click here to go to advertiser's link
Visitors :  
26-Mar-2026, Thursday
Home -> Bhuj -> Two booked for misusing bank account in Madhapar
Wednesday, 25-Mar-2026 - Madhapar Bhuj 2209 views
પિતરાઈ ભાઈએ બેન્ક ખાતું ખોલાવી સાયબર માફિયાઓને ભાડે આપી દીધું
કચ્છખબરડૉટકોમ, માધાપરઃ લોકોને કમિશન આપીને તેમના નામના બેન્ક ખાતાં ખોલાવી, તેમાં સાયબર ફ્રોડની રકમની હેરફેર કરતાં સાયબર માફિયાઓની જાળ ભેદવા પોલીસે આવા ‘મ્યુલ’ એકાઉન્ટધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી બેન્ક ઑફ મહારાષ્ટ્રની બ્રાન્ચમાં ખૂલેલાં આવા જ એક મ્યુલ એકાઉન્ટ અંગે પિતરાઈ ભાઈએ ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
ખાતામાં ૬ સાયબર ફ્રોડના ૨૫.૫૦ લાખ જમા થયાં

 ભુજના નવા બસ સ્ટેશન નજીક મેડિકલ સ્ટોર ચલાવતા પ્રવિણ ગોપાલભાઈ મેરિયા (રહે. હાલ માધાપર નવા વાસ, પીંક સીટી સોસાયટી. મૂળ રહે. જવાહરનગર, ભુજ)એ ઓક્ટોબર ૨૦૨૪માં તેના નામે બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા થતી હોવાની નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદો દાખલ થતાં એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ટુકડે ટુકડે કુલ ૨૫.૫૦ લાખ રૂપિયા જમા થયાં હોવાની ૬ ફરિયાદો નોંધાઈ હતી.

પિતરાઈ ભાઈએ અંધારામાં રાખી ખાતું ખોલાવડાવેલું

પ્રવિણે પોલીસને જણાવ્યું કે હકીકતે આ એકાઉન્ટ તેના કાકાના દીકરા રામજી માવજી મેરિયા (રહે. મહાદેવ નાકા, ભુજ)ના કહેવાથી પોતાના નામે ખોલાવ્યું હતું. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા રામજીએ પોતાનું બેન્ક ખાતું બંધ થઈ ગયું હોવાનું જણાવીને પ્રવિણને તેના નામનું નવું બેન્ક ખાતું ખોલાવી પોતાને ઓપરેટ કરવા દેવા વિનંતી કરતાં પ્રવિણે રામજી સાથે બેન્કમાં જઈને આ ખાતું ખોલાવેલું. રામજીએ જે મોબાઈલ નંબર આપેલો તે નંબર એકાઉન્ટ સાથે લિન્ક કરાયેલો. ખાતાંની પાસબૂક અને એટીએમ પણ રામજીને સુપ્રત કરી દીધેલાં.

વાવ થરાદના શખ્સે કમિશન પેટે વીસ હજાર આપેલા

ફરિયાદીએ બેન્ક ખાતાંની ચેકબૂક પોતાની પાસે રાખેલી. સાયબર ફ્રોડનો મામલો બહાર આવતા પ્રવિણે આ અંગે રામજીને પૂછપરછ કરતાં તેણે જણાવેલું કે બનાસકાંઠાના વાવ થરાદના તેના મિત્ર મોહિત નાગરલાલ પુરોહિતે તેને બેન્ક ખાતું ખોલાવવા જણાવીને કમિશન આપવા કહેલું. તેના કહેવાથી રામજીએ પ્રવિણને અંધારામાં રાખી, તેના નામનું ખાતું ખોલાવીને ખાતાને લગતી વિગતો મોહિતને આપી હતી.

આ બદલ મોહિતે રામજીને કમિશન પેટે વીસ હજાર રૂપિયા આપ્યાં હતા.

સાયબર ફ્રોડની તપાસ કરતી એલસીબીના સાયબર ક્રાઈમ સેલે પ્રાથમિક તપાસના આધારે સૂચના આપતા પ્રવિણ મેરિયાએ તેના કાકાના દીકરા રામજી તથા તેના મિત્ર મોહિત પુરોહિત વિરુધ્ધ માધાપરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
નખત્રાણાની વેપારી પેઢીએ ખેડૂતોના એરંડા ખરીદીને એકાદ કરોડનું ફુલેકું ફેરવ્યું
 
ગોલ્ડ લોનના ગ્રાહકોના સોનાની બુટ્ટીનાં પેચ કાઢી નકલી પેચ લગાડી ૧૪ લાખની ઠગાઈ!
 
કચ્છના વિવિધ શહેરોમાં પંપો પર પેટ્રોલ ડીઝલ ભરાવવા વાહનચાલકોની લાગી લાંબી કતારો