કચ્છખબરડૉટકોમ, ભુજઃ સુપ્રીમ કૉર્ટ સુધી લંબાયેલા અબડાસાના સમંડા ગામના ચિંકારા શિકાર કેસમાં કૉર્ટે આરોપીની અરજી ફગાવી દીધી છે. ચિંકારાના શિકારનો આરોપી રાહત મેળવવા દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા રાજ્યના વનતંત્રની પણ આ કેસ પર મીટ મંડાઈ હતી. ચિંકારાના શિકારનો કેસ સુપ્રીમ કૉર્ટ પહોંચ્યો હોય તેવો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે. ૦૮-૦૧-૨૦૨૩ના રોજ નલિયા ઉત્તર રેન્જના RFO અજયસિંહ સોલંકીને બાતમી મળેલી કે સ્કોર્પિયો કારમાં આવેલાં ચાર-પાંચ શિકારીઓએ બંદૂકના ભડાકે અબોલ જીવનો શિકાર કર્યો છે. માહિતી મળતાં વન વિભાગે આખો વિસ્તાર ખૂંદી નાખેલો પરંતુ આરોપીઓ નાસી છૂટ્યાં હતાં. સ્થળ પર તપાસ કરતાં પ્રાણીનું લોહી અને વાળના પૂરાવા મળ્યાં હતા. આ પૂરાવાને જૂનાગઢ ફોરેન્સિક લેબમાં મોકલાતાં મૃત પ્રાણી ચિંકારા હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેથી વનતંત્રએ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ચિંકારાના શિકારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સ્કોર્પિયો કારના નંબરના આધારે માંડવીના ધવલ પાર્કમાં રહેતાં મૂળ શિરવાના ૪૫ વર્ષિય ઈમામશા લતીફશા સૈયદની સંડોવણી સ્પષ્ટ થતાં વનતંત્રએ તેને સમન્સ પાઠવ્યું હતું. આરોપીના મોબાઈલ લોકેશનના આધારે બનાવના સમય અને સ્થળે તેની હાજરી હોવાનું સ્પષ્ટ થયું હતું.
સમન્સ સંદર્ભે ઈમામશાએ પોતાની ધરપકડ થવાની દહેશત દર્શાવી ભુજ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી પરંતુ છઠ્ઠા અધિક સેશન્સ જજ વિશાલ શાહે માર્ચ માસમાં તેની અરજી ફગાવી દીધી હતી. આરોપીએ ત્યારબાદ ગુજરાત હાઈકૉર્ટમાં અરજી કરેલી પરંતુ હાઈકૉર્ટે અરજી ફગાવી દેતાં તેણે સુપ્રીમ કૉર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન દાખલ કરેલી. આ કેસમાં સુપ્રીમના જસ્ટીસ સી.ટી. રવિકુમાર અને સંજય કુમારની ખંડપીઠે ૨૨ નવેમ્બરે અરજી ફગાવી દઈ આરોપીને બે સપ્તાહની અંદર સરન્ડર થઈ જવા અને સરન્ડર કરે તો કેસના ગુણદોષ પર તેની જામીન અરજી પર નિર્ણય લેવા કૉર્ટને જણાવ્યું હતું.
જો આરોપી સરન્ડર ના કરે તો તપાસ એજન્સીને કાયદા મુજબ યોગ્ય એક્શન લેવા છૂટ આપી છે.
પૂર્વ ચીફ કંઝર્વેટર ઑફ ફોરેસ્ટ્સ (CCF) વી.જે. રાણાએ ઊંડો રસ લઈ પશ્ચિમ DCF યુવરાજસિંહ ઝાલા અને આરએફઓ અજયસિંહ સોલંકીને માર્ગદર્શન આપ્યું હતું. રાણાની નિવૃત્તિ બાદ વર્તમાન CCF સંદિપકુમારના માર્ગદર્શનમાં કેસની તપાસ ઝીણવટપૂર્વક આગળ ધપી રહી છે.
Share it on
|