click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Kutch -> Maharani Refutes False Claims of Vijay Vilas Palace Sale to Adani Group for 5K Crore
Thursday, 26-Mar-2026 - Bhuj 27880 views
‘વિજય વિલાસ પેલેસ અદાણીને ૫ હજાર કરોડમાં વેચાઈ ગયો’ વીડિયો જોઈ ભડક્યાં મહારાણી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારતીય શહીદોના સન્માનમાં સાયકલ પર વિશ્વભ્રમણે નીકળેલાં મુંબઈના અભિષેક યાદવ નામના સાયકલવીરે માંડવીનો વિજય વિલાસ પેલેસ અદાણીને પાંચ હજાર કરોડમાં વેચાઈ ગયો હોવાનો વ્લોગ પોસ્ટ કર્યાં બાદ મહારાણીના વિરોધના પગલે માફી માંગી છે. આ અભિષેક યાદવ કોણ છે અને તેણે પાયા વગરની કેવી ખોટી માહિતી પોસ્ટ કરી કે કચ્છના પૂર્વ રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી ઉકળી ગયાં તે અંગે વાંચો વિગતે.

પોતાને સાયકલવીર (સાયકલરંડા) ગણાવતો મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરનો અને હાલ મુંબઈ રહેતો અભિષેક યાદવ નામનો યુવક ૧૯૬૨ના યુધ્ધમાં શહીદ થયેલાં સૈન્ય જવાનો અને તેમના પરિવારના સન્માનમાં કથિત રીતે રૂપિયા પૈસા વગર કેવળ સાયકલના બે પૈડાં પર વિશ્વભ્રમણે નીકળ્યો છે.

ફેસબૂક પેજ અને ઈન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તે જે જે સ્થળની મુલાકાત લે છે તે સ્થળોની ટ્રાવેલ બ્લોગરની જેમ વીડિયો રીલ બનાવીને માહિતી શૅર કરે છે.

પોતે છેલ્લાં ૯૦૦ દિવસ એટલે કે પોણા ત્રણ વર્ષથી સાયકલ પર ભ્રમણ કરવા નીકળ્યો હોવાનો દાવો કરતો અભિષેક તાજેતરમાં કચ્છની મુલાકાતે આવ્યો હતો.

વિજય વિલાસ પ્રીતિદેવીએ અદાણીને વેચી માર્યાનો વ્લોગ

બે-ત્રણ દિવસ અગાઉ માંડવીના વિજય વિલાસ પેલેસ પર ગયેલાં અભિષેકે સ્થાનિક કોઈક વ્યક્તિએ આપેલી પાયા વગરની બોગસ માહિતીના આધારે મહારાણી પ્રીતિદેવીએ આ મહેલ ૧૭૦૦ એકર જમીન સાથે પાંચ હજાર કરોડમાં અદાણીને વેચી માર્યો હોવાની માહિતી આપતી વીડિયો રીલ પોસ્ટ કરેલી. એટલું જ નહીં, માંડવીના ગૌરવ અને કચ્છની ઓળખ સમાન વિજય વિલાસ પેલેસ હવે કચ્છનો ઈતિહાસ નહીં પરંતુ કેવળ એક સોદો બની રહ્યો હોવાનું જણાવી ક્ષત્રિય સમાજ માટે આ બનાવને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

વીડિયો રીલ જોઈ મહારાણી ભડક્યાં

ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામમાં હજારો ફૉલોઅર્સ ધરાવતા અભિષેકની આ પાયા વગરની વાતની વીડિયો રીલ કચ્છના રાજપૂત સમાજમાં ભારે વાયરલ થવા માંડી હતી. આ વીડિયો રીલ જોઈ સાંભળીને મહારાણી પ્રીતિ દેવી સખ્ત નારાજ થઈ ગયાં હતા. કોઈ પણ જાતની ખરાઈ કર્યાં વગર આ શખ્સે બોગસ માહિતી સોશિયલ મીડિયા પર ફેલાવી હોવાનું જણાવીને પ્રીતિ દેવીએ માનહાનિના દાવા સહિતના પગલાં લેવાની લેખીત ચીમકી આપી હતી.

અભિષેકે મહારાણીની માફી માંગી 

મહારાણીની ચીમકીના પગલે અભિષેકે પોતે સ્થાનિક બે ચાર લોકોની વાતોમાં આવી જઈને આ વિજય વિલાસ પેલેસ અદાણીને વેચાઈ ગયો હોવાના મતલબનું બયાન કરતો વીડિયો પોતાના એકાઉન્ટ પર શૅર કર્યો તે બદલ ખૂબ શરમ અનુભવતો હોવાનું અને મહારાણીની માફી માગતો હોવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. વિજય વિલાસ પેલેસ વેચાઈ ગયો હોવાની ખોટી માહિતી આપનાર યુવકની વિગત પણ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ શેર કરીને અભિષેકે જણાવી છે.

અદાણી અને વિવાદાસ્પદ વાસુદેવની મુલાકાતથી અફવા ફેલાઈ

થોડાંક દિવસો અગાઉ મહારાણી પ્રીતિદેવીની પોતાને સદગુરુ ગણાવતાં અત્યંત વિવાદાસ્પદ સાધુ જગ્ગી વાસુદેવ અને અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતના પગલે વિજય વિલાસ પેલેસ અદાણીને વેચાઈ ગયો હોવાની અફવાઓ ફેલાઈ હોવાનો સૂત્રોનો દાવો છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો