|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ લંડન રહેતી મૂળ ભુજની NRI વૃધ્ધ મહિલાનું આધાર કાર્ડ બનાવી આપવાના નામે કાવતરું રચીને અસલ દસ્તાવેજો મેળવી, બોગસ સહીના આધારે તેનું મકાન બારોબાર વેચી મરાયું હોવાનો બનાવ બહાર આવ્યો છે. ભુજમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા પુપુલ સંગાર, તેના ભાઈ ધર્મેશ, પિતા શિવજી બુધીયા સંગાર અને માતા ચંપાબેન તથા મકાન ખરીદનાર અંજના રોબિન સંગાર વિરુધ્ધ પોલીસે વિવિધ ભારેખમ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૮૧ વર્ષિય લલિતાબેન બાબુલાલ પરમાર મૂળ ભુજના ભાવેશ્વરનગરના રહેવાસી છે અને વર્ષોથી લંડન સ્થાયી થયેલાં છે. બ્રિટિશ પાસપોર્ટ અને OCI કાર્ડ ધરાવતાં લલિતાબેન વખતોવખત માદરે વતનમાં આવીને રોકાય છે. લલિતાબેન ભુજમાં આશાપુરા પાર્ક તરીકે ઓળખાતી સોસાયટીમાં પોતાની માલિકીનું બીજું મકાન ધરાવે છે જેમાં ૨૦૦૬થી તેમની કૌટુંબિક નણંદ નિરૂપા ચંદ્રકાન્ત દાવડા પરિવાર સાથે વસવાટ કરે છે.
આધાર કાર્ડ બનાવવાના નામે દસ્તાવેજો મેળવેલાં
આધાર કાર્ડના અભાવે લલિતાબેનને તકલીફ પડતી હોઈ ૨૦૨૨ના વર્ષમાં પરિચિત મારફતે આધાર કાર્ડ બનાવવા માટે ભુજની વી.ડી. સ્કુલ પાસે આવેલી ઑફિસમાં બેસતાં શિવજીભાઈ સંગારને મળેલાં. આધાર કાર્ડ બનાવવા માટે શિવજીભાઈએ સ્થાનિકે તેમના નામની રહેલી મિલકતના આધાર પુરાવા આપવા જણાવેલું. જેથી લલિતાબેને શિવજીને આશાપુરા પાર્કના મકાનના અસલ દસ્તાવેજો અને ઈન્ડિયન પાસપોર્ટની નકલ આપી હતી.
સહી કરાવવા રજિસ્ટ્રાર કચેરીએ રૂબરૂ લઈ ગયાં
લલિતાબેને આપેલાં દસ્તાવેજોના આધારે શિવજી સંગાર અને તેમના પુત્રોએ કાવતરું રચેલું. ૦૯-૦૬-૨૦૨૨ના રોજ શિવજીએ લલિતાબેનને કહેલું કે આધાર કાર્ડ બનાવવા માટે રજિસ્ટ્રાર ઑફિસે રૂબરૂ જઈને કાગળોમાં સહી સિક્કા કરવા પડશે. ત્યારબાદ શિવજી સંગારનો પુત્ર ધર્મેશ લલિતાબેનને પોતાની ગાડીમાં બેસાડીને સબ રજિસ્ટ્રારની કચેરીએ લઈ ગયેલો. અહીં ધર્મેશના માતા ચંપાબેન સંગાર પણ હાજર હતા.
થોડાં સમય પછી કહ્યું આધાર કાર્ડ નહીં બને
ઓછું ગુજરાતી જાણતાં લલિતાબેને ધર્મેશે કહ્યું તે કાગળો પર સહીઓ કરી દીધેલી. થોડાંક સમય બાદ શિવજી સંગારે તમે વિદેશી નાગરિક હોઈ આધાર કાર્ડ નહીં બને તેમ જણાવી દીધું હતું. લલિતાબેન પરત લંડન જતાં રહેલાં. લલિતાબેને આરોપીઓ પાસે અવારનવાર પોતાના મકાનના અસલ દસ્તાવેજ પરત આપવા કહેલું પરંતુ બહાના કરીને પરત કર્યાં નહોતાં.
મકાન વેચવા કાઢ્યું ત્યારે ઘટસ્ફોટ થયો
૨૦૨૫માં આશાપુરા પાર્કનું આ મકાન તેમાં વસવાટ કરતા કૌટુંબિક નણંદ નિરૂપાબેને લલિતાબેન પાસેથી વેચાતું ખરીદી લેવા નક્કી કરેલું. લલિતાબેને પણ સંમતિ આપીને એડવાન્સ પેટે ઓનલાઈન ૨૧ હજાર રૂપિયા મેળવ્યાં હતા. મકાનના અસલ દસ્તાવેજો ના હોઈ તેમણે ખરી નકલ કઢાવવા સરકારી કચેરીમાં સોગંદનામું રજૂ કરીને ટાઈટલ ક્લિયરન્સ હેતુ નગરપાલિકામાંથી વેરાને લગતી વિગતો મેળવવા પ્રયાસ કરતા જાણવા મળેલું કે મકાનની માલિકી માંડવીના બિદડા ગામની અંજના રોબિન સંગાર નામની મહિલાના નામે બોલે છે!
પાવરનામામાં સહીઓ કરાવી મકાન વેચી દેવાયું
તપાસ કરતાં બહાર આવેલું કે આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર ચંપાબેન શિવજી સંગારની ફેવરમાં પાવરનામું (પાવર ઑફ એટર્ની) બનાવીને મકાન બારોબાર અંજના સંગારને ૯.૮૨ લાખ રૂપિયામાં વેચી માર્યું હતું. વેચાણ દસ્તાવેજમાં મૂળ મકાનના બદલે અન્ય કોઈ મકાનનો ફોટો ચોંટાડેલો હતો. એટલું જ નહીં મકાનમાં આજની તારીખે પણ ફરિયાદીના કૌટુંબિક નણંદ સપરિવાર વસવાટ કરતાં હોવા છતાં દસ્તાવેજમાં ફરિયાદીએ મકાનનો શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપ્યો હોવાનું લખેલું છે. દસ્તાવેજમાં ફરિયાદીની ખોટી સહીઓ કરાયેલી છે.
શિવજીએ કહ્યું જે થયું તે થઈ ગયું
પોતાની સાથે થયેલાં ખેલથી ચોંકી ઉઠેલાં લલિતાબેને શિવજી સંગારને ફોન કરી પૂછતાં શિવજીએ ‘જે થયું તે થઈ ગયું. હવે હું તમને મકાનની કિંમત ચૂકવી આપીશ’ કહીને ફોન કટ કરી તેમનો નંબર બ્લોક કરી દીધેલો. આ વાતચીતની વોઈસ રેકોર્ડીંગ ક્લિપ પુરાવારૂપે હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
પોલીસે આ કલમો તળે ગુનો નોંધ્યો
ભુજ એ ડિવિઝન પોલીસે એડવોકેટ પુપુલ સંગાર, તેના માતા, પિતા, ભાઈ અને મકાન ખરીદનાર અંજના સંગાર મળી પાંચે સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ ૧૨૦-B હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Share it on
|