click here to go to advertiser's link
Visitors :  
16-Apr-2026, Thursday
Home -> Kutch -> Notorious Accused Booked for Driving Illegal Indian Army style Jeep
Sunday, 08-Feb-2026 - Bhuj 33286 views
અબડાસાનો રીઢો શખ્સ લોકોમાં પ્રભાવ પાડવા ઈન્ડિયન આર્મી જેવી જીપ્સી વાપરતો હતો!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અબડાસાના મિંયાણી ગામે હત્યાના પ્રયાસના ગુનામાં નાસતો ફરતો નુંધાતડનો કુખ્યાત આરોપી હનીફ જાકબ બાવા પઢિયાર લોકોમાં પ્રભાવ પાડવા ગેરકાયદે રીતે ભારતીય સૈન્યના વાહન જેવી આબેહૂબ  જીપ્સી કાર વાપરતો હોવાનું બહાર આવ્યું છે. ગત ૨૫ જાન્યુઆરીના રોજ મિંયાણી ગામે બેન્ટોનાઈટની પારકી ખાણમાં ગેરકાયદે માટીનો પાળો બનાવી રસ્તો અવરોધીને વિરોધ કરનાર બે ભાઈ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા બદલ હનીફને સૂત્રધાર ગણાવી હનીફ, તેના ભત્રીજા હાફિઝ સહિત ૨૧ લોકો સામે ગુનો નોંધાયેલો.

આ ગુનામાં આરોપીઓને પકડવા માટે એસઓજી, એલસીબી અને કોઠારા પોલીસની અલગ અલગ ટીમોએ સંયુક્ત રીતે સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરેલું. ૩૦ જાન્યુઆરીના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૮ આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ હનીફ હાથમાં આવ્યો નહોતો.

સ્પેશિયલ કોમ્બિંગ દરમિયાન મળી આવી જીપ્સી

કોમ્બિંગ દરમિયાન હનીફના રહેણાકમાંથી ભારતીય સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવા આબેહૂબ રંગરોગાન અને ઢાંચાવાળી જીપ્સી કાર મળી આવી હતી. GJ-12 FC-5249 નંબરની આ કારને પોલીસે જપ્ત કરી તપાસ કરાવતાં ચોપડા પર વાહન માલિક તરીકે ભુટો ઓસમાણ ગની પઢિયાર (રહે. નુંધાતડ)નું નામ સામે આવેલું. આ ગાડીને હનીફે પોતાના કબજા ભોગવટામાં રાખી હતી.

જીપ્સીનું અનધિકૃત રીતે મોડીફિકેશન કરાયેલું

સામાન્ય રીતે, કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે ભારતીય સૈન્યની હોય તેવા દેખાવ, રૂપ-રંગ, આકારનું વાહન ઉપયોગમાં લઈ શકે નહીં. આ જીપ્સીમાં મોડીફિકેશન કરવા માટે આરટીઓની પણ કોઈ પરવાનગી લેવાઈ નહોતી. આ મામલે બેઉ સામે સરકાર તરફે કોઠારા પોલીસ મથકે મોટર વેહિકલ એક્ટ, સેન્ટ્રલ મોટર વેહિકલ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. હનીફ અને ભુટો બેઉ ફરાર છે. હનીફ ભૂતકાળમાં વિવિધ ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે.

Share it on
   

Recent News  
નખત્રાણાઃ પત્નીએ રોટલાં ઘડવાનો ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલાં પતિએ ઢીમ ઢાળી દીધું
 
૯.૭૦ કરોડની ITC હજમ કરનારી ગાંધીધામની કંપનીના બે ડિરેક્ટરના આગોતરા નામંજૂર
 
કચ્છમાં ભાજપના ઈશારે સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ કોંગ્રેસને હરાવવા નીકળ્યાં