|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ ઘર નજીક ગાળો બોલી રહેલાં બે યુવકોને ગાળો ના બોલવા સૂચના આપવા બદલ ૨૩ વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે. ઘટના છે રાપરમાં મામલતદાર કચેરી પાછળ આવેલા ત્રિકમનગરની. આજે સાંજે સવા સાત સાડા સાતના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર દયાલ બળદેવભાઈ કોલી રીક્ષા ચલાવીને પેટિયું રળતું હતો. આજે સાંજે તેના ઘર નજીક બેઠેલાં દિનેશ નરસંગ કોલી અને પરબત પ્રતાપભાઈ કોલી નામના બે યુવકો બેફામ ગાળાગાળી કરતાં હતા. દયાલે તેમને ઘર પાસે ગાળો ના બોલવા ઠપકો આપતાં બેઉ જણે ઉશ્કેરાઈને દયાલના પેટ અને થાપામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાના પગલે દયાલનું મૃત્યુ નીપજ્યું છે. ઘટના અંગે જાણ થતાં ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જે.બી. બુંબડીયા પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી ગયાં હતા. પોલીસે હત્યાની કલમો તળે ગુનો નોંધી બેઉ હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. નજીવી બાબતે હત્યાની વધુ એક ઘટનાએ રાપરમાં ભારે ચકચાર સર્જી દીધી છે.
Share it on
|