click here to go to advertiser's link
Visitors :  
18-Aug-2026, Tuesday
Home -> Kutch -> LCB West caught two accused from Indore Gdm Police arrest one from Rajsthan
Friday, 03-Jul-2026 - Bhuj 39009 views
માધાપરમાં લૂંટના ઈરાદે સોની પર હુમલો કરી ફરાર બે લૂંટારુને LCBએ ઈન્દોરથી પકડ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગ્રાહકના સ્વાંગમાં માધાપરમાં સોનીની દુકાને જઈ, લૂંટના ઈરાદે સોનીને માથામાં લોખંડની ટામી ફટકારવાના સવા બે વર્ષ જૂના ગુનામાં નાસતાં ફરતાં બે આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી પકડી લાવી છે. લૂંટના ઈરાદે હુમલાનો બનાવ ૨૦-૦૩-૨૦૨૪ના રોજ ભરબપોરે સવા ૧૨ના અરસામાં માધાપર નવા વાસની પોસ્ટ ઑફિસ સામે આવેલી હરેકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં બન્યો હતો.

એમપીના ધારના વતની સુનીલ રામગોપાલ ભાયલ અને દિનેશ ભગવાન ભાયલ બેઉ આગલા દિવસે ૯૦ હજારની કિંમત સુધીની પોંચી બનાવવાનો ઓર્ડર આપવાના બહાને દુકાને રૂબરૂ આવીને રેકી કરી ગયેલાં.

આ સમયે વેપારી વસંત ઊર્ફે અમિત દિનેશભાઈ સોનીએ એડવાન્સના રૂપિયા મુદ્દે વાતચીત કરીને બેઉનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. બીજા દિવસે બપોરે બેઉ જણ સ્કુલ બેગમાં ટામી રાખીને લૂંટના ઈરાદે દુકાને આવેલાં.

હુમલા બાદ બેઉ જણ કચ્છ છોડીને ફરાર થઈ ગયેલાં પરંતુ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે LCBના PSI એમ.એચ. શિણોલ, ASI સુનિલ પરમાર, HC રણજીતસિંહ અને જયદેવસિંહ જાડેજાની ટીમ બેઉને ઈન્દોરથી ભુજ પકડી લાવી છે.

૬૧.૩૭ લાખના ફ્રોડનો આરોપી ગાંધીધામ પોલીસે સિકરથી પકડ્યો

ગાંધીધામના ટ્રાન્સપોર્ટરને ૬૧.૩૭ લાખનો ચૂનો ચોપડી વતન રાજસ્થાન ફરાર થઈ ગયેલાં ચીટરને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ રાજસ્થાનના સિકરથી પકડી લાવી છે. પોલીસે પકડેલા નવરતન મહેશ ભાખરા સહિત કુલ ૭ આરોપી સામે ૧ વર્ષ ૧૦ મહિના અગાઉ ૩૧-૦૮-૨૦૨૪ના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે એચ.ટી. લોજિસ્ટીક્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા હરબંસ શર્માએ ફરિયાદ નોંધાવેલી. શર્માની પેઢીમાં નવરતન ઓર્ડર મુજબ અન્ય ટ્રાન્સપોર્ટરોની ગાડીઓની વ્યવસ્થા કરીને તેમાં માલ લોડ કરાવવાની કામગીરી સંભાળતો હતો.

નવરતને પેઢીના એકાઉન્ટન્ટ દિનેશ જાંગડા તથા અન્ય પાંચ ટ્રાન્સપોર્ટરો જોડે મિલિભગત રચીને અમુક ગાડીઓમાં માલ ના ભરાવ્યો હોવા છતાં તેની બિલ્ટીઓ (લૉરી રિસીપ્ટ) બનાવીને  ૬૧.૩૭ લાખ રૂપિયા મેળવીને હજમ કરેલાં.

ફરિયાદીએ ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ લોકોએ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન કંપની જોડે વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યા હોવાનું સ્પષ્ટ થયેલું. બી ડિવિઝન PI એસ.વી. ગોજીયા અને PSI એલ.એન. વાઢિયાના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે નવરતનને રાજસ્થાનથી ઝડપી પાડી કાયદાનું ચૌદમું રતન બતાડ્યું છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં અંગત અદાવતમાં ઘાતક હથિયારો સાથે ખેલાયું ધીંગાણું: સામસામે ૩૨ સામે ફરિયાદ
 
પેટનો બળ્યો ગામ બાળે તે આને કહેવાય! ૧૫ હજારના બિલ ખાતર ૧.૧૦ કરોડનું નુકસાન કર્યુ
 
તુણામાં મધરાતે વંડી ઠેકી ઘૂસેલાં બે લૂંટારાએ ડોશીમાનું મોઢું ગળું દબાવી લૂંટ કરી