click here to go to advertiser's link
Visitors :  
14-Jun-2024, Friday
Home -> Kutch -> Mundra Patri village murder case accused and their criminal antecedent Read more
Sunday, 29-Oct-2023 - Bhuj 71500 views
૫ વર્ષની કેદની સજા મેળવનાર પત્રીની વેજીએ કૉર્ટને પણ આ રીતે ગેરમાર્ગે દોરેલી!
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના પત્રી ગામના યુવાન પર ધોળા દિવસે જાહેર રોડ પર લોડર ચઢાવી દઈ ઘાતકી હત્યા કરવાનો જેના પર આરોપ લાગ્યો છે તે વેજીબેન ચાડ અને તેના પરિવારનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. વેજી અને તેના પતિ વાલજી ચાડે ગામની મહિલા પર ગાડી ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરેલો. જે ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે બેઉને ૫ વર્ષની કેદની સજા ફટકારેલી. આ સિવાય વેજી અને તેના પુત્રો સામે એટ્રોસીટી, અપહરણ, લૂંટ વગેરે કલમો તળે અન્ય ગુના બોલે છે.

 

હત્યાના પ્રયાસ બદલ પાંચ વર્ષની કેદની સજા

વર્ષ ૨૦૧૫માં પારકી જમીન પચાવી પાડવાના હેતુસર વેજી અને તેના પતિ વાલજી ચાડે પત્રીની આધેડ વયની જૈન મહિલા પર વાહન ચઢાવી તેને કચડીને મારી નાખવા પ્રયાસ કરેલો. આ બનાવમાં બેઉ સામે હત્યાના પ્રયાસ બદલ ઈપીકો કલમ ૩૦૭ હેઠળ ગુનો દાખલ થયેલો. ૨૦૧૮માં ભુજ સેશન્સ કૉર્ટે વેજી અને વાલજી ચાડને પાંચ વર્ષની કેદની સજા ફટકારેલી. જેમાં પાછળથી વેજીએ હાઈકૉર્ટમાં અપીલ દાખલ કરેલી અને જામીન મેળવ્યાં હતાં.

ગામના દલિત યુવકને ફોન પર ધમકી આપેલી

જાન્યુઆરી ૨૦૨૨માં પત્રી ગામના સરપંચપદની ચૂંટણીમાં વેજીની પુત્રી પ્રવિણા સામે ગીતાબા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવેલી. ચૂંટણીમાં ગીતાબાનું જાહેર સમર્થન કર્યું હોવાની અદાવત રાખીને છ મહિના બાદ વેજીએ ગામના દલિત યુવક પ્રકાશ ભીમજી મહેશ્વરીને ફોન પર જાતિ અપમાનિત કરી, ગાળો ભાંડી ગામમાંથી મરેલાં ઢોર નહીં ઉપાડવા ધાક-ધમકી કરેલી. આ અંગે પ્રકાશે વેજી ચાડ સામે ૨૫-૦૬-૨૦૨૨ના રોજ મુંદરા પોલીસ મથકે ઈપીકો કલમ ૨૯૪ (બી), ૫૦૬ (૨) ૫૦૭ તથા એટ્રોસીટી એક્ટ તળે ગુનો નોંધાવ્યો હતો.

આગોતરા મેળવવા કૉર્ટમાં ખોટાં પૂરાવા આપેલાં

પ્રકાશે નોંધાવેલી ફરિયાદમાં આગોતરા જામીન મેળવવા વેજીએ ભુજની ખાસ એટ્રોસીટી કૉર્ટને ખોટાં પૂરાવા રજૂ કરી ગેરમાર્ગે દોરી હતી. વેજીએ કૉર્ટમાં ફરિયાદી પ્રકાશે એક લાખ રૂપિયા પડાવવા માટે પોતાની સામે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો આરોપ કરી પૂરાવારૂપે પ્રકાશ અને તેના ભાઈ વચ્ચે એક લાખની માંગણી અંગેની ટેલિફોનિક વાતચીતની સીડી રજૂ કરી હતી.

આ બાબતને ગંભીર ગણી કૉર્ટે એટ્રોસીટી સેલના તત્કાલિન DySP જે.એન. પંચાલને તત્કાળ તપાસ કરી ૨૪ કલાકમાં રીપોર્ટ આપવા જણાવેલું.

તપાસમાં બહાર આવ્યું હતું કે વેજીએ આગોતરા મેળવવા તરકટ રચેલું. હકીકતે ફરિયાદી પ્રકાશે વેજીના ભાઈને કોઈ ફોન કર્યો જ નહોતો અને જે સીડી રજૂ કરાયેલી તેમાં વેજીના ભાઈ પાસે ગોવિંદ નામનો યુવક જમીનના સોદાની લેતી-દેતી મામલે નાણાં માંગતો હતો. વેજીનો ભાંડો ફૂટી જતાં કૉર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કૉર્ટમાં ખોટાં પૂરાવા અને ખોટું સોગંદનામું રજૂ કરી ગેરમાર્ગે દોરવા સબબ વેજી સામે ફરિયાદ નોંધવા સરકારી વકીલે પોલીસ અને કૉર્ટને રજૂઆત કરેલી.

પુત્રીનું સરપંચપદ બચાવવા એકનું અપહરણ કરેલું

પોતાની સરપંચ પુત્રી પ્રવિણા સામે ફેબ્રુઆરી ૨૦૨૩માં રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્તને ગમે તે ભોગે ઉડાડી દેવા વેજી અને તેનો પરિવાર મરણિયો બન્યો હતો. વેજીએ પુત્રીની તરફેણમાં બળજબરીથી મત મેળવવા માટે પત્રી ગ્રામ પંચાયતના વૉર્ડ નંબર ૪ના સદસ્ય કેતનભાઈ ચોથાણીને યુક્તિપૂર્વક મળવા બોલાવી ક્રેટા કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. આ મામલે વેજી તથા કારમાં સવાર તેના બે પુત્રો નંદલાલ, વિઠ્ઠલ તથા એક અજાણ્યા શખ્સ સામે કેતનભાઈના પુત્ર કરણે ૨૪-૦૨-૨૦૨૩ના રોજ પ્રાગપર પોલીસ મથકે ઈપીકો કલમ ૩૬૫ અને ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

બે માસ પૂર્વે લૂંટ, મારામારીની ફરિયાદ થયેલી

વેજી અને તેના પતિ વાલજી, પુત્રી પ્રવિણા, પુત્ર વિઠ્ઠલ સહિત પાંચ લોકોએ મૂળ મુંબઈ રહેતાં અને ચાતુર્માસ નિમિત્તે બે મહિનાથી ગામમાં રહેવા આવેલી ૪૮ વર્ષિય જૈન મહિલા ભારતીબેન કિશોર ભેદાને લાકડી અને મુક્કા-લાતોથી મુઢ માર મારી કપડાં ફાડી નાખીને સોનાની ચેઈન તથા બુટ્ટીની લૂંટ કરી હોવાની ૦૩-૦૮-૨૦૨૩ના રોજ પ્રાગપર પોલીસ મથકે ઈપીકો કલમ ૩૯૨, ૧૪૩, ૧૪૭, ૩૨૩, ૨૯૪ (બી), ૫૦૬ (૨), જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ફરિયાદ દાખલ થયેલી.

ચોમાસામાં શેરીના તૂટેલાં રસ્તા પરથી ચાતુર્માસ ગાળવા આવેલાં મહારાજ સાહેબને ખુલ્લાં પગે પગપાળા પસાર થતાં તકલીફ પડતી હોઈ ભારતીબેને સ્વખર્ચે પેવર બ્લોક મઢાવવાનું શરૂ કરેલું.

વેજી ચાડે તેનો વાંધો લઈ તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલી કે છ મહિના અગાઉ પંચાયતની ગ્રાન્ટમાં રસ્તો બનેલો છે ત્યારે શા માટે તેને ફરી બનાવાય છે. તેથી ભારતીબેન ગામના સરપંચ ભરતભાઈ બરાડીયા સાથે ગ્રામજનોનું સમર્થન મેળવવા પત્રમાં સહીઓ લેવા નીકળેલાં. આ અંગે જાણ થતાં વેજી સહિતના આરોપીઓએ તેમને રસ્તામાં આંતરી મારકૂટ કરી લૂંટ ચલાવેલી. આ મામલે વેજીએ પણ ભારતીબેન સહિત સાત આરોપીઓ સામે તાલુકા પંચાયતમાં કરેલી અરજી પરત ખેંચી લેવા દબાણ કરી મારામારી કરીને ફોનની લૂંટ કરી હોવાની વળતી ફરિયાદ નોંધાવેલી. આ બબાલને લગતી વીડિયો ક્લિપ પણ વાયરલ થયેલી.

Share it on
   

Recent News  
ભુજમાં ઝડપાયેલી આયુ. સિરપ બિયર કરતાં ડબલ સ્ટ્રોંગ નીકળીઃ ઘાતક કેમિકલની મળી હાજરી
 
મુંદરામાં બે યુવકે મહિલાની છેડતી કરતાં લોકોનો હિંસક હુમલોઃ સામસામી ફરિયાદ
 
ભુજના ASIની રાજસ્થાનમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ