|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના એક ગામમાં રહેતી ભદ્ર પરિવારની ૧૪ વર્ષની કિશોરીને નિશાન બનાવીને ત્રણ યુવકે વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. ત્રણ જણના દુષ્કર્મ બાદ અન્ય બે યુવકે કિશોરીને શરીર સંબંધ બાંધવા દેવાની માંગણી કરી છેડતી અને પીછો કરવાનું શરૂ કરેલું. હોસ્ટેલમાં રહી ભણતી બાળાએ પાંચ માસથી થઈ રહેલા શોષણ અંગે માને વાત કર્યાં બાદ મામલો માનકૂવા પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણ યુવક સહિત પાંચે સામે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો તળે ગુનો ગુનો નોંધ્યો છે.
ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરાયું
ગત મે માસમાં દીકરી વેકેશનમાં ઘરે આવેલી ત્યારે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને સગીર વયના આરોપીએ તેને ગામના મંદિર પાસે બોલાવી હતી. કિશોરી તેને મળવા ગઈ ત્યારે બદકામ કરવાના ઈરાદે આરોપી કિશોર છરીની અણીએ તેનું અપહરણ કરી મંદિર નજીક આવેલા ઓટલા પર લઈ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
અઠવાડિયા બાદ બીજા યુવકે બ્લેકમેઈલ કરી તે જ સ્થળે દુષ્કર્મ કર્યું
એક અઠવાડિયા બાદ બનાવ અંગે બીજા યુવકને જાણ થતાં તે યુવકે કિશોરીને બ્લેકમેઈલ કરીને એ જ મંદિર પાસે બોલાવી તે જ સ્થળે દુષ્કર્મ આચરેલું.
દિવાળી વેકેશન વખતે ત્રીજાએ પણ દુષ્કર્મ આચર્યું
વાત આટલેથી અટકી નહોતી. પાંચ માસ બાદ, દિવાળી વેકેશન વખતે ત્રીજા યુવકે બાળાને આ જ બાબતે બ્લેકમેઈલ કરીને ગામના તળાવની બાજુમાં આવેલા ખંડેર જેવા મકાનમાં લઈ જઈને શરીર સંબંધ બાંધ્યો હતો.
વધુ બે જણે પણ બ્લેકમેઈલીંગ કરવાનું શરૂ કરેલું
ત્રણ ત્રણ યુવકે દુષ્કર્મ આચર્યાં બાદ પણ આબરૂની બીકે ભોગ બનનાર બાળા ચૂપ રહેલી. દરમિયાન, વધુ બે યુવકે પણ અગાઉના ત્રણ યુવકોની જેમ બાળાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરીને શરીર સંબંધ બાંધવા દેવાની માંગણી કરીને પરેશાન કરવાનું શરૂ કરેલું. બેઉ યુવકે અવારનવાર તેનો પીછો કરી છેડતી કરેલી. બાળા જો સંબંધ બાંધવા ના દે તો મારી નાખવાની ધમકી આપતાં.
ટીચરે જાણ કરતાં માતાએ દીકરીને પૂછ્યું ત્યારે ખબર પડી
પોતાના પર થઈ રહેલાં બળાત્કાર અને બ્લેકમેઈલીંગથી કંટાળીને બાળા સૂનમુન રહેવા માંડેલી. દરમિયાન, માતા બાળાને નાસ્તો આપવા હોસ્ટેલ પર ગઈ ત્યારે તેના અસહજ વર્તનની નોંધ લઈને ટીચરે તેની માતાને તેના અસહજ વર્તન અંગે જાણ કરી હતી. માએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં દીકરીએ ચોધાર આંસુએ રડતાં રડતાં પોતાની જોડે થઈ રહેલા જાતીય દુરાચાર અંગે વ્યથા ઠાલવી હતી.
પોક્સો સહિત વિવિધ ભારેખમ કલમો તળે ગુનો દાખલ
ઘટનાને ગંભીરતાથી લઈ માનકૂવા પોલીસે પાંચે યુવકો વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫ (૧) (૧૬ વર્ષથી નીચેની સ્ત્રી સાથે દુષ્કર્મ), ૮૭ (ક્રૂરતા આચરવી), ૧૩૭ (૨) (કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવું), ૭૫ (૧) (જાતીય સતામણી), ૭૮ (૧) (પીછો કરી છેડતી કરવી), ૩૫૧ (૩) (જાનથી મારી નાખવાની ધમકી આપવી તથા પોક્સો એક્ટની કલમ ૩ (એ) (ઉગ્ર જાતીય પ્રવેશ/ પેનીટ્રેટીવ સેક્સ્યુઅલ એસોલ્ટ -PSA), ૪, ૧૧, ૧૨ અને ૧૬ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુનાની તપાસ ભુજ બી ડિવિઝનના પીઆઈને સોંપાઈ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પાંચે જણને રાઉન્ડ અપ કરી લેવાયાં છે પરંતુ અમુક આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વયના હોઈ સઘન પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારબાદ તેમની ધરપકડ અંગેની વિગતો જાહેર કરાશે.
Share it on
|