કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભારતીય ન્યાય પ્રણાલી વિશે એવી લોકપ્રિય ઉક્તિ પ્રખ્યાત છે કે ‘દૈર હે પર અંધેર નહીં’ જો કે, વિવિધ પરિબળોના કારણે કૉર્ટોમાં સમયસર ચુકાદા આવતા નથી અને પડતર કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે તે પણ એક હકીકત છે. અંગ્રેજીમાં કહેવાય છે કે Justice delayed is justice denied અર્થાત્ ન્યાયમાં વિલંબ એ પણ અન્યાય જ છે. જો કે, ટ્રાયલ કૉર્ટો સમયસર ન્યાય તોળાય તે માટે સજાગ રહે છે તેનો એક દાખલો ભચાઉ કૉર્ટે બેસાડ્યો છે. રાપરના મોટી હમીરપરનો સામૂહિક હત્યાકાંડ કેસ
રાપર તાલુકાના મોટી હમીરપર ગામે જમીનના ઝઘડામાં ૯ મે ૨૦૨૦ના રોજ એક સાથે પાંચ પાંચ લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે કૉર્ટમાં ૨૨ આરોપી સામે ચાર્જશીટ રજૂ કરેલી. ૨૨ પૈકી એક આરોપીનું મૃત્યુ નીપજતાં તેની સામેનો કેસ પડતો (એબેટ) મૂકાયો છે.
૧૫ આરોપી જામીન પર મુક્ત છે જ્યારે ૪ આરોપી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયાં છે.
ફરાર ચાર આરોપી ભરત મમુભાઈ અખિયાણી, વનરાજ કરસન અખિયાણી, દિનેશ કરસન અખિયાણી અને રમેશ હિરાભાઈની ગેરહાજરી પૂરતી ટ્રાયલ સ્પ્લિટ કરીને બાકીના આરોપીઓ વિરુધ્ધ ટ્રાયલ ચલાવવા કૉર્ટે નિર્ણય કર્યો હતો.
આરોપીના વકીલે વ્યસ્તતાનું કારણ ધરી મુદ્દત માગી
તાજેતરમાં આ કેસમાં ફરિયાદ પક્ષના એક સાક્ષીની જુબાની શરૂ થયેલી. બચાવ પક્ષના એક આરોપીના વકીલે આ સાક્ષીની ઉલટ તપાસ માટે રજૂઆત કરતાં કૉર્ટે મુદ્દત આપેલી. જો કે, મુદ્દતના દિવસે બચાવ પક્ષના વકીલે પોતે અન્ય કામમાં વ્યસ્ત હોવાનું કહી આજ રોજ હાજર રહી શકે તેમ ના હોવાનું જણાવી નવી મુદ્દતની માંગણી કરી હતી. ફરિયાદ પક્ષના વકીલે તેનો વિરોધ કરતાં કૉર્ટને જણાવ્યું હતું કે બચાવ પક્ષ દ્વારા કોઈને કોઈ કારણથી કેસ લંબાવવાનો અને ઉલટ તપાસ માટે મુદ્દતો લેવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ ટ્રાયલ ચલાવવામાં સહકાર આપી રહ્યા નથી. બચાવ પક્ષના વકીલે માગેલી નવી મુદ્દતનું કારણ વાજબી અને ન્યાયીક નથી અને તે આરોપીને મળેલા જામીન રદ્દ કરવા જોઈએ.
કૉર્ટે વકીલને ૧૨ હજારનો દંડ ફટકારી બીજા દિવસની મુદ્દત આપી
ભચાઉના પાંચમા અધિક સેશન્સ જજ ભરત લાલચંદ ચોઈથાણીએ વ્યસ્તતાના નામે વકીલે મુદ્દત માગવાની કરેલી અરજીને યોગ્ય ના ગણીને ફરિયાદીને ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા ચૂકવવા અને કાનૂની સહાય પેટે તાલુકા કાનૂની સત્તા મંડળમાં સાત હજાર રૂપિયા મળી ૧૨ હજાર રૂપિયા ચૂકવવાના હુકમ સાથે મુદ્દતની અરજીને ગ્રાહ્ય રાખીને બીજા જ દિવસની મુદ્દત પાડી હતી. આ ચુકાદો કચ્છની વકીલ આલમમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
Share it on
|