કચ્છખબરડૉટકોમ, ભુજઃ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ વીજ જોડાણો મેળવીને નલિયા અને જખૌ આસપાસ ધમધમતી મોટાં માથાંઓની આઈસ ફેક્ટરીઓ પર મધરાત્રે દરોડા પડતાં ભારે ચકચાર મચી ગઈ છે. વીજ તંત્રની કોર્પોરેટ કચેરીના વિજીલન્સ વિભાગની ટીમે ગત રાત્રે ચાર આઈસ ફેક્ટરીઓમાં ત્રાટકીને અંદાજે સાડા ત્રણ કરોડની વીજ ચોરી પકડતાં ભારે ચકચાર મચી ગઈ છે. દરોડા દરમિયાન નલિયા નજીક આવેલી દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની મોમાઈ આઈસ ફેક્ટરી તથા આશાપુરા આઈસ ફેક્ટરીમાંથી અંદાજે ૬૭ લાખની વીજ ચોરી પકડાઈ છે. યુવરાજસિંહ વી. રાણાની આશાપુરા આઈસ ફેક્ટરીમાંથી અંદાજે ૭૦ લાખની વીજ ચોરી પકડાઈ છે. એ જ રીતે, જશપાલસિંહ હકુમતસિંહ જાડેજાની કોટેશ્વર આઈસ ફેક્ટરીમાંથી ૧ કરોડ ૮ લાખ, નલિયા જખૌ બંદર રોડ પર ઉઠાર અલીમામદ જુમાની આઈસ ફેક્ટરીમાંથી ૧ કરોડ મળી બે કરોડથી વધુની વીજ ચોરીનો પર્દાફાશ થયો છે.
વીજ ચોરી ઉપરાંત માંડવાળપાત્ર લાખ્ખોની ફી મળીને કુલ આંકડો પોણા ચાર કરોડ આસપાસ પહોંચ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ આઈસ ફેક્ટરીઓ દ્વારા ડાયરેક્ટ વીજ જોડાણ મેળવી વીજચોરી કરાતી હતી. SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરોડાની કામગીરીમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના ૧૨ ઇજનેરો સહિતનો કાફલો જોડાયો હતો. સામાન્ય ગરીબ માણસ ભૂલેચૂકે આજુબાજુના મકાનમાં પોતાના ઘરમાંથી વીજળીનો છેડો આપતો હોય તો વીજ તંત્ર તરત દંડનીય કામગીરી કરે છે જ્યારે આ આઈસ ફેક્ટરીઓ લાંબા સમયથી વીજ ચોરી કરીને ધમધમતી હોવા છતાં સ્થાનિક વીજ કચેરીના એકેય જવાબદારોનું ધ્યાન ના ગયું તે બાબત કોઈના ગળે ઉતરે તેવી નથી.
Share it on
|