click here to go to advertiser's link
Visitors :  
07-Jul-2025, Monday
Home -> Kutch -> Not a movie plot Man scripts own murder in UP to trap kin
Saturday, 16-Dec-2023 - Bhuj 121581 views
મિલકતમાં ભાગ ના મળતાં યુવકે પત્નીની મદદથી પોતાની હત્યાની ખોટી ફરિયાદ નોંધાવેલી!
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મિલકતમાં ભાગ ના મળતાં પિતા અને ભાઈઓને પોતાની જ હત્યાના ગુનામાં ફીટ કરાવી દેવાનો ઉત્તરપ્રદેશના યુવકનો કારસાનો કચ્છ પોલીસના સહયોગથી યુપી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કારસામાં યુવકની પત્ની અને સાળો પણ સામેલ છે. ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના બેસીયા ચેન ગામના યુવક રામકરન ચૌહાણને મિલકતમાં ભાગ લેવા મામલે પિતા અને ત્રણ નાનાં ભાઈઓ જોડે માથાકૂટ થયેલી. પિતા અને ભાઈઓએ તેને મિલકતમાંથી બેદખલ કરી ઘરમાંથી હાંકી કાઢ્યો હતો.

બદલો વાળવા માટે રામકરને પત્ની સાથે મળીને પોતાની હત્યાનો કારસો ઘડ્યો હતો. પત્નીને તેના પિયરમાં મૂકીને પોતે ચૂપચાપ મુંદરામાં આવીને રહેવા માંડ્યો હતો. અહીં ભદ્રેશ્વરમાં તે એક કંપનીમાં મજૂરી કરવા માંડ્યો હતો.

ષડયંત્ર મુજબ થોડાંક સમય બાદ તેની પત્નીએ પોલીસ મથકે મિલકતના વિવાદમાં પતિની તેના સસરાં અને ત્રણ દિયરે ભેગાં મળીને મારી નાખ્યો હોવાની ફરિયાદ આપી હતી. કોતવાલી દેહાત (ગ્રામ્ય) પોલીસે તેની ફરિયાદ ના નોંધતા પત્નીએ મહિલા આયોગમાં રજૂઆતો કરીને સ્થાનિક કૉર્ટમાં અરજી કરી હતી.

કૉર્ટે સુનાવણી હાથ ધરીને પોલીસને રામકરનની હત્યાનો ગુનો નોંધી તપાસ કરવા આદેશ કરતાં પોલીસે ૦૫-૦૬-૨૦૨૩ના રોજ હત્યાની કલમો તળે ગુનો નોંધ્યો હતો. પોલીસને પહેલાંથી ફરિયાદમાં તથ્ય ના હોવાની આશંકા હતી પરંતુ કોઈ નક્કર કડી મળતી નહોતી.

વોટસએપ સ્ટેટસે રામકરન જીવિત હોવાનો ભાંડો ફોડ્યો

છ મહિનાથી યુપી પોલીસ મર્ડર કેસની કોઈ કડી મળતી નહોતી. ત્યાં અચાનક એક મજબૂત કડી મળી ને રામકરનનો ખેલ ઊંધો વળી ગયો. ગયા નવેમ્બર મહિનામાં મુંદરામાં વસતાં ઉત્તર ભારતીયોએ રંગેચંગે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. આવી એક ઉજવણીની વીડિયો ક્લિપ એક જણે તેના મોબાઈલ સ્ટેટસમાં અપલોડ કરી હતી. આ ક્લિપમાં રામકરન ઢોલના તાલે નાચતો હતો. સ્ટેટસ જોઈને કોઈકે રામકરનના ભાઈને આ અંગે જાણ કરી હતી. તેના ભાઈએ સ્ટેટસનો વીડિયો જોતાં તે રામકરન જ હોવાનું નક્કી થતાં તે પોલીસ મથકે પહોંચ્યો હતો. મજબૂત કડી મળતાં તપાસમાં યુપીની સાયબર ક્રાઈમ પોલીસે ઝૂકાવ્યું હતું. યુપીની પોલીસે તપાસમાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસનો સહયોગ મેળવ્યો હતો.

પોલીસથી બચવા ત્રણ મહિને સીમકાર્ડ બદલી નાખતો

તપાસમાં સ્પષ્ટ થયું હતું કે રામકરન ભદ્રેશ્વર નજીક નીલકંઠ કંપનીની લેબર ઓરડીમાં રહે છે અને ત્યાં મજૂરી કરે છે. યુપી અને મુંદરા મરીન પોલીસે સંયુક્ત રીતે ગૂપચુપ ઓપરેશન હાથ ધરીને રામકરનને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રામકરને પત્નીની મદદથી પિતા-ભાઈઓને પોતાની હત્યાના ખોટાં કેસમાં ફસાવવા ઘડેલાં કારસાની કબૂલાત કરી લીધી છે.

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે એફઆઈઆર નોંધાયા બાદ ચાલાક રામકરને પોલીસથી બચવા માટે પત્નીનો પણ ફોન પર સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. દર ત્રણ મહિને તે સીમકાર્ડ બદલી નાખતો હતો અને મોબાઈલ ફોનના સેટીંગ્સ ‘ફેક્ટરી રીસેટ’ કરી નાખતો હતો.

પત્નીને પહોંચાડવા માટે તેના ભાઈને ગુપચૂપ રીતે નાણાં મોકલતો હતો. રામકરનના આધારકાર્ડના આધારે પોલીસે ઘણી મહત્વની માહિતી મેળવી હતી. મુંદરા મરીન પીએસઆઈ એન.ડી. જાડેજાએ રામકરનની અટક કરી યુપી પોલીસના હવાલે કર્યો છે.

Share it on
   

Recent News  
મુંદરાની કિશોરીને ધાણેટીના પરિણિત યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
 
ભચાઉઃ કંથકોટમાં ગોગા મહારાજના મંદિરોમાંથી ૩૦૧ નાગફણી અને ૩૬ છત્તર ચોરાતાં ચકચાર
 
મિથેનોલ ખાલી કરીને જતું જહાજ ભેદી ધડાકા બાદ દરિયામાં એકબાજુ નમી ગયું