કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં મારામારી, ચોરી, જુગાર સહિતના વિવિધ ગુનાઓ વિવિધ પોલીસ મથકના ચોપડે નોંધાયાં છે. અત્રે આવા કેટલાંક મહત્વના બનાવ અને ગુનાઓ અંગે સંક્ષિપ્તમાં સમાચાર રજૂ કર્યાં છે. ♦અંજારના ભીમાસરના સહારા ગ્રામમાં રહેતા મૂળ ધાનેરાના યુવક સુરેશભાઈ રાવતાભાઈ પટેલને સાયબર માફિયાઓએ ફોન કરી, ભૂલથી તેના ખાતામાં રૂપિયા જમા થઈ જતાં તે પરત કરવા જણાવી, ચાલું ફોને જી-પે એપ ઓપન કરાવી ૪૦ હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધાં. એટલું જ નહીં સુરેશ પાસેથી ઓટીપી મેળવીને તેના બેન્ક એકાઉન્ટમાંથી ૨.૭૧ લાખની લોન મેળવી તે રૂપિયા ટ્રાન્સફર કરીને કુલ ૩.૧૧ લાખની છેતરપિંડી કરી
♦ગાંધીધામના સપનાનગરમાં ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં અર્જુન ગઢવી, દેવા આહીર અને હિરેન ઊર્ફે બાવલી આહીર નામના ત્રણ માથાભારે શખ્સો પાઈપ અને ધોકાથી તોડફોડ કરી છે. ફરિયાદી લીના સુરેશબાબુ કેથોલિક (રાજપૂત)એ પોલીસને જણાવ્યું કે આ કાર તેના મિત્ર રોનક ઠક્કરની છે, જે હાલ દુબઈ છે. રાજસ્થાનથી બહેન ગાંધીધામ આવતી હોઈ તેને ગાડીની જરૂર હોઈ રોનકે ગાડી મોકલી આપી હતી. રોનકને અગાઉ આરોપીઓ જોડે માથાકૂટ થયેલી. તેની ગાડી જોઈને માથાભારે ત્રિપુટીએ તોડફોડ કરેલી. આરોપીઓએ ફરિયાદીને પણ ધાક ધમકી કરી હતી
♦હાજીપીરથી દર્શન કરીને પરત ફરતી વેળા વારંવાર ગાડી ઓવરટેક કરવા બાબતે ઠપકો આપવા બદલ અકિબ મુંગરાણી અને તેના સાઢુભાઈ આફ્રીદી કકક્લને (રહે. બેઉ ગાંધીધામ)ને માંડવીના ધવલનગર નજીક અનવર સીદીક ચેલા, સુલતાન સીદીક ચેલા અને જાફર ચાવડા (રહે. ત્રણેય તુણા, અંજાર)એ મુઢ મારી ગાડીના કાચ, લાઈટમાં તોડફોડ કરી
♦ભુજની જૂની બકાલી કોલોનીમાં રહેતા રીક્ષાચાલક અબ્દુલ વહાબ સમાએ ફળિયામાં દારૂનું વેચાણ કરવા દેવા ઈન્કાર કરતાં તેની અદાવત રાખી જાવેદ જુણસ પઢિયાર, ગુલામ પઢિયાર, સમીર પઢિયાર, ઈમરાન ત્રાયા, જુણસ પઢિયાર અને અન્ય ત્રણ અજાણ્યા સાગરીતોએ કાવતરું રચીને ધારિયા, ધોકા, પાઈપથી હુમલો કરી અબ્દુલ અને તેના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચાડી. ગત રાત્રે પોણા નવ વાગ્યે અબ્દુલ તેના પુત્ર ખાલિદને ટ્રાવેલ્સ બસમાં મૂકવા આરટીઓ સર્કલ પાસે સહજાનંદ ટ્રાવેલ્સની ઓફિસ પાસે આવ્યો હતો ત્યારે આરોપીઓએ હુમલો કર્યો હતો. બંનેને શરીરમાં મલ્ટિપલ ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી છે
♦બે વર્ષ અગાઉ સસ્તાં સોનાના નામે રાજસ્થાનના બાડમેરમાં ૨૩ લાખની ઠગાઈ કરનારાં ભુજના મોહમ્મદ હનિફ દાઉ સના (૨૨, રહે. મદિનાનગર, સંજોગનગર, ભુજ)ને એલસીબીએ ઝડપી પાડ્યો છે. નાસતાં ફરતાં હનિફ પર રાજસ્થાન પોલીસે પાંચ હજારનું ઈનામ જાહેર કર્યું હતું.
♦અંજારના ભીમાસરમાં આવેલી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપનીમાંથી અજાણ્યા શખ્સો મશીનરીમાં ફીટ કરવાના ૧૨૧ કિલોગ્રામ પિત્તળના ૭૨,૬૦૦ રૂપિયાની કિંમતના બુશ ચોરી ગયા
♦નખત્રાણામાં અજાણી ચોર ટોળકી આમારાથી પાનેલી સુધીની ૩૩ કેવી વીજલાઈનના ઘડાણી ગામથી વાલ્કા ગામ સુધી કાચા રસ્તા પર સુઝલોન કંપનીએ ઊભાં કરેલા ૨ લાખ ૪ હજારની કિંમતના લોખંડના ૩૪ વીજપોલ ચોરી ગઈ
♦ભુજ તાલુકાના જાંબુડી ગામે સર્વે નંબર ૧૧૫ની ખેતીની જમીન પૈકી આશરે ૧૯ ગુંઠા ગેરકાયદે પચાવી પાડવા બદલ જમીનમાલિક પ્રભુલાલ બાલાભાઈ મહેશ્વરી (રહે. કોટડા આથમણા)એ થરાવડાના વિનોદકુમાર નારણભાઈ પટેલ વિરુધ્ધ પધ્ધર પોલીસ મથકે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવી
♦સામખિયાળી પોલીસે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિર નજીક ખુલ્લાં ચોકમાં તીનપત્તીનો જુગાર રમતાં ૭ ખેલીને ૫૬ હજાર ૭૫૦ રોકડાં રૂપિયા, બે કાર, એક મોટર સાયકલ તથા ૧.૧૪ લાખના ૮ મોબાઈલ મળી દસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં. પોલીસને જોઈ અન્ય સાત ખેલી નાસી છૂટ્યાં. તમામ ૧૪ આરોપી વિરુધ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ
♦ભુજ તાલુકાના ટાંકણાસર ગામની સીમમાં એસઓજીએ બાતમીના આધારે મામદ ઈભલા જત નામના શખ્સને દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો
Share it on
|