કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ જામનગરના જોડિયામાં થયેલી હત્યાના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી નાસતાં ફરીને પરત ભચાઉ આવી ગુનાખોરી આચરી રહેલાં નાની ચીરઈના ૩૨ વર્ષિય ખૂંખાર ગફૂર બાવલા જુણેજાને LCBએ ઝડપી પાડ્યો છે. ગફૂર જુણેજા પર ૨૦૧૪થી લઈ ૨૦૧૯ દરમિયાન ભચાઉ, ગાંધીધામ એ અને બી ડિવિઝન તેમજ વાયોર પોલીસ મથકમાં મારામારી, હુમલો, લૂંટ, ઘરફોડ ચોરી, હથિયારની અણીએ લૂંટ આચરવી સહિતના ૭ ગુના ચોપડે ચડેલાં છે. LCBની ટૂકડીએ તેને ઝડપી પાડી ગાંધીધામના પડાણા નજીક ગત ૧૯ ફેબ્રુઆરીની રાત્રે મોટરસાયકલ ચાલક પર ધારિયાથી હુમલો કરી મોબાઈલ ફોન અને ૧૭ હજારની રોકડ રકમ લૂંટી લેવાના ગુનાનો પણ ભેદ ઉકેલી નાખ્યો છે.
જામનગરના જોડિયા તાલુકાના બાલંભા ગામે ૧-૫-૨૦૨૧ના રોજ રેતીના લીઝધારક કાન્તિલાલ રામજી માલવીયાની ઑફિસમાં ચાર શખ્સોએ બંદૂક, ધારિયા, તલવારો વડે ત્રાટકીને હુમલો કર્યો હતો. જોડિયાના કુખ્યાત અયુબ જુસબ જસરાયા અને અસગર હુસેન કમોરાએ રેતીની લીઝ ચલાવવી હોય તો અમને હપ્તા આપવા પડશે તેમ કહી હુમલો કરેલો. જેમાં ગફૂર પણ મદદગારીમાં સામેલ હતો. આરોપીઓએ ફાયરીંગ કરી ઑફિસમાં કાન્તિલાલની હત્યા કરી હતી. આ ગુનામાં જામનગર જેલમાં ફીટ ગફૂર વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ ગયો હતો.
LCBની ટીમે ગફૂરની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. પોલીસની પૂછતાછમાં ગફૂર અને તેના બે સાગરીતોએ ૧૯-૦૨-૨૦૨૨ની રાત્રે પડાણા નજીક હાઈવે પર ટ્રાન્સપોર્ટ પેઢીના કર્મચારી કુલદિપસિંહ જાડેજાને ધારિયું મારી મોબાઈલ ફોન અને ૧૭ હજારની રોકડ રકમ લૂંટી લીધો હોવાના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.
ખૂંખાર આરોપીને પકડવાની સફળ કામગીરીમાં પીઆઈ એમ.એન. રાણા, પીએસઆઈ કે.એન. સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Share it on
|