કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે. કચ્છમાં જિલ્લા પંચાયતની 38માંથી 34 બેઠકો અને નવે નવ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. પાંચ નગરપાલિકાઓ સાથે નવરચિત ગાંધીધામ મહા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 52માંથી 41 બેઠકો હાંસલ કરી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં કચ્છમાં સોળે કળાએ કમળ ખીલ્યું છે.
કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે એક પછી એક બેઠકોના વિજેતા ઉમેદવારો એમના ટેકેદારો, સમર્થકોના ધાડેધાડા સાથે ઉમટતાં હતા ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલયમાં આનંદ અને ઉત્સાહ ચરમસીમાએ વર્તાઈ રહ્યા હતા.
કચ્છની જીત નામી અનામી કાર્યકરોને સમર્પિત
જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેષભાઇ ખંડોર સહિતના આગેવાનોએ આ વિજયને કચ્છભરના ખૂણે ખૂણે ફેલાયેલાં ભારતીય જનતા પાર્ટીના નામી અનામી હજારો કાર્યકર્તાઓને સમર્પિત કરી સૌને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડબલ એન્જિન સરકારના કામો-યોજનાઓની સ્વિકૃતિ
પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ લખપતથી રાપર સુધીના પરિણામોમાં સાર્વત્રિક ધોરણે ભાજપનો જે જ્વલંત વિજય જોવા મળ્યો છે તે કેન્દ્ર અને ગુજરાતની પરસ્પર તાલમેલથી ચાલતી ડબલ એન્જિનવાળી સરકારો દ્વારા જનહિતમાં જારી કરાયેલી અગણિત જનકલ્યાણકારી યોજનાઓની સ્વિકૃતિ તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે કર્મઠ સૈનિકોને આભારી હોવાનું જણાવ્યું હતું. વિશેષપણે માંડવી નગરપાલિકામાં 36માંથી 36 બેઠકો મેળવી માંડવીને સંપૂર્ણ કોંગ્રેસમુક્ત બનાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
અંત્યોદયના સિધ્ધાંતને અનુસરી પ્રવૃત્ત રહેવાનો સમય
દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે આજે કચ્છ ભાજપ માટે સાચા અર્થમાં સોનાનો સૂરજ ઊગ્યો છે. સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ટકોર કરતાં તેમણે જણાવ્યું હતું કે એક નિષ્ઠાવાન જનસેવકને છાજે એવી રીતે પાર્ટીના અંત્યોદયના સિદ્ધાંતને અનુસરીને, પારદર્શક છબી સાથે પક્ષની ઊજળી પરંપરા આગળ ધપાવવામાં અવિરત પ્રવૃત્ત રહેવાનો સમય આવી ચુક્યો છે
વિકાસ, સુશાસન, રાષ્ટ્રવાદી નેતૃત્વની જીત
સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ ભવ્યાતિભવ્ય વિજયને મોદીસાહેબના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદી નેતૃત્વની જીત ગણાવી જણાવ્યું હતું કે લોકોએ વિકાસ મોડેલને વધાવ્યું છે, અપનાવ્યું છે અને ફરી વિકાસની રફતારને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીની ઝોળીમાં ખોબેખોબા ભરીને મતો આપીને તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું સૂકાન સોંપ્યું છે.
ભુજમાં આશાપુરા મંદિરે ઉજવ્યો વિજયોત્સવ
જિલ્લાભરના પરિણામો જાહેર થયા બાદ દેવજીભાઈ સહિત જિલ્લા ભાજપ મહા મંત્રી હિતેશ ખંડોર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલસિંહ જાડેજા, અશોકભાઈ હાથી, આશિકાબેન ભટ્ટ, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, મહામંત્રી જીગરભાઈ શાહ સહિત ભુજ નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના તમામ 28 નગરસેવકોએ કચ્છની કુળદેવી આઈ આશાપુરાના ચરણે શિશ ઝૂકાવીને આભારદર્શન કરી આશીર્વાદ મેળવીને મંદિર પરિસર બહારના ચોકમાં વિજયોત્સવ મનાવ્યો હતો.
સંગઠન અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓની મહેનત રંગ લાવી
પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત સમગ્ર જિલ્લા ભાજપ પરિવારનો સંગઠનાત્મક પુરુષાર્થ રંગ લાવ્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.
Share it on
|