કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ભારે વરસાદ વરસવાની આગાહી વચ્ચે ગત મધરાત્રિથી વરુણદેવે એન્ટ્રી કરીને આજે દિવસ દરમિયાન પાંચ તાલુકાઓમાં ૯ ઈંચથી લઈ ૩ ઈંચ સુધીની મહેર કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત મધરાત્રિથી લઈ આજે રાત્રિના ૮ વાગ્યા સુધીમાં માંડવી અને મુંદરામાં સરેરાશ ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. મુંદરામાં મધરાત્રિથી સવારના ૬ સુધીમાં ૧૦૧ મિ.મી. અને સવારના ૬થી રાત્રિના ૮ સુધીમાં ૧૨૨ મિ.મી.મળી ૨૨૩ મિ.મી. વરસાદ નોંધાયો છે. માંડવીમાં મધરાત્રે ૧૨થી સવારના ૬ સુધીમાં ૬૮ મિ.મી. અને સવારના ૬થી આજે રાત્રિના ૮ વાગ્યા સુધીમાં વધુ ૧૪૭ મિ.મી. સાથે ૨૧૫ મિ.મી. વરસાદ વરસ્યો છે.
નખત્રાણામાં પરોઢે ૪થી ૬ના બે કલાકમાં ૪૭ મિ.મી. અને ૬થી આજે રાત્રિના ૮ કલાક સુધીમાં વધુ ૧૩૦ મિ.મી. સાથે ૧૪ કલાકમાં ૧૭૪ મિ.મી. વરસાદ નોંધાયો છે.
લખપતમાં સવારે દસથી બારના બે કલાકમાં ૬૩ મિ.મી. સાથે ત્રણ ઈંચ (૭૭ મિ.મી.) વરસાદ વરસ્યો છે. રાપરમાં સવારે ૮ વાગ્યાથી ધીમી ધારે એન્ટ્રી કરનાર વરુણદેવે દિવસભર ધીંગી ધારે વરસીને રાત્રિના ૮ સુધીમાં ૧૧૦ મિ.મી. પાણી વરસાવી દીધું છે.
અબડાસામાં સવારના ૬થી રાત્રિના ૮ સુધીમાં ૧૯ મિ.મી., અંજારમાં ૨૩ મિ.મી., ગાંધીધામમાં ૩૮ મિ.મી., ભુજમાં પરોઢે ૪થી ૬ના અરસામાં ૨૧ મિ.મી. અને દિવસભર વરસેલાં ૧૭ મિ.મી. સાથે કુલ ૩૮ મિ.મી. વરસાદ વરસ્યો છે.
એકમાત્ર ભચાઉ શહેર અને તાલુકો કોરો રહી ગયાં છે. પશ્ચિમ કચ્છમાં સતત વરસી રહેલાં ભારે વરસાદના લીધે પંચાયત અને સ્ટેટ હસ્તકના અનેક માર્ગો પર ઘોડાપૂર વહી નીકળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ક્યાંક ભારે વરસાદમાં વાહન કાઢવાની હિંમત કરનારા વાહનચાલકોને વાહન સમેત પાણીના ધસમસતાં વહેણમાં ફસાઈ જવાની નોબત પણ આવી છે. લખપતના નરા ગામે આકાશી વીજળી ત્રાટકતાં એક યુવકનું મોત નીપજ્યું હોવાના હેવાલો છે.
પ.કચ્છના ૬ ડેમ એકઝાટકે વરફ્લો: મથલ ઓગનવાના આરે
સતત વરસી રહેલા વરસાદથી મોટાભાગની નદીઓ બેકાંઠે વહી રહી છે. નાની સિંચાઈના સંખ્યાબંધ ડેમો છલકાઈ ગયાં છે. તો, મધ્યમ સિંચાઈના ૬ ડેમો પણ ઓવરફ્લો થઈ ગયાં છે જ્યારે એક ડેમ ભરાવાના આરે છે. અબડાસાનો કંકાવટી, બેરાચિયા અને મીઠી ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમોના પાણી પર નભતાં અનેક ગામોના પીવાના પાણી તથા સિંચાઈનો પ્રશ્ન એકઝાટકે હલ થઈ ગયો છે. એ જ રીતે, લખપતનો ગજણસર, મુંદરાનો કારાઘોઘા, માંડવીનો ડોણ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયાં છે. નખત્રાણાનો મથલ ડેમ ૯૫ ટકા ભરાઈ ચૂક્યો છે.
પરિસ્થિતિ પર તંત્રની સતત ચાંપતી નજર
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે વહીવટી તંત્રની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર છે. જે ડેમો છલકાયાં છે તેની નીચાણવાળા વિસ્તારોમાં આવતાં ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ ગઈ છે. જો કે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોઈ ક્યાંય કોઈ સ્થળાંતર કરવાની હજુ જરૂર પડી નથી. લોકોને નદી, નાળાં અને પાણીના વહેણથી દૂર રહેવા સૂચના આપી છે.
ભુજમાં રહેલી નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ રેસ્ક્યુ ફોર્સની ટીમ એલર્ટ પર છે.
માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ જણાવ્યું કે માંડવી શહેરમાં આવેલા ટોપણસર તળાવ સાથે નાની સિંચાઈના રાજડા અને જ્યોતેશ્વર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયાં છે. તાલુકામાં પંચાયત હસ્તકના ૫ માર્ગો અને માંડવીથી મુંદરાને જોડતાં સ્ટેટ હાઈવે પર નાના ભાડિયા પાસે જળભરાવ થતાં તે માર્ગ બંધ થઈ ગયો છે. બીજી તરફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રાથમિક શાળાઓના આચાર્યો, મુખ્ય શિક્ષકો વગેરે જોગ એક એડવાઈઝરી જારી કરીને અપડાઉન કરતાં છાત્રોને સાવચેત રાખવા તાકીદ કરી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં શિક્ષણકાર્ય ચાલું રાખવા કે ના રાખવા અંગે પોતાની વિવેકબુધ્ધિથી નિર્ણય લેવા સૂચના આપી છે.
Share it on
|