કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ છેલ્લાં ત્રણ વર્ષથી ગાંધીધામ આદિપુરમાં હત્યાના પ્રયાસના બે ગુના સહિત ૧૦ ગુના આચરવા બદલ ‘ગુજસીટોક’માં ફીટ થયેલા આરોપી ગુંડાને ભુજની ખાસ કૉર્ટે જામીન પર મુક્ત કરવા ઈન્કાર કરી દીધો છે. ગત ૩૦-૦૧-૨૦૨૫ના રોજ ગુજસીટોક તળે જેલમાં ધકેલાયેલા અર્જુન નાગાજણ ગઢવીએ હાઈકૉર્ટમાં કરેલી અરજી સહિત આ ત્રીજી જામીન અરજી રીજેક્ટ થઈ છે. કારનો પીછો કરી સળગાવ્યાં બાદ પોલીસની નજરે ચઢેલો
અરજદાર અર્જુન ગઢવીએ તેના સાગરીત દિનેશ પરિહાર તથા અન્ય ત્રણ જણ મળી પાંચ જણે ૧૯-૧૨-૨૦૨૪ની રાત્રે ગાંધીધામના રાહુલ ચૌહાણ નામના યુવક પર હુમલો કરવાના ઈરાદે તેનો પીછો કરેલો. ગભરાયેલો રાહુલ ભારતનગરમાં દિવાલ સાથે સ્વિફ્ટ કાર ભટકાતાં કારમાંથી ઉતરી નાસી ગયેલો.
ત્યારબાદ આ ગુંડાઓએ તેની કાર સળગાવી દીધી હતી. રાહુલ જોડે અર્જુનનો અગાઉ ઝઘડો થયેલો. તેની અદાવતમાં તેણે આ ગુનો આચર્યો હતો.
ઘટના બાદ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની સૂચનાના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અર્જુન અને તેના સાગરીત દિનેશ ઊર્ફે ડીન્કો બાબુલાલ પરિહારની ક્રાઈમ કુંડળી ચેક કરેલી.
અર્જુન સામે ૨૦૨૨થી હત્યાના પ્રયાસના બે ગુના સહિત લૂંટ, હિંસક હુમલો, મારામારી, રાયોટીંગ, ધાક ધમકી કરવા સહિતના દસ ગુના અને ડીન્કા સામે સાત ગુના નોંધાયેલાં હોવાનું સ્પષ્ટ થયેલું.
જેથી એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીએ બેઉને ગુજસીટોક લગાડી અંદર કરી દીધા હતાં.
કૉર્ટે જામીન આપવા સ્પષ્ટ ઈન્કાર કરી દીધો
આજે ભુજની વિશેષ ગુજસીટોક કૉર્ટમાં અર્જુને ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. સેશન્સ જજ અને ગુજસીટોક કૉર્ટના ખાસ જજ એ.એલ. વ્યાસે ‘હાલના તબક્કે કૉર્ટે ફક્ત ગુનાનો ઈરાદો અને ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી જોવાની હોય છે’ કહીને તપાસકર્તા અમલદારે દાખલ કરેલું સોગંદનામું જોઈને કહ્યું કે ‘માત્ર વીસ વર્ષની ઉંમરે આરોપી સામે આવા અન્ય નવ ગુના નોંધાયેલાં છે. તેણે ગુનાખોરી માટે સંગઠિત ટોળકી બનાવેલી. ચાર્જશીટ અગાઉ કૉર્ટે તેની જામીન અરજી ફગાવી ત્યારે ગુનામાં તેની સંડોવણી અંગે કૉર્ટે વિસ્તૃત ચર્ચા કરેલી. ચાર્જશીટ રજૂ થયા બાદ ‘કોસ્મેટિક ચેન્જ’ કરેલી અરજીથી સંજોગોમાં ફેરફાર (Change in circumstances) થયેલો ના ગણાય, તે માટે મજબૂત ગ્રાઉન્ડ રજૂ કરવું પડવું પડે. ચાર્જશીટ દાખલ થઈ એટલે જામીન અરજી કરાય તે કોઈ ગ્રાઉન્ડ નથી‘
ગુજસીટોકના કેસો માટે નીમાયેલાં વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ આ કૉર્ટે જામીન અરજી રીજેક્ટ કરી ત્યારબાદ આરોપીએ હાઈકૉર્ટમાં અરજી કરેલી. હાઈકૉર્ટે પણ તે અરજી રીજેક્ટ કરેલી.
આરોપીની ગુનામાં સક્રિય સંડોવણી હોવાનું પ્રથમદર્શનીય જણાતું હોવાનું કહી કૉર્ટે અરજી ફગાવી દીધી છે.
Share it on
|