|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના અશોક લાલસિંહ માથુર (રહે. મૂળ હરિયાણા)એ તેમની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ૧૮ વર્ષથી કામ કરતાં વિશ્વાસુ કર્મચારી સામે ૨.૩૧ કરોડની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. અશોક માથુરે ગાંધીધામ બી ડિવિઝનમાં ધર્મવીર હવાસિંગ પવાર (રહે. મૂળ ભવાનીનગર, ગળપાદર) સામે ફરિયાદ નોંધાવી છે. માથુરે પોલીસને જણાવ્યું કે ૧૯૯૮માં તે ગાંધીધામ આવેલા અને ‘સોનીપત ગોહાના ફ્રેઈટ કેરિયર’ નામથી ટ્રાન્સપોર્ટ પેઢી શરૂ કરેલી. ૨૦૦૮માં ધર્મવીરને તેમણે નોકરીએ રાખેલો. ધીમે ધીમે ધર્મવીરે માથુરનો વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો. માથુરને તેના પર આંધળો વિશ્વાસ આવી ગયેલો.
ફરિયાદી માથુરે પોતાના બે બેન્ક ખાતાંના ATM, પાસબૂક, ચેકબૂક તેને સોંપી દઈ બેઉ બેન્ક ખાતામાં ધર્મવીરનો મોબાઈલ નંબર પણ ઉમેરાવ્યો હતો. માથુરે પેઢીનો કારોબાર અને બધો હિસાબ કિતાબ ધર્મવીરને જ સોંપી દીધેલો.
૨૦૨૦માં માથુરના ધ્યાને આવેલું કે તેમની બેન્કના ખાતામાંથી પાંચ લાખ કોઈ અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થયાં છે. તેમણે ધર્મવીરને પૂછ્યું તો તેણે જવાબ આપેલો કે મારા સાળાને એક્સિડેન્ટ થયું છે એટલે મેં તેના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં છે.
ધર્મવીરે પણ પોતાની અલગ ટ્રાન્સપોર્ટ પેઢી શરૂ કરેલી અને નોકરીની સાથે સાથે પોતાની ટ્રાન્સપોર્ટ પેઢીનું પણ સંચાલન કરતો હતો.
ધીમે ધીમે માથુરને ધંધામાં ખોટ આવવા માંડેલી. માથુરને શંકા જતાં તેમણે ૨૦૨૦થી ૨૦૨૬ દરમિયાન તેમના બેઉ બેન્ક ખાતામાં થયેલાં ટ્રાન્ઝેક્શનની વિગતોની ઝીણવટભરી તપાસ કરતાં ધ્યાને આવેલું કે પાંચ જુદાં જુદાં બેન્ક ખાતાઓમાં ૧ કરોડ ૪ લાખ તેમની જાણ બહાર જમા કરાવાયાં હતા. તેમની સહી કરેલાં ચેક મારફતે તથા ATM મારફતે ૧.૨૭ કરોડનો બારોબાર વહીવટ થઈ ગયેલો.
૩૦ જૂનના રોજ શેઠે ધર્મવીરને બેસાડીને બધો હિસાબ કિતાબ બતાવીને ૨.૩૧ કરોડ રૂપિયા કોને મોકલ્યાં તેનો જવાબ માંગતા ધર્મવીર જવાબ આપી શક્યો નહોતો.
ઉલટાનો પેઢીના બેઉ મોબાઈલ ફોન ઑફિસમાં રાખીને જતો રહેલો. બીજા દિવસે વહેલી સવારે આવીને ધર્મવીર હિસાબ કિતાબના બધા દસ્તાવેજો, બેન્કોની પાસબૂક, ચેકબૂક લઈને જતો રહેલો. તે દિવસ ને આજની ઘડી, ધર્મવીર કશો જ હિસાબ કે નાણાં પરત આપતો ના હોઈ માથુરે તેની સામે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|