|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ કચ્છમાં ભ્રષ્ટ કર્મચારીઓ સામે સક્રિય થયેલા એન્ટિ કરપ્શન બ્યૂરૉના છટકામાં વધુ એક મહિલા તલાટી રંગેહાથ સપડાઈ છે. રાપર તાલુકાની સેલારી જૂથ ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રી અલ્પાબેન D/O રમેશભાઇ પટેલને ACBએ ૧ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડી છે. અલ્પા પટેલ મૂળ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુવાડી ગામની વતની છે અને રાપરમાં અયોધ્યાપુરી પાસે રહે છે. ACBને લાંબા સમયથી તેમને ખાનગી રાહે રજૂઆતો મળતી હતી કે અલ્પા પટેલ નોંધો પાડવી, વેરા ભરવા વગેરે જેવી પંચાયતને લગતી કામગીરી કરવા પેટે બસ્સો રૂપિયાથી લઈ પાંચ હજાર સુધીના બિન્ધાસ્ત રીતે ઉઘરાણાં કરે છે.
ACBએ અલ્પા પટેલને પકડવા માટે એક જાગૃત નાગરિકની મદદથી છટકું ગોઠવી, તેને હયાતીના હક્કની નોંધ પડાવવા સંદર્ભે મોકલ્યો હતો.
અલ્પાએ તેની પાસે નોંધ પાડવા માટે એક હજારની લાંચ માંગેલી. સરકારી પંચોની હાજરીમાં અલ્પા લાંચ લેતાં પંચાયત કચેરીમાં જ રંગેહાથ પકડાઈ ગઈ હતી. ACB બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ અને અને રાજકોટસ્થિત નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના સુપરવિઝન તળે ગાંધીધામસ્થિત પૂર્વ કચ્છ ACB પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. ચૌધરીએ સફળ કામગીરી કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૩૦ જૂલાઈના રોજ ACBએ ભુજ શહેર મામલતદાર કચેરીમાં છટકું ગોઠવીને ૩૫ હજારની લાંચ લેતા રેવન્યૂ તલાટી ચંદુ ગેલાભાઈ હરણને ઝડપી પાડ્યો હતો.
Share it on
|