click here to go to advertiser's link
Visitors :  
16-Apr-2026, Thursday
Home -> Kutch -> Govt Machinery and Corporate Out to Defeat Congress on BJPs Orders blames Congress
Wednesday, 15-Apr-2026 - Bhuj 3225 views
કચ્છમાં ભાજપના ઈશારે સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ કોંગ્રેસને હરાવવા નીકળ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષના ઈશારે ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને હરાવી દેવા કચ્છમાં ચૂંટણી તંત્ર, પોલીસ તંત્ર અને ઉદ્યોગપતિઓ મેદાને ઉતર્યાં હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આરોપ કર્યો છે. ભુજમાં એક પત્રકાર પરિષદમાં હુંબલે આરોપ કર્યો કે કોંગ્રેસ ઉમેદવારોના ઉમેદવારી પત્રો પરત ખેંચાવવા માટે કચ્છમાં ઠેર ઠેર પોલીસ તંત્ર અને ઉદ્યોગપતિઓએ પૂરજોશમાં પ્રયાસ કર્યો છે. આ માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરાયેલી.

આ પ્રવૃત્તિમાં જે-તે વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટરોથી લઈને એસપી અને રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ સંડોવાયેલાં છે.

કોંગ્રેસ સામે ભાજપ નહીં પણ પોલીસ લડી રહી છે!

હુંબલે આરોપ કર્યો કે જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના અનેક ઉમેદવારોને ૩૦થી ૩૫ લાખની ઑફરો કરાઈ છે. મોડી રાત સુધી પોલીસે કોંગ્રેસના ઉમેદવારોના ઘર સુધી પહોંચીને ઉમેદવારી પત્ર પરત ખેંચાવવા પ્રયાસો કર્યાં છે.

ઘણી જગ્યાએ ખુદ પોલીસે ભાજપને ફાયદો કરાવવા માટે મુસ્લિમો ઉમેદવારોને અપક્ષ તરીકે મેદાને ઊભાં રખાવ્યાં છે.

ઘણાં ઉદ્યોગપતિઓએ પણ મોડી રાત્રે ત્રણથી ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચાવવા પૂરજોશમાં મહેનત કરી હતી. કેટલાંક ઉદ્યોગપતિઓએ સરકારનું દબાણ હોવાનું અને મજબૂરી હોવાનું પોતાની સમક્ષ કબૂલ્યું હોવાનું હુંબલે ઉમેર્યું છે.

ભચાઉમાં ૪૦થી ૫૦ લાખ સુધીનો વહીવટ થયો!

અંજાર તાલુકા પંચાયતની વીરા બેઠક પર આહીર સેના દ્વારા સમર્થિત ઉમેદવાર ઊભો રખાયેલો પરંતુ છેલ્લાં દિવસે તેણે ફોર્મ પરત ખેંચી લઈને કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો. આહીર સમાજની ઓળખ વટ વચન અને આશરાની રહી છે ત્યારે આ ઘટનાએ આહીર સમાજની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. એ જ રીતે, જિલ્લા પંચાયતની ભચાઉ તાલુકાની મોટી ચીરઈ અને ભચાઉ તાલુકા પંચાયતની ઘણી બેઠકો ભાજપે બિનહરીફ કરાવી છે તેમાં ૪૦થી ૫૦ લાખ સુધીનો વહીવટ થયો છે. ભાજપ વિકાસના બણગાં ફૂંકે છે તો કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાની કેમ જરૂર પડે છે?

ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારીઓએ ભાજપના દબાણ હેઠળ કામગીરી કરી હોવાનો તેમણે આરોપ કર્યો છે. 

ચાર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવા વાંધા લઈને આધાર પુરાવા સાથે રજૂઆતો કરેલી, છતાં દબાણ હેઠળ રહેલાં ચૂંટણી અધિકારીઓએ ભાજપના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખેલાં.

માંડવી તાલુકા પંચાયતની મોટી મઉંની બેઠક પર ભાજપના ઉમેદવારને ત્રણ સંતાન હોવા મુદ્દે ફોર્મ રદ્દ કરવા સરકારી રેકર્ડના આધાર સાથે રજૂઆત કરાયેલી પરંતુ માન્ય ના રખાઈ.

ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર પાંચમાં ભાજપનો ઉમેદવારે ઓબીસી ના હોવા છતાં જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું ને ચૂંટણી અધિકારીએ તેને માન્ય રાખ્યું!

હકીકતે ગુજરાતમાં કેવળ કારડીયા રાજપૂતનો ઓબીસીમાં સમાવેશ થયેલો છે, અન્ય કોઈ રાજપૂતનો નહીં તે જગજાહેર છે. એ જ રીતે, ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર ૪ અને ૭માં ટેકેદારે ઉમેદવારી ફોર્મમાં સહી કરેલી હોવા છતાં પાછળથી ભાજપના દબાણ હેઠળ ‘મારી સહી નથી’ તેવી ખોટી એફિડેવિટો કરાવીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાવાયાં. ખરેખર તો સહી સાચી છે કે ખોટી તે FSL મારફત ખરાઈ કરાવવી જોઈએ.

ભચાઉ તાલુકા પંચાયતની મોરગર બેઠક પર ભાજપના દબાણ તળે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ચકાસણીના દિવસે એટલે કે ૧૩ એપ્રિલે ફોર્મ પરત ખેંચેલું!

હકીકતે ચૂંટણી જાહેરાનામા મુજબ ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની તારીખ આજની એટલે કે ૧૫ એપ્રિલ નિયત કરાયેલી છે. ભાજપે સત્તાનો દુરુપયોગ કરી, લોભ-લાલચ, ડર, ધાક-ધમકી મારફતે કોંગ્રેસના ઉમેદવારોને બેસાડવા પ્રયાસ કર્યો છે પરંતુ પબ્લિક બધું સમજે છે. કોંગ્રેસ ચૂંટણીઓમાં ખૂબ સારો દેખાવ કરીને સત્તા મેળવશે.

Share it on
   

Recent News  
નખત્રાણાઃ પત્નીએ રોટલાં ઘડવાનો ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલાં પતિએ ઢીમ ઢાળી દીધું
 
૯.૭૦ કરોડની ITC હજમ કરનારી ગાંધીધામની કંપનીના બે ડિરેક્ટરના આગોતરા નામંજૂર
 
ચોપડવામાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કુટી પર જતા યુવક પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ