click here to go to advertiser's link
Visitors :  
24-Aug-2026, Monday
Home -> Gandhidham -> Gandhidham Sessions Court Rejects Bail in illegal imports of Pakistani Dates Scam
Monday, 24-Aug-2026 - Gandhidham 1111 views
પાકિસ્તાની ખજૂર આયાત કરનાર મારવાડી યુવા મંચના ઉપ પ્રમુખની જામીન અરજી રીજેક્ટ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પાકિસ્તાની મૂળની ૩ કરોડ રૂપિયાની સૂકી ખજૂરને દુબઈ (UAE) મૂળની જણાવીને ભારતમાં આયાત કરવાના ગુનામાં પકડાયેલાં ગાંધીધામના પવન S/o સુરેશ ગોયલની નિયમિત જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. પવન ગોયલ (ઉ.વ. ૪૫, રહે. DBZ નોર્થ-77, વૉર્ડ 12-એ, ગાંધીધામ) મારવાડી યુવા મંચ, ગાંધીધામનો ઉપ પ્રમુખ છે.  શિવોહમ ઈમ્પેક્સના નામે પવન ગોયલે જ સૂકી ખજૂરના ૧૩ કન્ટેઈનર કંડલા પોર્ટ ખાતે ગેરકાયદે ઈમ્પોર્ટ કરતાં DRIએ તેની ધરપકડ કરી છે.
પવને દલીલ કરેલી હું તો કેવળ દલાલ છું

પુલવામા એટેક અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે પાકિસ્તાની મૂળની કોઈપણ ચીજવસ્તુની ભારતમાં સીધી કે પરોક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. જામીન મેળવવા પવન ગોયલ વતી રજૂઆત કરાયેલી કે તે શ્રી શ્યામ ટ્રેડલિન્ક નામથી ઓર્ડર મુજબ કમિશન પર માલની આયાત નિકાસ કરતો દલાલ છે.

આ ખજૂર શિવોહમ ઈમ્પેક્સ નામની પેઢી વતી તેણે આયાત કરેલી. શિવોહમ ઈમ્પેક્સે માલનું ‘કન્ટ્રી ઑફ ઓરિજિન’ યુએઈ દર્શાવેલું અને દુબઈ ચેમ્બર ઑફ કૉમર્સે ઈસ્યૂ કરેલું પ્રમાણપત્ર પણ જોડેલું. તેની ભૂમિકા તો આયાતકાર પેઢીના ઓર્ડર મુજબ કમિશન પર માલની આયાત કરવા પૂરતી મર્યાદિત છે.

ગુનો દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા આધારીત છે, મહત્તમ સજા સાત વર્ષ સુધીની છે, તમામ પુરાવા એજન્સીએ કબજે કરેલાં છે તેથી તેમાં કોઈ ચેડાં થઈ શકે તેમ નથી, ઈન્ટરોગેશનની હવે જરૂરિયાત રહી નથી, સ્થાનિક રહીશ છે એટલે ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી ત્યારે તેને જામીન પર મુક્ત કરવો જોઈએ.

પવન જ મુખ્ય કાવતરાંખોરઃ સરકારી વકીલની દલીલ

પવન ગોયલ જ મુખ્ય કાવતરાંખોર હોવાનું જણાવતાં DRI વતી પુરાવા સાથે વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ જામીન અરજી ફગાવી દેવાની રજૂઆત કરેલી. ગોસ્વામીએ જણાવ્યું કે પવને જ મિત્રના નામે શિવોહમ ઈમ્પેક્સ નામની પેઢી ઊભી કરેલી, આ બદલ તેણે મિત્રને નાણાં ચૂકવેલાં છે તેનો DRIને પુરાવો મળી ગયો છે. સૂકી ખજૂરની આયાતમાં ખરો બ્રોકર તો જાવેદ ખાન છે.

પવનના વોટસએપ ગૃપમાં પાકિસ્તાની શખ્સ જોડાયેલો

પાકિસ્તાની મૂળની સૂકી ખજૂર આયાત કરવા માટે પવને તેના મોબાઈલમાં એક વોટસએપ ગૃપ બનાવેલું. તેમાં તેને લગતી ચેટ થતી રહેતી હતી. આ વોટસએપ ગૃપમાં એક પાકિસ્તાની વ્યક્તિનો નંબર પણ સામેલ કરાયેલો હતો. એટલે કે આ સૂકી ખજૂર પાકિસ્તાની મૂળની હોવાનું પવન જાણતો હતો. પવનની કંપનીના એકાઉન્ટન્ટ રવિ આહીરે DRI સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે શિવોહમ ઈમ્પેક્સના આયાત થયેલ માલની પાકિસ્તાન લીંક હોઈ તેના પેમેન્ટની યોગ્ય રીતે ચૂકવણી કરવા પવને તેને સૂચના આપેલી. ગોસ્વામીએ ઉમેર્યું કે પાકિસ્તાની મૂળની ચીજવસ્તુની આયાત પર પ્રતિબંધ મૂકવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ચીજવસ્તુના વેચાણની આવકનો ઉપયોગ આતંકવાદીઓને મદદ કરવામાં થાય છે.

સૂકી ખજૂર સિવાય આરોપીએ આયાત કરેલા અન્ય કન્ટેનરોની તપાસ હજુ ચાલુ છે તેથી જો તેને જામીન પર છોડી મૂકાય તો તપાસને અસર થઈ શકે તેમ છે.

તપાસમાં અન્ય કોઈ એવી વ્યક્તિ પકડાય તો આરોપીના રિમાન્ડ મેળવવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે.

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સરળતાથી ના લઈ શકાયઃ કૉર્ટ

ગાંધીધામના પાંચમા અધિક સેશન્સ આર.જે. પટેલે પવન ગોયલની અરજી ફગાવતાં જણાવ્યું કે માલ પાકિસ્તાની મૂળનો હોવાનું અરજદાર/આરોપી જાણતો ના હોવાનું આ તબક્કે માની શકાય તેમ નથી. શિવોહમ પેઢી અરજદાર જ ચલાવતો હોવાનું જણાય છે તેથી માલનો આયાતકાર તે ના હોવાનું માની શકાય તેમ નથી. અરજદારે આડકતરી રીતે ભારતના દુશ્મન દેશને આર્થિક ફાયદો પહોંચાડેલ છે અને તેથી તે ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું જણાય છે. ગુનાની મહત્તમ સજા સાત વર્ષની હોવા છતાં તેણે જે પ્રવૃત્તિ કરેલ છે તે રાષ્ટ્રવિરોધી છે અને તેને સરળતાથી લઈ શકાય નહીં. આવા ગુનાની ઊંડી તપાસ થવી જરૂરી છે અને જામીન પર છોડવાથી તપાસને અસર થઈ શકે તેમ છે.  

Share it on
   

Recent News  
નિયત સમયમાં ચાર્જશીટ દાખલ ના થતાં કૉર્ટે ૪ આરોપીને ડિફોલ્ટ બેઈલ પર છોડી મૂક્યાં!
 
દુબઈની કંપનીએ ૧.૩૭ કરોડના બાસમતી ચોખા ખરીદીને ભારતીય કંપનીને ચૂનો ચોપડ્યો
 
ડ્રાઈવીંગ સાથે ડ્રગ્ઝનો કારોબાર! SOGએ ૩૭ લાખના હેરોઈન સાથે પંજાબી યુવક ઝડપ્યો