૩.૮ ડિગ્રીએ નલિયામાં સીઝનનો સૌથી ઠંડો દિવસઃ વાહનોની સીટ પર બરફની છારી જામી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઉત્તરથી ફૂંકાતાં હિમ પવનોએ પશ્ચિમ છેવાડે આવેલા કચ્છને ટાઢુંબોળ કરી દીધું છે. શિયાળામાં કોલ્ડ સીટી બની રહેતા નલિયામાં આજે સીઝનનું સૌથી નીચું ૩.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ પારો ૯ ડિગ્રી પર ગગડ્યો છે.
Video :
જાન્યુઆરીના પ્રારંભથી કચ્છમાં ઠંડીની અસલી જમાવટ થઈ છે. નલિયામાં છેલ્લાં એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટ પર આવ્યો છે અને રોજે રોજ વધુ ને વધુ ગગડી રહ્યો છે.
અબડાસા નખત્રાણામાં વાહનોની સીટ પર બરફની છારી
ઠંડીની ધાર તીક્ષ્ણ બનતાં નલિયા અને આસપાસના તાલુકાઓમાં ઘર બહાર પડેલાં વાહનો અને ચીજવસ્તુઓ પર બરફની છારી જામી ગઈ હતી. લોકોએ ઉત્સુક્તાભેર વાહનોની સીટ અને ગોદડાં પર જામેલી બરફની છારીના વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે. પશ્ચિમ કચ્છમાં પારો ગગડતાં અબડાસા, લખપત, નખત્રાણા, ખાવડા, ભુજ સહિતના વિસ્તારોમાં હાડ થીજાવતી ટાઢ વર્તાઈ રહી છે.
દિવસનું મહત્તમ તાપમાન ગગડતાં લોકોને ભરબપોરે પણ સૂરજનો તડકો કૂણો લાગી રહ્યો છે.
પવનની પાંખે ઠારનો માર વધતાં લોકો તાપણાંનો સહારો મેળવી રહ્યાં છે. વધતી ઠંડીના લીધે જનજીવન પર પ્રભાવ પડી રહ્યો છે. ગામડાં શહેરોમાં સાંજે સાત વાગ્યા બાદ લોકોની ચહલપહલ ઘટવા માંડે છે અને સવારે દસ વાગ્યા બાદ જ લોકો બહાર નીકળે છે.
વધતી ઠંડીના લીધે અબોલ જીવો અને શ્રમજીવી વર્ગની હાલત કફોડી બની છે.
ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો આંશિક વધઘટ સાથે ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. કચ્છ સિવાય અમરેલીમાં ૭.૬ ડિગ્રી, રાજકોટમાં ૮.૯ ડિગ્રી અને ગાંધીનગરમાં ૯.૫ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.