|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સસ્તાં સોનાના નામે ભુજના કુખ્યાત બાપ બેટાઓ સહિત ૬ જણની ગેંગે વડોદરાના વેપારી પિતા પુત્ર જોડે ૫૪.૧૫ લાખની છેતરપિંડી કરી છે. આ ઠગ ટોળકીએ નકલી નામ ધારણ કરવા સાથે નકલી પોલીસ બની હોવાનું પણ બહાર આવ્યું છે. વડોદરાના રાવપુરામાં રહેતો ૨૪ વર્ષિય અભય અને તેના પિતા પ્રસન્ના પટવર્ધન તેમની દુકાનમાં નવ ગ્રહોના નંગોનું વેચાણ કરે છે. ૧૩ માસથી ઠગાઈનો સિલસિલો શરૂ થયેલો
જૂલાઈ ૨૦૨૫માં અભયે ઈન્સ્ટાગ્રામ પર સુનિલ પટેલ (સાચું નામ અબ્દુલ્લા ઊર્ફે અબ્દલ મીસરી ઊર્ફે જાની સુમરા રહે. દહીંસરા)એ બજાર ભાવ કરતાં ૨૫ ટકા સસ્તા ભાવે સોનું મળવાની પોસ્ટ વાંચીને તેનો સંપર્ક કરેલો. તેની જોડે વાતચીત ચાલતી હતી અને ડિસેમ્બર ૨૦૨૫માં અભય પિતાને વાત કરીને એકલો ભુજ આવેલો.
સુનિલ તેને તૈયબા ટાઉનશીપમાં લઈ આવેલો અને યુસુફખાન (સાચું નામ ઝાકીર ઊર્ફે ઝાકીરીયો સોઢા) સાથે મુલાકાત કરાવેલી. યુસુફે તેને સોનાનું બિસ્કીટ બતાવીને ૮ લાખ રૂપિયામાં ૧૦૦ ગ્રામ સોનું આપવાની વાત કરેલી.
અભયે સોદો નક્કી કરીને વડોદરાથી પિતા મારફતે આંગડિયા મારફતે રોકડાં ૮ લાખ રૂપિયા મગાવીને યુસુફને આપેલાં. નાણાં મેળવ્યાં બાદ યુસુફે ‘હાલ પોલીસ ચેકીંગ ચાલુ છે, બિલ વગરનું સોનુ લઈને નીકળશો તો પકડાઈ જશો, તમે વડોદરા પહોંચો ત્યાં માલ મળી જશે’ કહીને તેને પરત વડોદરા રવાના કરી દીધેલો.
વડોદરા પહોંચ્યા બાદ માલ મળ્યો નહોતો. યુસુફે ‘માલ દુબઈથી મુંદરા પહોંચી ગયો છે, ડ્રગ્સ પકડાયું હોઈ ચેકીંગ ચાલે છે, કસ્ટમ ઑફિસર પોર્ટ બહાર ગોલ્ડ કાઢવા માટે રૂપિયા માગે છે’ તેવા બહાના અને પેરવીઓ કરીને અભય પાસેથી આંગડિયા મારફતે વધુ સાડા ત્રણ લાખ રૂપિયા મેળવ્યાં હતા.
અભયને ખંખેર્યાં બાદ યુસુફે નવો દાવ ખેલેલો. યુસુફે તેને કહેલું કે ‘મારો પાર્ટનર હનીફ હાલ દુબઈથી માંડવી આવેલો છે. દુબઈમાં તે સસ્તાં સોનાનો મોટો વેપાર કરે છે. તે હજુ પણ સસ્તું સોનું આપશે’ કહીને અભયને નવી જાળમાં ફસાવેલો. હનીફે (સાચું નામઃ મહમદ હનીફ ઊર્ફે મીઠીયો નુરમામદ સોઢા) અભયનો સામેથી ફોન પર સંપર્ક કરીને મળવા માટે માંડવી બોલાવેલો.
માર્ચમાં માંડવી આવીને ફરી ઠગોની જાળમાં ફસાયાં
૨૪ માર્ચે અભય તેના પિતાને લઈ કારથી માંડવી આવેલો. હનીફે તેના પુત્ર રઝાક (સાચું નામઃ અમીન)ને હોટેલ પર ગાડી લઈને મોકલેલો. રઝાક અભય અને તેના પિતાને ગાડીમાં બેસાડીને માંડવીથી થોડેક દૂર હાઈવે પર લઈ આવેલો. જ્યાં હનીફ અને હાજી નામનો શખ્સ મળેલાં. હનીફે તેમને હાજી જોડે મળાવીને કહેલ કે ‘મારા મોટા ભાઈ હાજી સાહેબ (સાચું નામઃ અલીમામદ નુરમામદ સોઢા)નું દુબઈમાં મોટું નેટવર્ક છે. તે તમને સસ્તામાં સોનું અપાવશે અને સાથોસાથ યુસુફખાન જોડે જે ગોલ્ડ માટે ડીલ કરેલી તે ગોલ્ડ પણ અપાવી દેશે’ હનીફે સસ્તા ભાવે ૧૦ કિલો સોનું આપવાનો સોદો નક્કી કરીને એડવાન્સ પેટે ૧૧ લાખ આપવા પડશે તેમ જણાવેલું.
નકલી પોલીસ બની વિશ્વાસમાં લેવાયાં
વાતચીત સમયે ત્યાં પોલીસ ગણવેશ ધારણ કરેલો એક શખ્સ આવેલો. હનીફે આ પોલીસ કર્મચારીની ડિસોઝા સાહેબ (સાચું નામઃ અબ્દુલ ઊર્ફે અબ્દલ ખલીફા, રહે. દહીંસરા) તરીકે ઓળખાણ આપી તે DCBમાં હોવાનું જણાવેલું. ડિસોઝાએ જેકેટ ખોલીને અંદર રહેલા સોનાના બિસ્કીટ બતાવેલાં. ૩૧ માર્ચે મકાનની લોનમાંથી અભય અને તેના પિતાએ ફરી માંડવી આવીને હનીફને ૧૧ લાખ રૂપિયા આપેલાં. હનીફે નાણાં લઈને આવતીકાલે તમને વડોદરામાં માલ મળી જશે તેમ કહી પરત રવાના કરી દીધેલાં.
ઑગસ્ટ સુધી અવનવા બહાના કરી ખંખેર્યાં કર્યાં
બીજા દિવસે કહેવાતો પોલીસ મેન ડિસોઝા વડોદરા રૂબરૂ આવેલો. પિતા પુત્રોને ગોલ્ડની ડિલિવરી લેવા ગયા ત્યારે તેણે ‘રોન’ કાઢીને કહેલું કે ‘જો ગોલ્ડ જોઈતું હોય તો તમારે વધુ ૨૫ લાખ આપવા પડશે, નહીંતર માલ નહીં મળે’ અભયે આ અંગે હનીફને ફોન પર વાત કરતાં હનીફે તેમને ડિસોઝાના મોટા સાહેબ શિંદેસાહેબ સાથે વાત કરીશ કહીને નાણાં આપવાના બદલે પરત ઘરે જતાં રહેવા જણાવેલું. ત્યારબાદ હનીફ અને હાજીસા’બ અવનવા બહાના કર્યાં કરીને ફરિયાદી પાસેથી ૨૦ ઑગસ્ટ સુધીમાં આંગડિયા અને ઓનલાઈન મારફતે ટુકડે ટુકડે વધુ લાખો રૂપિયા પડાવતાં રહ્યાં હતા.
ઈન્સ્ટાગ્રામ પર સસ્તાં સોનાના નામે થતી ઠગાઈથી ચેતવા અંગે પોલીસની રીલ જોઈને અભયે પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે નકલી નામ ધારણ કરનારાં ભુજના રીઢા શખ્સોના ફોટા બતાડતાં મીઠીયા અને તેના પુત્રોના ઠગાઈકાંડનો પર્દાફાશ થયો છે.
૨૦૨૩માં આ જ ગેંગે ભેગાં મળીને હૈદ્રાબાદની મહિલા સાથે બે કરોડની ઠગાઈ કરેલી. આ સિવાય પણ આ ગેંગ ચીટીંગના અનેક ગુનાઓમાં ચોપડે ચઢી ચૂકેલી છે. ગત વર્ષે માર્ચ માસમાં મીઠીયા અને તેના બે પુત્રો ઝાકીર તથા અમીન (તમામ રહે. રહિમનગર, ખારી નદી રોડ, ભુજ) સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરાઈ હતી.
Share it on
|