમ ૩૫૧ (૩) તળે ૧ વર્ષની સખ્ત કેદ સાથે ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ગુનાનો ભોગ બનનાર બાળાને કૉર્ટે ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાની DLSAને ભલામણ કરી છે.

આ કેસમાં ફરિયાદમાં સરકારી પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને પેરવી કરેલી. ભોગ બનનારના કાનૂની સહાયક તરીકે એડવોકેટ માલશ્રી ગઢવીએ સેવાઓ આપી હતી. ફરિયાદીના વકીલ તરીકે કાન્તા વેકરીયા હાજર રહ્યા હતા.

શાહિદ સહિતના પાંચ સામે વધુ એક કેસનો ચુકાદો બાકી

આ ગુનાના એક માસ બાદ શાહિદ બાફણ સહિતના કુલ પાંચ આરોપીઓ સામે ૧૪ વર્ષની વધુ એક કિશોરીએ દુષ્કર્મ સહિતની કલમો તળે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પાંચ પૈકીના ત્રણ આરોપીએ બ્લેકમેઈલ કરીને બાળા જોડે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું. આ કેસની ટ્રાયલ હાલ કૉર્ટમાં પેન્ડિંગ છે. એક માસના ગાળામાં બે ફરિયાદોના પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.

Share it on
   

Recent News  
પંજાબથી હેરોઈન ખરીદી ભુજમાં ઘરાક શોધવા આવેલી બેલડી ૧૯.૩૦ લાખના હેરોઈન સાથે પકડાઈ
 
વીજ ચોરી બદલ બાંભણકાની બ્લોક ફેક્ટરીના માલિકને ૩ વર્ષનો કારાવાસ, ૫.૪૧ લાખનો દંડ
 
રાહુલની ધરપકડ, જેન ઝીના પર બર્બરતાનો વિરોધઃ ભુજમાં કોંગ્રેસના ચક્કાજામ, દેખાવો