કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરની કલાપૂર્ણમ્ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષિય દીપક ઈન્દ્રવદનભાઈ જોષીને ભુજના વાડાસર ગામે આવેલું ૬ એકર ખેતર ૪૬ લાખમાં ખરીદવા જતા પોતાનું ૩૧.૫૦ લાખનું મકાન અને ૫.૫૧ લાખ રૂપિયા ખોવાનો વારો આવ્યો છે! ખેતર માલિક અને દલાલે કાવતરું રચીને વિશ્વાસઘાત છેતરપિંડી કરતા દીપકભાઈએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે મિરજાપર ગામે ગાયત્રી રેસિડેન્સીમાં રહેતા દામજી હિરજી પટેલ અને દલાલ ગની લતીફ બાફણ (ડાકડાઈ ગામ, ભુજ) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી દીપક જોશી માધાપરની ગોકુલધામ-1 સોસાયટીમાં બીજું મોટું મકાન ધરાવે છે. આ મકાન તે ઘણાં સમયથી વેચવા ઈચ્છતા હતા. તો, તેમના વેવાઈ કિરતાર ભટ્ટને વળી જમીનમાં રૂપિયા ઈન્વેસ્ટ કરવામાં રસ હતો અને તેમણે ફરિયાદીને સસ્તામાં સારી જમીન હોય તો જાણ કરવા વિનંતી કરેલી.
પોતાના મકાનનું વેચાણ કરવા અને સસ્તામાં ક્યાંય જમીન હોય તો ખરીદવા ઈચ્છતા હોવાની દીપકભાઈ તેમના પરિચિત વર્તુળોમાં વાત કરતા રહેતા હતા.
દરમિયાન, તેમને અજાણ્યા નંબર પરથી ગની બાફણનો ફોન આવેલો અને ભુજના વાડાસર ગામે આવેલા એક ખેતરનો સસ્તામાં સોદો થાય તેમ હોવાનું જણાવેલું. ગનીની વાતો પર વિશ્વાસ કરીને ફરિયાદી જમાઈને લઈ ગની જોડે વાડાસર ગામે ૬ એકરની પિયત જમીન જોવા ગયેલાં.
આ ખેતરની માલિકી મિરજાપરના દામજી પટેલની હોવાનું જણાવી તે ૪૬ લાખમાં વેચવા માંગતા હોવાનું ગનીએ જણાવેલું.
ખેતર પસંદ આવી જતા સોદા અંગે વાતચીત કરવા માટે ગનીએ ફરિયાદી અને તેમના જમાઈની દામજી પટેલ જોડે બેઠક કરાવેલી. ખેતર દામજીની પત્ની શાંતાબેનના નામે છે. ફરિયાદીએ પોતાનું માધાપરમાં આવેલું મકાન ૩૧.૫૦ લાખમાં વેચવા કાઢ્યું હોવાનું અને તે વેચાઈ ગયા બાદ જમીનનો સોદો ફાઈનલ કરશે તેમ જણાવેલું.
ગની અને દામજીએ પૂર્વ આયોજીત કાવતરા મુજબ જમીન સોદા અંતર્ગત ફરિયાદીનું માધાપરનું મકાન ૨૮ લાખમાં જમા લેવાની ઑફર કરેલી.
ફરિયાદીએ સંમતિ દર્શાવીને સપ્ટેમ્બર ૨૦૨૪માં ટોકન પેટે ૫૧ હજાર રૂપિયા આપેલાં. ત્યારબાદ, ખેતરના સાટા કરાર કરાવતી વખતે વધુ પાંચ લાખ આપેલાં.
સાટા કરાર વખતે દામજીએ ફરિયાદીને કહેલું કે ગની માણસ લઈને આવશે. તે માણસના નામે તમે મકાનનો દસ્તાવેજ કરી લેજો, અમે આ ગ્રાહક પાસેથી તમારા મકાનના ૨૮ લાખ ખેતરના સોદા પેટેના ગણીને જમા લઈ લેશું.
માર્ચ ૨૦૨૫માં ગની સૂરજસિંઘ નામના શખ્સને લઈને આવેલો અને અગાઉ થયેલી વાતચીત મુજબ ફરિયાદીએ સૂરજસિંઘના નામે માધાપરના મકાનનો દસ્તાવેજ લખી આપ્યો હતો.
મકાન વેચાયા બાદ દામજી પટેલ ફરી ગયો
મકાનનો દસ્તાવેજ થઈ ગયા બાદ ફરિયાદીએ દામજીને વાડાસરના ખેતરનો સોદો પૂરો કરવા માટે જણાવતાં દામજી ફરી ગયો હતો. ‘તમે કોને પૂછીને તમારા મકાનનો દસ્તાવેજ સૂરજસિંઘના નામે કરાવ્યો? મને કોઈ વાતની ખબર નથી’ કહીને ખેતરનો સોદો કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ફરિયાદીએ ગનીને આ મુદ્દે વાત કરતાં ગનીએ તેમને ટેન્શન ના લેવા જણાવીને થોડાં દિવસો પછી જમીનનો દસ્તાવેજ કરાવી આપવાની ખાતરી આપેલી.
ગનીએ આપેલા બે ચેક બબ્બેવાર બાઉન્સ થયાં
થોડાં દિવસો પછી ગની ફરિયાદીને મળવા આવેલો અને મકાનના વેચાણના રૂપિયાના બદલામાં ૧૧.૫૦ લાખ અને ૨૦ લાખ રૂપિયાની રકમ લખેલા બે ચેક આપ્યા હતા. જો કે, બંને ચેક રિટર્ન થયેલાં. ગનીના કહેવાથી ફરી વખત રિટર્ન થયેલા ચેક બેન્કમાં નાખેલા અને બીજી વખત પણ બેઉ ચેક બાઉન્સ થયેલાં.
હવે ગનીનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો છે. દામજી ગનીને લઈને આવો પછી જ ખેતરના સોદા વિશે વાત કરશું તેવા બહાના કર્યા કરે છે.
આમ, ૪૬ લાખનું ખેતર ખરીદવા જતા દીપકભાઈને માધાપરની ગોકુલધામ સોસાયટીમાં આવેલું ૩૧.૫૦ લાખનું મકાન અને ખેતરની સુથી તથા સાટા કરાર વખતે દામજીને આપેલા ૫.૫૧ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Share it on
|