|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાજ્યમાં ડ્રગ્ઝના દૂષણને ડામવા સ્થાનિક પોલીસ સ્ટેશનો નિષ્ક્રિય રહેતા હોઈ SOG કે LCB જેવી એજન્સીઓ દરોડો પાડે તો સંબંધિત પોલીસ સ્ટેશનોના અધિકારીઓ સામે આકરાં પગલાં લેવા રાજ્ય પોલીસ વડાએ જિલ્લાના SPઓને સૂચના આપી છે. જેના પગલે હવે કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગાંજાના નજીવા જથ્થા સાથે આરોપીઓને પકડવા મચી પડ્યો છે. કચ્છમાં ૩ દિવસ દરમિયાન પધ્ધરમાં બે કેસ સાથે ભચાઉ, માધાપર, મુંદરા, ભુજ બી, કોઠારા અને માંડવી પોલીસ મથકે NDPS હેઠળ ૮ ગુના નોંધાયા છે. ભચાઉ પોલીસે ૫.૩૩ લાખની કિંમતના ૧૦ કિલો ગાંજાને બાદ કરતાં તમામ કેસોમાં ડ્રગ્ઝ તરીકે ગાંજો ઝડપાયો છે અને તમામ કેસોમાં ૩૦ ગ્રામથી લઈ ૬૦૨ ગ્રામ સુધીનો ગાંજો જપ્ત કરાયો છે.
કેટલાંક કેસોમાં તો નશાના બંધાણીઓ પણ ગાંજો રાખવા બદલ ફીટ થયાં છે.
કાયદાની પરિભાષા મુજબ એક કિલોગ્રામથી ઓછો ગાંજાનો જથ્થો સ્મૉલ ક્વૉન્ટિટી ગણાય છે. સામાન્યતઃ સ્મૉલ ક્વૉન્ટિટીના કેસોની ટ્રાયલ નીચલી કૉર્ટોમાં જ ચાલતી હોય છે.
આવા કેસોમાં આરોપીઓને ઝડપથી જામીન મળી જતાં હોય છે અને અંગત વપરાશના કેસોમાં કૉર્ટો સજાના બદલે મોટાભાગે વ્યસનીના પુનર્વસન પર વધુ ભાર મૂકતી હોય છે.
DGPનો હેતુ ડ્રગ્ઝના નેટવર્કને મૂળમાંથી તોડી પાડવાનો છે પરંતુ તેમના નિર્દેશના પગલે પોલીસ સ્ટેશનોના અધિકારીઓ જો કાગળ પર કામગીરી દેખાડવા ખાતર યંત્રવત્ રીતે સ્મૉલ ક્વૉન્ટિટીના NDPSના કેસો દાખલ કર્યા કરશે તો અંતે સમગ્ર પ્રક્રિયા દેશી દારુના એકના એક બૂટલેગરો પર અઠવાડિયે ત્રણથી ચાર વખત નોંધાતા કેસો જેવી બિનઅસરકારક પુરવાર થવાની આશંકા છે. ચોપડે કેસો તો નોંધાતા રહેશે પરંતુ બદી યથાવત્ જ રહેશે.
Share it on
|