કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના પરાં સમાન માધાપર નવા વાસ ગામે આજે બપોરે ૧ વાગ્યાના અરસામાં યુવકની થયેલી હત્યા અંગત અદાવતમાં ઘટી હોવાની મૃતકના મોટાભાઈએ ફરિયાદ નોંધાવી છે. ૨૦ વર્ષિય પરેશ રાણાભાઈ રબારી ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો અને ગડા ગામે તેની સગાઈ થઈ હતી. પરિવાર પશુપાલન અને દૂધની ફેરી કરે છે. આજે બપોરે ૧ વાગ્યાના અરસામાં પરેશે મોટાભાઈ કમલેશને ફોન કરી સુલેમાન સમાએ છરી મારી હોવાનું અને પોતે લોહાણા મહાજન વાડી બહાર આવેલાં પાનનાં ગલ્લા પાસે ઊભો હોવાનું જણાવ્યું હતું. દૂધની ફેરી કરીને પરત ફરી રહેલો કમલેશ બાઈક લઈ સીધો ઘટનાસ્થળે રવાના થયો હતો. દરમિયાન, અન્ય પરિચિતો તેને ઑટો રીક્ષામાં સારવાર માટે જી.કે જનરલ હોસ્પિટલ લઈ ગયાં હતા. જ્યાં અડધા કલાકની ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. પરેશને છાતીમાં જમણા ભાગે છરીનો એક જ ઘા વાગ્યો હતો જે જીવલેણ સાબિત થયો હતો. પરેશે તેના ભાઈને જણાવ્યું હતું કે કોટકનગરમાં રહેતાં સુલેમાન જોડે અગાઉ તેને ઝઘડો થયો હતો અને તેનું મનદુઃખ-અદાવતમાં તેણે હુમલો કર્યો છે.
મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરાયેલો
ઘટનાના પગલે રબારી સમાજે હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરી જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર કરવાનો ઈન્કાર કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ સહિતનો કાફલો હોસ્પિટલે સમજાવટ માટે દોડી ગયો હતો. બીજી તરફ, પોલીસે પણ એડીચોટીનું જોર લગાડીને આરોપીને દબોચી લીધો હતો. આરોપી રાઉન્ડ અપ થઈ ગયાં બાદ રાત્રે સાડા આઠના અરસામાં મૃતકની અંતિમવિધિ કરાઈ હતી. પોલીસે હજુ આરોપીની વિધિવત્ ધરપકડ જાહેર કરી નથી.
આઈજી-એસપી સહિતનો કાફલો માધાપરમાં
અંતિમવિધિ બાદ કેટલાંક ચોક્કસ સ્થળે તોડફોડ-પથ્થરબાજી થતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખુદ રેન્જ આઈજી જે.આર. મોથલિયા, એસપી સૌરભ સિંઘ, ડીવાયએસપી પંચાલ સહિતના કાફલાએ માધાપરમાં કેમ્પ કર્યો છે. પોલીસે ગામના સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવા સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે. હાલ સમગ્ર ગામમાં શાંતિભર્યો માહૌલ પ્રવર્તી રહ્યો છે. વડા પ્રધાનની મુલાકાત પૂર્વે જ સ્મૃતિવનથી માંડ ત્રણ-ચાર કિલોમીટર દૂર આવેલાં સ્થળે સર્જાયેલી તંગદિલી અને તોડફોડની ઘટનાથી પોલીસ ખાતું એલર્ટ મોડ પર આવી ગયું છે.
Share it on
|