કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના પત્રી ગામે ક્ષત્રિય યુવકની ઘાતકી હત્યા કરવાના ગુનામાં પોલીસે ગઈકાલે ઝડપેલાં પાંચે આરોપીના આજે કૉર્ટે ૪ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે મુખ્ય મહિલા આરોપીના ભત્રીજાની સંડોવણી ખૂલતાં તેની ધરપકડ કરી છે. ૨૮ ઓક્ટોબર શનિવારે બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં આરોપીઓએ એકસંપ થઈ કાવતરું રચીને પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા કરી હતી. ગામની પૂર્વ મહિલા સરપંચ પ્રવિણાબેન વાલજી ચાડના પરિવાર દ્વારા કરાતી ખનિજ ચોરી અંગે મૃતકે કરેલી ફરિયાદો અને સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી પદ પરથી બરખાસ્ત કરવાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની મૃતકના નાના ભાઈએ દંપતી અને તેના બે પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ ટીમે તપાસ કરી આરોપી ઝડપ્યાં
હત્યાની ઘટના બાદ વેજીબેન ચાડ, તેનો પતિ વાલજી અને બે પુત્રો નંદવીર અને વિઠ્ઠલ સહિતના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં હતાં. પ્રાગપર પોલીસ સાથે મુંદરા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં જોડાઈને સોમવારે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં હત્યાને લગતી ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ગુનાના આરોપથી બચવા આ એલીબી ઘડેલી
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વેજીબેનના પરિવારે પૃથ્વીરાજની કારને લોડરથી ટક્કર મારી હત્યા નીપજાવી સમગ્ર બનાવને માર્ગ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. ગુનામાં પોતાની સંડોવણી સ્પષ્ટ ના થાય તે માટે બનાવ સમયે વેજીબેન મુંદરામાં આંગણવાડી કાર્યકરોની મીટીંગમાં હાજર રહી હતી. મોટો પુત્ર નંદવીર ગુંદાલા હાઈવે પર કારમાં પેટ્રોલ ભરાવવા પંપ પર પહોંચ્યો હતો. સ્થળ પર નાનો પુત્ર વિઠ્ઠલ અને પિતા વાલજી ચાડ બેઉ હાજર હતાં. વેજીના ભાઈનો પુત્ર હિરેન પાંચાભાઈ બત્તા પૃથ્વીરાજની કાર પસાર થાય તેની રેકી કરવા ઊભો હતો. મૃતક પૃથ્વીરાજ જેવો કાર લઈને પસાર થયો કે હિરેને ફોન કરીને નંદવીર અને વિઠ્ઠલને તેની મૂવમેન્ટની જાણકારી આપી હતી. તપાસમાં આ એલીબી (alibi)નો પર્દાફાશ થયો છે.
લોડર દુધઈ તરફ જળાશયમાં ફેંકી દેવાયું
હત્યામાં વપરાયેલું લોડર આરોપીઓએ દુધઈ તરફના જળાશયમાં ફેંકી દીધું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે લોડર રીકવર કરવા પ્રયાસ હાથ ધર્યો છે. લોડર રીકવર કરાયાં બાદ પૂરાવાનો નાશ કરવા સબબની કલમનો પણ ઉમેરો કરાશે. હત્યા કેસમાં હજુ વધુ લોકોની સંડોવણી બહાર આવવાની પોલીસને આશંકા છે.
૮ વર્ષ બાદ એ જ PI અને એ જ આરોપીનો યોગાનુયોગ
ગુનાની તપાસ પ્રાગપર પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી કરી રહ્યાં છે. યોગાનુયોગે ૨૦૧૫માં ત્રિવેદી જ્યારે મુંદરામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતા ત્યારે તેમણે જ વેજીબેન અને તેના પતિ વાલજી ચાડે લ્યુના પર જતી વર્ષાબેન જૈન નામની મહિલા પર કરેલાં ઘાતકી હુમલાની ઈપીકો કલમ ૩૦૭ હેઠળ ફરિયાદ નોંધી હતી. તે ગુનામાં ૨૦૧૮માં કૉર્ટે બેઉને ૫ વર્ષની કેદની સજા ફટકારી હતી.
Share it on
|