કચ્છખબરડૉટકોમ, ભુજઃ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી માધાપરની 42 વર્ષિય મહિલા સાથે છૂટાછેડાં થયા બાદ લગ્ન કરી લેવાની લાલચ આપી વલસાડના યુવકે તેનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટના અંગે ભોગ બનનાર શિક્ષિકાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ, છેતરપિંડી, ઠગાઈ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. માધાપર નવાવાસમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 42 વર્ષિય પ્રિયંકાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1999માં તેના લગ્ન થયા હતા. દાંપત્યજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. પરંતુ, પતિ સાથે મનમેળ ના હોઈ પતિએ છૂટાછેડા માટે કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. હિતચિંતકો અને પરિવારજનોની લાગણીને માન આપી પ્રિયંકાએ બીજા લગ્ન માટે અન્ય યુવકો જોવાનું શરૂ કર્યું હતું. શાદીડૉટકોમ નામની વેબસાઈટ મારફતે તે વલસાડના મણિબાગ-2 નજીક રીયા રેસીડેન્સીમાં રહેતા શૈલેષ મહેન્દ્રભાઈ સોલંકીના પરિચયમાં આવી હતી. શૈલેષના છૂટાછેડા થયેલા હતા અને તેને પણ એક સંતાન હતું. શૈલેષ સાથેનો પરિચય ગાઢ બન્યો હતો. શૈલેષ પ્રિયંકાને પત્નીની જેમ રાખવા ઈચ્છતો હતો. પરંતુ પ્રિયંકાના છૂટાછેડાનો કેસ કૉર્ટમાં પેન્ડિંગ હોઈ લગ્ન કરી શકે તેમ નહોતી. જેથી શૈલેષે તેની સાથે મૈત્રીકરાર કરી છૂટાછેડાં થયા બાદ લગ્ન કરવાનો વાયદો કરી 2017થી માધાપરમાં જ પ્રિયંકા સાથે પતિની જેમ રહેવાનું શરૂ કર્યું હતું. થોડાંક સમય બાદ પ્રિયંકાના સત્તાવાર ડાયવોર્સ થઈ ગયા બાદ તેણે શૈલેષ સાથે લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, શૈલેષે બહાનાબાજી શરૂ કરી હતી. એકવાર શૈલેષ પ્રિયંકાના છૂટાછેડાના દસ્તાવેજો અમદાવાદના વકીલને બતાડવા પડશે તેમ કહી લઈ ગયો હતો અને પછી તે ખોવાઈ ગયાં છે તેમ કહી ગાયબ કરી દીધા હતા. જો કે, પ્રિયંકાએ ઝેરોક્સ કોપી કઢાવી રાખી હતી. દબાણ વધતાં ‘સાઉન્ડનો ધંધો સેટ થઈ જવા દે’ તેમ કહી શૈલેષે લગ્ન ટાળવાનું નવું બહાનું શોધી લીધું હતું. એટલું જ નહીં, સાઉન્ડના ધંધા માટે તેણે પ્રિયંકા પાસેથી 3 લાખ રૂપિયા લઈ સાઉન્ડ સિસ્ટમ ખરીદી હતી.
ને એક દિવસ શૈલેષે લાખ્ખોની માલમત્તા લઈ ફરાર થઈ ગયો
મૈત્રીકરારના આધારે શૈલેષ માધાપરમાં પ્રિયંકાના ઘરે પતિની જેમ પડ્યોપાથર્યો રહેતો હતો. જો કે, પ્રિયંકાએ લગ્ન માટે દબાણ વધારવાનું શરૂ કરતાં એક દિવસ શૈલેષ ઘરમાંથી 3 લાખની સાઉન્ડ સિસ્ટમ, પ્રિયંકાએ પુત્રના અભ્યાસખર્ચ માટે બચાવી રાખેલાં 1 લાખ રૂપિયા રોકડા અને સોનાની બે બંગડીઓ લઈ રફૂચક્કર થઈ ગયો હતો. નોકરી પરથી ઘરે પરત ફરેલી પ્રિયંકાને શૈલેષે ફોન પર ‘એક કાર્યક્રમમાં બીઝી છું, સવારે પાછો આવી વાત કરીશ’ તેમ કહ્યું હતું. પણ, શૈલેષ પાછો જ ના ફર્યો. પ્રિયંકાએ પોતાના નાણાં-સાઉન્ડ સિસ્ટમ પાછી આપવા સતત માંગણી કરતા શૈલેષે ‘આ બધું તો મારા ભાણેજના ઘરે રાખ્યું છે’ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ શૈલેષના ભાણેજનો સંપર્ક કરતાં ભાણેજે ફરીવાર કૉલ નહીં કરવા નહિતર હેરેસમેન્ટનો કેસ ઠોકી દેવાની પ્રિયંકાને ધમકી આપી હતી. વારંવાર નાણાં અને કિંમતી સામાન પરત માંગતી પ્રિયંકાને છેવટે શૈલેષે સુણાવી દીધું હતું કે, ‘હવે તુ બધું ભૂલી જા. મને તારી સાથે લગ્ન કરવામાં નહી પણ શરીર સંબંધ બાંધવામાં અને તારી કમાણી ઉડાવવામાં જ રસ હતો.’ નફ્ફટ શૈલેષે ફોન પર પ્રિયંકાને એવી ધમકી સુધ્ધાં આપી હતી કે ‘જો પોલીસ ફરિયાદ નોંધાવી તો તારી નોકરી છોડાવી દઈશ ને તારા છોકરાને પતાવી દઈશ.’ પોલીસે શૈલેષની ધરપકડ માટે તજવીજ શરૂ કરી દીધી છે.
(નોંધઃ ભોગ બનનાર મહિલાનું નામ બદલેલું છે)
Share it on
|