click here to go to advertiser's link
Visitors :  
30-Aug-2026, Sunday
Home -> Kutch -> Man booked for cyber stalking and criminal intimidation
Wednesday, 15-Jul-2026 - Bhuj 50771 views
ભુજમાં સૈન્ય અધિકારીની દીકરીનું ‘સાયબર સ્ટોકિંગ’ કરતા વિકૃત યુવક સામે FIR
કચ્છખબરડૉટકોમ, ભુજઃ એક સૈન્ય અધિકારીની ૧૯ વર્ષની દીકરીનું ‘સાયબર સ્ટોકિંગ’ (સોશિયલ મીડિયા મારફતે પીછો) કરીને સતત તેના પર દુષ્કર્મ આચરવાની, શરીરના ટૂકડે ટૂકડાં કરી નાખવાની ધમકી આપતા વિકૃત યુવક સામે ભુજમાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે. પ્રિયાંશુ સિંઘ નામનો માથાફરેલો વિકૃત યુવક છેલ્લાં ૭ માસથી યુવતીની પાછળ હાથ ધોઈને પડી ગયો છે. પીડિત યુવતીએ જણાવ્યું કે તે ૬ઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે આરોપી તેની શાળામાં ભણતો હતો.

ત્યારબાદ આરોપીના પિતાની અન્ય શહેરમાં ટ્રાન્સફર થઈ જતા તે પિતા જોડે અન્યત્ર રહેવા ચાલ્યો ગયેલો.

ડિસેમ્બર ૨૦૨૫માં પીડિત યુવતીના ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર આરોપીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી.

જેમાં આરોપીના ફોટા હતા અને BIOમાં લખેલું કે હર દૂસરી લડકી પૂછતી હૈ, (પીડિતા) કૌન હૈ..કીતના છૂપાઉં તેરે કો બીવી હૈ તુ મેરી. પીડિતાએ તેની ફ્રેન્ડ રિક્વેસ્ટનો અસ્વિકાર કર્યો હતો. ત્યારબાદ આરોપીએ પીડિતાના પ્રોફાઈલ ફોટોના આધારે ઈન્સ્ટા પર બીભત્સ નામ સાથેના ૧૨ જેટલાં આઈડી બનાવીને તેમાં ધમકીભરી ભાષા અને અશ્લીલ લખાણો સાથેના સંદેશાઓ પોસ્ટ કરીને પીડિતાને બદનામ કરવાનું શરૂ કરેલું.

પીડિતાના પિતાને પણ ફોન પર ધમકીઓ આપી

પીડિતાએ એક અન્ય મિત્ર મારફતે આરોપીને સંદેશ મોકલી સમજાવટ કરવા પ્રયાસ કરતા પ્રિયાંશુએ પીડિતા પર બળાત્કાર કરી તેના શરીરના ટૂકડે ટૂકડાં કરી દેવાની ધમકી આપતો પ્રત્યુત્તર પાઠવેલો. તેની ધમકીથી ડરી ગયેલી પીડિતાએ પિતાને જાણ કરેલી. પિતાએ તેને સમજાવટ માટે ફોન કરતા આરોપીએ તેના પિતાની જોડે પણ ગાળાગાળી કરીને પીડિતાને મારી નાખવાની ધમકી આપેલી. એટલું જ નહીં, પીડિતાના પિતાને ઈ-મેઈલ કરીને પણ ધમકાવ્યાં હતા.

પોલીસે આરોપીને દબોચી લેવા કમર કસી

પ્રિયાંશુએ પોસ્ટ કરેલા અસંખ્ય અશ્લીલ અને ધમકીભર્યાં મેસેજ વાંચીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીઓના લોહી પણ ઉકળી ઉઠ્યાં છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫ (૩), ૭૮ (૨), ૭૯, ૩૫૧ (૩) અને IT Actની કલમ ૬૬-સી હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડી કાયદાનું ભાન કરાવવા કવાયત્ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
૫૦ લાખ પડાવવા સુરતમાં યુવકનું અપહરણ કરવા જતા ભુજના સૂત્રધાર સહિત ત્રણ પકડાયાં
 
સસ્તાં સોનાના નામે ભુજના ચીટર મીઠીયા અને તેના પુત્રોએ ૫૪.૧૫ લાખની કરી ઠગાઈ
 
નખત્રાણાના પત્રકારના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના ૧૯.૧૬ લાખ જમા થતાં ફરિયાદ દાખલ