કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૨૨ એપ્રિલના રોજ કાશ્મિરના પહલગાઁવમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓ પર થયેલાં આતંકી હુમલાનો ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાક. સમર્થિત ત્રાસવાદી જૂથોને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મિરમાં ધમધમતા આતંકી સંગઠનોના વિવિધ નવ અડ્ડાઓ તથા તાલીમ શિબિરો પર ભારતીય સૈન્યએ એકદમ સચોટ રીતે મિસાઈલ્સનો મારો કરીને તેને ધ્વસ્ત કરી દીધાં છે.
સેનાએ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ, ભીમ્બર, કોટલી, ગુલપુર, સિયાલકોટ, ચક અમરુ, મુરીદકે અને બહાવલપુરની આતંકી છાવણીઓને મધરાત્રે ૧.૦૫થી ૧.૩૦ દરમિયાન નિશાન બનાવીને ફક્ત ૨૫ મિનિટમાં નષ્ટ કરી દીધી હતી.
ભારતની વળતી કાર્યવાહીએ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત દર વખતે આતંકવાદનો સામે પાર ઘૂસીને જડબાતોડ જવાબ આપશે, વૈશ્વિક દબાણમાં આવ્યા વગર કે તેના પરિણામોની ચિંતા કર્યાં વગર. ભારતે આ એર સ્ટ્રાઈકને ફક્ત આતંકી છાવણીઓ પૂરતી મર્યાદિત, બિન ભડકાઉ (નોન એસ્કેલેટરી) અને જવાબદારીપૂર્ણ લેખાવી હતી.
હુમલા બાદ ભારતના વિદેશ સચિવ વિક્રમ મેસરીએ જણાવ્યું કે પહલગાઁવનો આતંકી હુમલો ભારતમાં કોમી રમખાણો ભડકાવવાના હેતુથી કરાયો હતો પણ જનતાએ તેને નિષ્ફળ બનાવ્યો.
ભારતમાં હજુ વધુ આતંકી હુમલા થવાની શક્યતા હતી
મેસરીએ જણાવ્યું કે આતંકવાદી સંગઠનો હજુ પણ ભારતમાં આવા વધુ હુમલા કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી. પાકિસ્તાન આ આતંકવાદી અડ્ડાઓ સામે કાર્યવાહી કરે તે માટે ભારતે પખવાડિયા સુધી રાહ જોઈ પણ પાકિસ્તાન સતત બચાવ કરતું રહ્યું. પાકિસ્તાનના સૈન્ય અને નાગરિક સંસ્થાનો યા પ્રતિષ્ઠાનો પર કોઈ હુમલો ના કરાયો હોવાનું જણાવાયું હતું. ઈન્ડિયન આર્મીના કર્નલ સોફિયા કુરેશી કે જે મૂળ વડોદરાના વતની છે અને ઈન્ડિયન એરફોર્સના વ્યોમિકા સિંહે લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન વગેરે આતંકી સંગઠનોના કઈ કઈ છાવણીઓ અને મુખ્ય મથકો પર કરાયો, તે છાવણીઓમાં તાલીમ પામેલાં આતંકવાદીઓએ ભૂતકાળમાં ભારતમાં ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે હુમલા કરેલાં તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. જો કે, ભારતની સ્ટ્રાઈકમાં કેટલાં લોકોના મૃત્યુ નીપજ્યાં તે અંગે પ્રેસ બ્રિફીંગમાં સત્તાવાર આંકડો જારી કરાયો નહોતો.
બેઉ દેશો વચ્ચે યુધ્ધ ફાટી નીકળવાના ભણકારાં
ભારતની સ્ટ્રાઈક અંગે પાકિસ્તાને મધરાત્રે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે છ સ્થળે હુમલો થયેલો જેમાં ૨૬ જેટલાં નાગરિકોના મૃત્યુ નીપજ્યાં છે. પાકે. ભારતના હુમલાને યુધ્ધ તરફ દોરી જતું પ્રબળ પગલું ગણાવીને વળતો પ્રતિભાવ આપવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, પાકિસ્તાનની રાજકીય, આર્થિક અને સૈન્ય સ્થિતિ જોતાં તે પૂર્ણ યુધ્ધમાં ઝૂકાવે તેવી શક્યતા બહુ ઓછી હોવાનું નિષ્ણાતોનું મંતવ્ય છે. ભારતના હુમલા બાદ પાકે. ભારતના પાંચ ફાઈટર જેટ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે જેની ભારતે કોઈ પુષ્ટિ કરી નથી.
ભારતની સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે સંભવિત યુધ્ધ ફાટી નીકળવા અંગે બંને દેશની જનતામાં ઉચાટ ફેલાયો છે.
પાક.ની તુલનાએ ભારત લગભગ તમામ મોરચે અતિ શક્તિશાળી છે. પાકિસ્તાન કોઈ અડપલું કરે તો તેના પ્રતિકાર માટે ભારતીય સૈન્ય સજ્જ છે અને દેશભરના સરહદી રાજ્યો અને જિલ્લાઓમાં આજે મૉક ડ્રીલ યોજવામાં આવી છે. કચ્છના પોલીસ તંત્રએ સરહદી તાલુકા ગામોના લોકોને સતર્ક રહી કંઈપણ અસામાન્ય ગતિવિધિ જોવા મળે તો તુરંત જાણ કરવા અનુરોધ કર્યો છે.
હુમલા બાદ બંને દેશોના સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને વીડિયોનો મારો ચાલી રહ્યો છે.
વિશ્વના વિવિધ દેશોએ ભારતની સ્ટ્રાઈક અંગે મિશ્ર પ્રતિભાવો આપી એકંદરે બંને દેશને સંયમ વર્તવાનો સંદેશ આપ્યો હતો. હુમલા બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મિરના પૂંચમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર નાગરિક વિસ્તારોને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ગોળીબાર અને તોપમારો શરૂ કર્યો હતો. જેનો ભારતીય સૈન્ય દળોએ પણ સખ્ત પ્રતિકાર કર્યો હતો.
સત્તા પક્ષ અને વિપક્ષોએ સૈન્યના શૌર્યને સલામી આપી
ભારતની સ્ટ્રાઈક બાદ વડા પ્રધાન, ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન સહિતના સત્તાપક્ષ અને વિરોધ પક્ષના નેતાઓએ ભારતીય સૈન્યની બહાદુરીની પ્રશંસા કરતાં પ્રતિભાવો વ્યક્ત કર્યાં છે. વડા પ્રધાને આવતીકાલે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કોંગ્રેસે આ બેઠકમાં વડા પ્રધાન હાજર રહે તેવી અપેક્ષા દર્શાવી છે. પહલગાઁવ હુમલાના ભોગ બનનારાઓએ પણ ભારતની સૈન્ય કાર્યવાહીની પ્રશંસા કરી ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
પેસેન્જર ફ્લાઈટ્સ બંધ, અમિત શાહે યોજી બેઠક
હુમલા બાદ ઉત્તર ભારતથી લઈ પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા જામનગર તથા કચ્છના ભુજ અને કંડલા સહિતના એરપોર્ટ પરની પેસેન્જર ફ્લાઈટ્સને સ્થગિત કરી દેવાઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મિર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, લદ્દાખના મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, રાજ્ય પોલીસ વડાઓ અને મુખ્ય સચિવો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશો આપ્યાં હતાં. મોડી સાંજે ગુજરાતમાં તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાયાના હુકમો વછૂટ્યાં છે.
Share it on
|