|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પાણી પીવાના કાચના ગ્લાસ અને ફૂલના છોડના નામે ૪.૯૫ કરોડની કિંમતના ૩૩ હજાર પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાંની આયાત કરનારા મુંબઈના સૂત્રધારની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે નામંજૂર કરી છે. મુંબઈની સીટી ઈમ્પેક્સ નામની પેઢીએ થોડાંક માસ અગાઉ મુંદરા પોર્ટ ખાતે કાચના ગ્લાસ અને ફૂલ છોડના નામે ચાઈનીઝ ફટાકડાંની આયાત કરેલી. કસ્ટમ અને ડીઆરઆઈની તપાસમાં ચાઈનીઝ ફટાકડાંનું સ્મગલિંગ બહાર આવેલું. તપાસ દરમિયાન કસ્ટમે ચીનની મેટા ફાયરવર્કસ નામની કંપનીમાંથી માલ મગાવી, મિસ ડિક્લેરેશન કરનાર પરાગ હરીશ રૂપારેલ (ઉ.વ. ૪૪, રહે. યુનિક એપાર્ટમેન્ટ, ચુનાભઠ્ઠી (ઈસ્ટ) મુંબઈ)ની ધરપકડ કરેલી.
પરાગ જ સ્મગલિંગ સ્કેમનો માસ્ટર માઈન્ડ
કસ્ટમની તપાસમાં બહાર આવેલું કે પરાગે જ ગારમેન્ટ એક્સપોર્ટ ઈમ્પોર્ટનો કોડ મેળવનાર સીટી ઈમ્પેક્સ નામની પેઢીનું લાયસન્સ એજન્ટ મારફતે બે લાખમાં મેળવેલું. બાદમાં તેણે ચાઈનીઝ પેઢીમાં ફોન પર ફટાકડાંનો ઓર્ડર આપીને એક કન્ટેઈનરમાં માલ ઈમ્પોર્ટ કરેલો.
કસ્ટમની આંખમાં ધૂળ નાખવા માટે કન્ટેઈનરની પહેલી ચાર હરોળમાં કાચના ગ્લાસ અને ફૂલ છોડના કાર્ટનની ઓથે ચાઈનીઝ ફટાકડાંના કાર્ટન છૂપાવ્યાં હતા.
પોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયા વખતે પરાગે જ બીલ ઑફ લેન્ડિંગ, બીલ ઑફ એન્ટ્રી, પેકિંગ લીસ્ટ, કૉમર્સિયલ ઈન્વોઈસ વગેરે જેવા દસ્તાવેજો રજૂ કરેલાં.
કૉર્ટે ગુનાને ગંભીર ગણાવી જામીન અરજી ફગાવી
પોતાને ઈમ્પોર્ટર પેઢી સાથે કશું લાગતું વળગતું ના હોવાના આરોપીના બચાવ સામે કસ્ટમ વતી વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ગુનામાં પરાગની મુખ્ય ભૂમિકાનો ચિતાર કૉર્ટ સમક્ષ વર્ણવીને સ્મગલિંગનો તે જ માસ્ટર માઈન્ડ હોવાનું અને રેકર્ડ પરથી ગુનામાં તેણે ભજવેલી મુખ્ય ભૂમિકા સ્પષ્ટ રીતે વર્તાઈ આવતી હોવાનું જણાવીને તપાસ નાજૂક તબક્કે ચાલી રહી છે, તેને જામીન પર છોડાય તો સાક્ષીઓ અને પુરાવાને હેમ્પર અથવા ટેમ્પર કરી શકે તેમ છે તેવી આશંકા દર્શાવી હતી.
સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆએ હજુ આ કૌભાંડમાં અનેક પ્રશ્નોના જવાબ મેળવવાના બાકી હોવાનું જણાવી તથા ગુનાને ગંભીર ગણાવી તેમાં પ્રથમદર્શનીય રીતે પરાગની સંડોવણી વર્તાઈ આવતી હોવાનું જણાવીને અરજી રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|