click here to go to advertiser's link
Visitors :  
19-Jun-2026, Friday
Home -> Kutch -> Kutch Police and Admin Sets One More Exapmple of Bulldozer Justice Read More
Thursday, 18-Jun-2026 - Bhuj 1407 views
ભુજમાં છોકરીઓની છેડતીનો કરંટ પાનધ્રો સુધી પહોંચ્યો! આરોપીના દબાણો પર બુલડોઝર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં જાહેર રોડ પર જઈ રહેલી બે છોકરીઓની છેડતી કરવી રીઢા આરોપીને બરાબરની ‘ભારે’ પડી ગઈ છે. આરોપીએ તેના ગામમાં સરકારી જમીનો પર ચણેલી સિમેન્ટ બ્લોકની મોટી ફેક્ટરી, ઑટો ગેરેજ, દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે! ૨૧ મેની રાત્રે નવ વાગ્યાના અરસામાં ભુજની સરકારી એન્જિનિયરીંગ કોલેજવાળા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ પાસે છેડતીની ઘટના ઘટી હતી. બે યુવતી પગપાળા જઈ રહી હતી ત્યારે દારૂના નશામાં ટલ્લી થઈ ગયેલાં ત્રણ યુવકો તેમને ઘેરીને શારીરિક અડપલાં કરતાં હતા.

યુવતીઓ પ્રતિકાર કરવા પ્રયાસ કરી રહી હતી.

જાહેરમાં થતી છેડતી જોઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું. એક જણો ટોળામાંથી સરકી ગયેલ પરંતુ બાકીના બેને લોકોએ પોલીસ બોલાવી સોંપી દીધો હતો. આ બે જણાં હતા દરિયા ઈશાક રાયમા (ઉ.વ. ૩૮) અને બીજો હતો અકબર હારૂન રાયમા (ઉ.વ. ૩૬). બંને લખપતના પાનધ્રોના રહેવાસી છે.

ભુજ એ ડિવિઝન પોલીસે બેઉ વિરુધ્ધ દારૂબંધીનો ગુનો નોંધેલો. બદનામીની બીકે દીકરીઓ ફરિયાદ નોંધાવવા આગળ ના આવતાં ઋત્વિકસિંહ ચાવડા નામના યુવકે ત્રણે વિરુધ્ધ જાહેરમાં યુવતીઓની છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

પાનધ્રોનો એક યુવક નીકળ્યો રીઢો આરોપી

પોલીસે બેઉની કરમ કુંડળી ચેક કરતાં બહાર આવેલું કે દરિયા રાયમા સામે અગાઉ પણ નારાયણ સરોવર અને દયાપર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલાં છે. ૨૦૦૯માં તેની સામે નારાયણ સરોવરમાં ઘરફોડ ચોરી, ૨૦૧૨માં અનુસૂચિત જાતિના ફરિયાદીને જાતિ અપમાનિત કરી હથિયારની અણીએ માર મારવાની તેમજ ૨૦૨૨માં દયાપરમાં ધાક ધમકી આપી વ્યક્તિને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદો નોંધાઈ હતી.

પોલીસે વહીવટી તંત્રની મદદથી તપાસ કરતા દરિયા રાયમાએ લખપતના પાનધ્રો વર્માનગર ખાતે મોટાપાયે સરકારી જમીન દબાવીને સર્વે નંબર ૨૫૫ પર સિમેન્ટ બ્લોકની મોટી ફેક્ટરી બનાવી હોવાનું, સર્વે નંબર ૨૫માં ૨૭૦૦ ચોરસ ફૂટ વાહનો માટેની ગેરેજ અને સર્વિસ સ્ટેશન તથા મચ્છીની દુકાનો બનાવી હોવાનું ખૂલ્યું હતું.

મામલતદાર અને પોલીસે સંયુક્ત રીતે આજે આ દબાણો હટાવીને ૩૫ લાખની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરી છે. નારાયણ સરોવરના પોલીસ ઈન્સ્પેક્ટર જે. બી. કુણિયાએ જણાવ્યું કે દરિયાએ ગેરકાયદે બનાવેલી દુકાનો, ગેરેજ, ફેક્ટરીનું સંચાલન તેના સગાં સંબંધીઓ કરતા હતા.

એક જ વર્ગને ટાર્ગેટ કરાતો હોવાની ચર્ચા

સરકારી તંત્રોની આ કામગીરી યોગ્ય અને આવકારદાયક છે. જો કે, કચ્છમાં કોઈ ચોક્કસ વર્ગના આરોપીઓને જ ખાસ ટાર્ગેટ કરીને આવી કડક કામગીરી કરાતી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. ભુજના વરનોરા ગામે થયેલી ડિમોલીશનની કામગીરી અંગે સૂકાં ભેગું લીલું બળતું હોવાના આરોપ થઈ રહ્યાં છે.

રાજકીય આકાઓને રાજી રાખવા જો અધિકારીઓ બંધારણને બાજુએ મૂકીને એકપક્ષી કામગીરી કરતાં હોય તો તે તદ્દન અનુચિત છે. ઠીક છે, અત્યારે અનુકૂળ માહોલ છે પરંતુ આજે નહીં તો કાલે પવનની દિશા બદલાવાની જ છે.

દિશા બદલાશે ત્યારે પવન નહીં ચક્રાવાત ફૂંકાશે તે યાદ રાખવું.

Share it on
   

Recent News  
વિજિલન્સની ‘સિંઘમ’ સ્ટાઈલઃ ભદ્રેશ્વરના મીઠાના કારખાનામાંથી ૧ કરોડની વીજચોરી પકડી
 
સામખિયાળી PSIની ગંભીર બેદરકારી બદલ બે ગુનાના ૩ આરોપીને જામીન પર છોડી મૂકાયાં!
 
શિરવામાં ગેરકાયદે મકાનો તોડી પડાવાનો ખાર રાખીને ગામના યુવક પર જીવલેણ હુમલો