કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કોરોના લૉકડાઉન વચ્ચે પણ કચ્છમાં સૌથી વધુ 30 હજાર લોકોને રોજગાર આપતા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (કાસેઝ)એ વર્તમાન 2020-2021ના વર્ષે 5541 કરોડના ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરી છે. રવિવારે કાસેઝના 57મા સ્થાપના દિને આ સિધ્ધિની હર્ષભેર જાહેરાત કરવા સાથે કાસેઝના ટોપ પંદર એકમોને એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા. 7 માર્ચ 1965માં દિવંગત વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ફ્રી ટ્રેડ ઝોન તરીકે કાસેઝની સ્થાપના કરી હતી.
સ્થાપના થઈ ત્યારથી લઈ અત્યારસુધીના 57 વર્ષની સફરમાં કાસેઝ સતત સફળતાના શિખરો સર કરતું રહ્યું છે. 1966-1967માં માત્ર 7 લાખ એક્સપોર્ટના આંકડાથી શરૂ થયેલી સફર આજે 57 વર્ષે 5541 કરોડ પર પહોંચી છે. આ સિધ્ધિ નાની-સુની નથી. કારણ કે, 2020માં કોવિડ-19ની મહામારીના કારણે દેશવ્યાપી લૉકડાઉન લદાયેલું. નાના-મોટા તમામ એકમો બંધ થઈ ગયાં હતા. દેશ-વિશ્વની લોજીસ્ટીક સપ્લાય ચેઈન અને મેન્યુફેક્ચરીંગ સંપૂર્ણ ખોરવાઈ ગયેલાં. તેમ છતાં ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનરની રાહબરી હેઠળ સરકારી ગાઈડલાઈન મુજબ અલ્પવિરામ બાદ કાસેઝના એકમો ધીમે ધીમે કાર્યરત થયાં ને હાલ પૂરજોશમાં ધમધમી રહ્યાં છે. સતત અને સુગ્રથિત વિકાસ એ કાસેઝનો હોલમાર્ક રહ્યો છે. કાસેઝ કચ્છમાં 30 હજાર લોકો જે પૈકી 40 મહિલાઓને રોજગાર આપે છે. કાસેઝની કાર્યક્ષમતાને અનુલક્ષીને તેને ISO 9001- 2015 પ્રમાણપત્ર ઈસ્યૂ કરાયું છે જેણે સ્થાપના દિવસની ખુશાલીને વધારી દીધી છે. રોજગાર સાથે મોટું વિદેશી હુંડિયામણ રળી આપતા કાસેઝના સ્થાપના દિવસે 15 ટોપ ટેન યુનિટોને એવોર્ડ અપાયાં હતા. ગાંધીધામની ખાનગી હોટેલમાં આયોજીત એવોર્ડ સમારોહમાં વિવિધ ઉત્પાદનોના એક્સપોર્ટમાં સર્વાધિક એક્સપોર્ટ કરનાર એકમોને સન્માનાયાં હતા. પ્રસંગે, ચીફ ગેસ્ટ તરીકે કંડલા પોર્ટના ચેરમેન સંજય મહેતા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે 2019માં કાસેઝને ગ્રીન એન્ડ ક્લિન કાસેઝ બનાવવાના હેતુથી 10 લાખથી વધુ વૃક્ષો વાવવા સંકલ્પ લેવાયો હતો. આજે કાસેઝમાં 3 લાખથી વધુ વૃક્ષો લહેરાય છે. એક સમયે ગાંડા બાવળની ગીચ ઝાડી અને ખારાપાટમાં ઘેરાયેલા કાસેઝની આજે લીલોતરી અને જળસંચય થકી કાયાપલટ થઈ ગઈ છે. કાસેઝ દ્વારા સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ કદમ ઉઠાવાયાં છે.
Share it on
|