કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાજસ્થાનથી મોટાં રણના ચોરમાર્ગે કચ્છમાં ઘૂસાડાતાં દારૂના નેટવર્કનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ એકવાર પર્દાફાશ કર્યો છે. LCBએ રાપરની રણકાંધીએ આવેલા બેલા ગામના પાદરે કારનો પીછો કરીને ૨.૩૦ લાખના મૂલ્યના ઈંગ્લિશ દારૂ સાથે એક જણને ઝડપી પાડ્યો છે. સોમવારે મધરાત્રે પેટ્રોલીંગમાં રહેલી LCBને બાતમી મળી હતી કે બેલામાં રહેતો કાનાજી વજાજી ઝાલા નામનો યુવક GJ-12 FC-9210 નંબરની બ્લેક વેન્યૂ કારમાં દારૂ ભરી લાવ્યો છે અને ગાડી હાલ ગામના પાદરે રૂંભરાઈ તળાવના કાંઠે ઝાડી ઝાંખરામાં છૂપાવી રાખી છે.
LCBએ સ્થળ પર છાપો મારેલો. પોલીસને જોઈ દારૂ ભરેલી વેન્યૂ કાર લઈને બે જણ ભાગવા માંડતા પોલીસે કારનો પીછો કરેલો.
રાતના અંધારામાં ખેતરોમાં ગાડી ફસાઈ જતાં બેઉ જણ કારમાંથી બહાર નીકળી નાસવા માંડેલાં.
પોલીસે પીછો કરી ૨૯ વર્ષિય કાનાને દબોચી લીધેલો.
કારની તલાશી લેતાં તેમાંથી ૧.૬૧ લાખની મૂલ્યના રોયલ ક્લાસિક વ્હિસ્કીના ૧૮૦ એમએલના ૧૩૪૪ પ્લાસ્ટિક પાઉચ (ટેટ્રા પૅક) તથા ૬૮ હજાર ૬૪૦ રૂપિયાની કિંમતની એઈટ પીએમ બ્રાન્ડ વ્હિસ્કીની ૧૦૪ બોટલ મળી ૨ લાખ ૨૯ હજાર ૯૨૦ રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. બંને બ્રાન્ડનું ઉત્પાદન રાજસ્થાનની ડિસ્ટલરીમાં થયેલું છે.
વૌવાના રણમાં માલ ડિલિવર થયેલો
પ્રાથમિક પૂછપરછમાં કાનાએ કબૂલ્યું કે નાસી જનારો શખ્સ જાટાવાડાનો અરવિંદ ભવાન રાજપૂત હતો.
બેઉ જણે પાર્ટનરશીપમાં માલ મગાવ્યો હતો. માલ મોકલનાર પાર્ટી રણમાં વૌવા પાસે ડિલિવરી આપી ગયેલી. માલ મોકલનાર પાર્ટીને અરવિંદ ઓળખે છે.
કાર અરવિંદના કબજાની છે, નાસતી વખતે કારમાં તેનો મોબાઈલ ફોન ભૂલી ગયેલો પરંતુ કારની ચાવી સાથે લઈ ગયેલો. LCBએ દારૂ સાથે ૭ લાખની કાર, બે મોબાઈલ ફોન મળી ૯.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તળે બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. LCB પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ એમ.વી. જાડેજા સહિતનો સ્ટાફ દરોડામાં જોડાયો હતો.
Share it on
|