કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશી વિદેશી દારૂ ઉપરાંત ગાંજાના વેચાણ અને વપરાશના વધતા દૂષણ સંદર્ભે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે બે મહત્વની રેઈડ કરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૬.૧૩ લાખની કિંમતના ૧૨ કિલો ૨૭૫ ગ્રામ ગાંજા સાથે બે યુવકોની ધરપકડ કરી છે. બીજી તરફ, પશ્ચિમ કચ્છ એસઓજીએ પણ લાંબા સમય બાદ મુંદરાના મોટા કાંડાગરા પાસેથી ૩.૨૨ લાખની કિંમતના ૬ કિલો ૪૫૪ ગ્રામ ગાંજા સાથે માંડવીના ત્રગડી ગામના યુવકને ઝડપ્યો છે.
બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે શહેરના ખોડિયારનગરમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતા રમેશ રામાભાઈ દેવીપૂજક (ઉ.વ. ૩૦)ના રહેણાક મકાનમાં દરોડો પાડીને દસ કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો હતો.
દરોડા સમયે રમેશને એક્ટિવાથી ગાંજાની ડિલિવરી કરવા આવનાર ભીખાભાઈ રતનભાઈ દેવીપૂજક (ઉ.વ. ૪૨) પણ તેના રહેણાક મકાનમાંથી ઝડપાયો હતો. તેની એક્ટિવાની ડીકીમાંથી પોલીસને વધુ ૧ કિલો ૯૮૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
રમેશના કબજામાંથી પોલીસે ૧૪ હજાર ૭૮૫ રૂપિયા અને ભીખાના કબજામાંથી ૫૦ હજાર રોકડાં રૂપિયા મળી આવ્યાં હતા. પોલીસે કુલ રૂપિયા ૬ લાખ ૧૩ હજાર ૭૫૦ના મૂલ્યનો ૧૨ કિલો ૨૭૫ ગ્રામ ગાંજો, ૨૦ હજારના બે ફોન, ૫૦ હજારની એક્ટિવા તથા ૬૪ હજાર ૭૮૫ રોકડાં રૂપિયા મળી ૭ લાખ ૪૮ હજાર ૫૩૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બેઉ સામે એનડીપીએસ એક્ટની ધારાઓ તળે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
SOGએ કાંડાગરા પાસે કારમાંથી ૩.૨૨ લાખનો ગાંજો ઝડપ્યો
પશ્ચિમ કચ્છ એસઓજીએ મુંદરાના મોટા કાંડાગરા પાસે કારમાં ગાંજો લઈ ઘરાક શોધવા આવનારા શબ્બિર ઈસ્માઈલ વાઘેર (ભુસર) (ઉ.વ. ૩૬, રહે. ત્રગડી, માંડવી)ની ૩ લાખ ૨૨ હજાર ૭૦૦ રૂપિયાની કિંમતના ૬ કિલો ૪૫૪ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે.
શબ્બિરે આ ગાંજો ૬૦ હજાર રૂપિયામાં મુંદરાના લુણી ગામે રહેતા અઝીઝ ગાધ પાસેથી ખરીદેલો.
પોતાની હોન્ડા મોબિલીયો કારમાં ગાંજો લઈને ગાંજાની વેચસાટ માટે તે કાંડાગરા આવવાનો હોવાની બાતમીના પગલે એસઓજી પીએસઆઈ ડી.બી. વાઘેલા અને પી.સી. સિંગરખિયા સહિતના સ્ટાફે વૉચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત ૩ લાખની કાર, ૧૦ હજારનો મોબાઈલ ફોન, સાડા ૧૦ હજાર રોકડ રૂપિયા વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંજાની નાની પડીકીઓ ખરીદીને વ્યસન સંતોષતા હોય તેવા વ્યસનીઓને ત્રણસો ચારસો ગ્રામના અલ્પ માત્રાના ગાંજા સાથે પકડીને ચોપડા પર કામગીરી બતાડવાના બદલે પશ્ચિમ કચ્છ એસઓજીએ હવે ગાંજાનો મોટાપાયે વેપલો કરતાં લોકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ જણાય છે.
NDPS Act મુજબ એક કિલોથી વધુ ગાંજાનો જથ્થો હોય તો તે ઈન્ટરમીડિએટ જથ્થો ગણાય છે અને તેમાં એકથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે એસઓજીમાં લાંબો સમય રહેનારા પીઆઈ કુલદીપ ગઢવીની તાજેતરમાં માનકૂવા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરાઈ હતી.
Share it on
|