click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Kutch -> Juma Rayma Strikes Back FIR Filed Over Conspiracy to Ruin his Social Political Image
Wednesday, 08-Apr-2026 - Gandhidham 25500 views
ગાંધીધામના આગેવાન જુમા રાયમાની ૧૪ સામે ખંડણી, કાવતરાંની FIRથી ચકચાર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ રહેતા ૫૪ વર્ષિય રાજકીય અને સામાજિક આગેવાન હાજી જુમા રાયમાએ પોતાની પાસેથી ૨૦ લાખ રૂપિયા પડાવવા કાવતરું રચીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા વીડિયો યુટ્યુબમાં પોસ્ટ કરી હેરાન કરાતા હોવાની ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના કેટલાંક પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોના ઈશારે યુટ્યુબ ચેનલ ચલાવતા ભુજના કહેવાતા પત્રકાર અને અંજારની પૂર્વ કોંગ્રેસી મહિલા કાર્યકરે ગુનો આચર્યો હોવાનું રાયમાએ ફરિયાદમાં જણાવ્યું છે.
રાયમાની ફરિયાદથી કચ્છમાં ભારે ચકચાર

કોંગ્રેસ અને મુસ્લિમ સમાજના આગેવાન જુમા રાયમાએ પોતાને બદનામ કરવા અને રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે કોંગ્રેસ અને મુસ્લિમ સમાજના જ કેટલાંક આગેવાનોના ઈશારે કાવતરું ઘડાયું હોવાની FIR નોંધાવતાં કચ્છમાં ચકચાર મચી ગઈ છે.

આરોપીઓમાં કચ્છ કોંગ્રેસ અને મુસ્લિમ સામાજિક સંગઠનના હોદ્દેદાર સલીમ અહેમદ જત (મુંદરા), ઈકબાલ મંધરા (કોઠારા, અબડાસા), અંજારની દિપ્તી મહેશભાઈ ઠક્કર (ખત્રી) વગેરે સહિત ૧૪ જણને આરોપી તરીકે દર્શાવાયાં છે.

કચ્છ કોંગ્રેસના મહિલા મોરચામાં અગાઉ હોદ્દેદાર તરીકે રહી ચૂકેલી દિપ્તી ઠક્કરે કોંગ્રેસના હોદ્દેદારો પર ગંભીર આરોપ કર્યાં હોવા છતાં તેની સામે પ્રદેશ કોંગ્રેસે કોઈ પગલાં ના લેતાં હાજી જુમા રાયમાએ ૧ એપ્રિલના રોજ પ્રદેશ કોંગ્રેસની ચૂંટણી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે, હવે દિપ્તી સહિતના ૧૪ લોકો પર તેમણે મધરાત્રે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ દાખલ કરતાં મુસ્લિમ સમાજ અને કોંગ્રેસમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ભુજની યુટ્યુબ ચેનલનો કથિત પત્રકાર બન્યો હાથો

૧૧ નવેમ્બરના રોજ સમાજના ધર્મગુરુ શેખ સૈયદ હાસીમ અલ ગિલાની કચ્છની મુલાકાતે આવેલાં. તે સમયે જુમા રાયમાએ ધર્મગુરુને આવકારતી જાહેરખબર કચ્છના વિવિધ અખબારોમાં પ્રગટ કરાવી હતી. સાંજે જુમાભાઈના ઘરે ધર્મગુરુના દર્શન અને પ્રવચનનો કાર્યક્રમ હતો ત્યારે ભુજની કે.પી. ન્યૂઝ ચેનલનો કહેવાતો પત્રકાર ઈરફાન ઈબ્રાહિમ હાલેપોત્રા ન્યૂઝ કવરેજના નામે ત્યાં વગર આમંત્રણે આવી ચઢેલો.

ઈરફાને ન્યૂઝ કવરેજના નામે જુમાભાઈ પાસે ૨૦ હજાર રૂપિયા માગેલાં. જુમાભાઈએ રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં તે જતો રહેલો. ત્યારબાદ જુમાભાઈના મિત્રો આગળ જુમાભાઈને હું જોઈ લઈશ તેવી ધમકી આપેલી.

૧૪ નવેમ્બરે જુમાભાઈ અને તેમના મિત્રો પરિચિતો ધર્મગુરુને વિદાય આપવા ભુજ એરપોર્ટ પહોંચેલા તે સમયે ઈરફાન ફરી ત્યાં ન્યૂઝ કવરેજના નામે આવી ચઢેલો. તેણે સૌની હાજરીમાં જુમાભાઈને ધમકી આપેલી કે ‘મને જાહેરાતના ૨૦ હજાર રૂપિયા નથી આપ્યા, આ ૨૦ હજાર તમને ૨૦ લાખમાં પડશે’

સલમા ગંઢની આરોપબાજીનો વીડિયો

૧ માર્ચના રોજ કે.પી. ન્યૂઝમાં જુમાભાઈની પરિચિત મહિલા સલમા ગંઢનો એક વીડિયો ન્યૂઝ તરીકે પોસ્ટ થયેલો. જેમાં સલમાએ એવો આરોપ કરેલો કે જુમા રાયમાએ મારા ઘરે આવી, મને ઝાપટ મારેલી. હકીકતમાં સલમાના ઘરે પારિવારિક ક્લેશ થતાં સલમાના પુત્રએ જ ફોન કરીને જુમા રાયમાને ઘરે બોલાવેલાં. આ સમયે સમજાવટની દ્રષ્ટિએ જુમાભાઈએ  સલમાને ટાપલી મારેલી. સલમાના આરોપ અંગે ફરિયાદીના પુત્ર અને ભાઈએ સલમાને મળીને વાત કરતાં સલમાએ પણ પાછળથી આ ખુલાસો કરીને કહેલું કે મારે જુમાભાઈ જોડે કોઈ મનદુઃખ નથી.

અંજારની દિપ્તી ઠક્કરે આરોપબાજી શરૂ કરી

સલમા ગંઢે જુમાભાઈ કરેલા આરોપને લઈને એકાએક અંજારની પૂર્વ કોંગ્રેસી કાર્યકર દિપ્તી મહેશભાઈ ઠક્કર (ખત્રી) મેદાનમાં આવેલી. તેણે કે.પી. ન્યૂઝ પર ઈન્ટરવ્યૂ આપતા કહેલું કે જુમા રાયમાએ સલમા પર અત્યાચાર કર્યો છે, સલમાએ મને નથી કહ્યું પરંતુ હું મારી રીતે મદદ કરવા તૈયાર છું.

રાયમાએ ૨૦ લાખ હજમ કર્યાનો આરોપ કરાયેલો

આ વીડિયોમાં દિપ્તીએ ગંભીર આરોપ કરેલો કે ૧૭ વર્ષ અગાઉ મુંબઈમાં કરેલા જમીનના એક સોદામાં જુમા રાયમા મારી દલાલીના ૨૦ લાખ રૂપિયા ખાઈ ગયો હતો. રૂપિયા પાછાં આપતો નથી. આ આરોપ અંગે જુમાભાઈના મિત્રો દિપ્તીને સમજાવવા ગયા ત્યારે દિપ્તીએ તેમને કહેલું કે મને ૨૦ લાખ અપાવી દો તો હું વીડિયો કઢાવી દઈશ, નહીં તો રોજ નવા નવા વીડિયો આવશે. ફરિયાદીએ જણાવ્યું કે દિપ્તી ૨૦ લાખ રૂપિયા માંગતી હોવાના તેની પાસે કોઈ આધાર પુરાવા નહોતા. તેમ છતાં દિપ્તીએ પાંચ લાખ મળે તો વીડિયો હટાવી દેવાની વાત જણાવેલી.

અશ્લીલ વીડિયો પોસ્ટ કરી બદનામ કરવાની ધમકી

જુમાભાઈના મિત્રો સમક્ષ દિપ્તીએ એમ પણ કહેલું કે ‘હું એકલી નથી. મુસ્લિમ સમાજના અન્ય માણસો પણ મારી સાથે છે, જુમાને હું મૂકીશ નહીં’ સલમાએ પણ દિપ્તીને મળીને કહેલું કે મારી જુમા રાયમા સાથેની મેટર પૂરી થઈ ગઈ છે. તે સમયે દિપ્તીએ જુમા પાસેથી ૨૦ લાખ રૂપિયા અપાવવા સલમાને કહેલું. એટલું જ નહીં જુમાના અશ્લીલ વીડિયો બનાવીશ અને સમાજમાં મોઢું બતાડવા કે જીવવા લાયક નહીં રહેવા દઉં તેવી ધમકી આપેલી.

દિપ્તીએ જુમા રાયમા પર ફરી વીડિયો મૂકીને એવો ગંભીર આરોપ કરેલો કે ‘તમે તમારી શરિયત મુજબ પણ નથી ચાલતાં’

જુમા રાયમાએ ફરિયાદમાં જણાવ્યું કે દિપ્તીના આરોપથી મારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચેલી. ‘મેં બંગડી નથી પહેરી, તાકાત હોય તો સામે આવે’ તેમ કહીને દિપ્તીએ પોતાને ધમકી પણ આપેલી.

અરજીની તપાસમાં મોટું ષડયંત્ર હોવાનું ખૂલ્યું

જુમાભાઈએ કચ્છખબરને જણાવ્યું કે યુટ્યુબ ચેનલમાં પોતાની બદનામી કરતાં વીડિયો મૂકવા સંદર્ભે તેમણે કે.પી. ન્યૂઝના ઈરફાન હાલેપોત્રા અને દિપ્તી ઠક્કર વિરુધ્ધ પોલીસ મથકે પંદરેક દિવસ અગાઉ અરજી આપેલી. પોલીસે તપાસ કરતાં આ બેઉ જણને હાથો બનાવીને કોંગ્રેસ અને સમાજના જ અનેક લોકોએ પોતાને બદનામ કરવાનું કાવતરું રચ્યું હોવાની તેમના વાર્તાલાપની મળેલી ૪ હજારથી વધુ ક્લિપો પરથી સ્પષ્ટ થયું છે. વિવિધ વોઈસ રેકોર્ડીંગ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં સ્ક્રીન શોટ્સના આધારે તેમણે ફરિયાદ નોંધાવી છે. 

જુમાની કારકિર્દી પૂરી કરી દઈએ

ફરિયાદીએ જણાવ્યું કે મને જાણવા મળેલું કે ઝકરીયા કુંભાર (ભુજપુર, મુંદરા)એ સલમાને કહેલું કે હું સલીમ અહેમદ જત (પૂર્વ જિલ્લા ઉપ પ્રમુખ, કોંગ્રેસ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ)ની ઑફિસે બેઠેલો છું. જુમાભાઈ વિરુધ્ધ બીજા વધારે ખોટાં પુરાવા ઊભાં કરો, રમજાન પછી મોટું પ્લાનીંગ કરીને જુમાની કારકિર્દી ખતમ કરી દઈએ તેવી વોટસએપ ચેટ વાયરલ થયેલી.

એ જ રીતે વાતવાતમાં ફરિયાદીને જાણવા મળેલું કે ‘આ જુમા રાયમા આપણને બધાને ઓવરટેક કરીને કોંગ્રેસનો આગેવાન બનીને ફરે છે તેને પૂરો કરી દેવાનો છે’

આરોપીઓ સામેના પુરાવા તપાસ સમયે પોતે રજૂ કરશે તેમ જુમા રાયમાએ જણાવ્યું છે.

ફરિયાદમાં કરાયા છે આ આરોપ

રાયમાએ પોતાની પાસેથી ખોટી રીતે બળજબરીથી રૂપિયા પડાવવાના હેતુ પોતાને બદનામ કરવાનું કાવતરું રચી, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા ખોટાં વીડિયો બનાવીને કે.પી. ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીને રૂપિયા નહીં આપતાં અશ્લીલ વીડિયો બનાવી ચેનલ પર અપલોડ કરવાની ધમકીઓ આપી તેમજ મહંમદ પયંગબર સાહેબનું નામ લઈને સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી આરોપીઓએ ગુનો આચર્યો હોવાનો ગંભીર આરોપ કરતી ફરિયાદ અન્વયે પોલીસે ભારેખમ કલમો તળે ગુનો દાખલ કર્યો છે.

જાણો, કોણ કોણ છે ૧૪ આરોપીઓ

આરોપીઓમાં ઈરફાન હાલેપોત્રા (કહેવાતો પત્રકાર), ઈસ્માઈલ સાલે બાફણ (નાંગિયારી, ભુજ), ભુજનો સત્તાર માંજોઠી (ગાંધીધામમાં અગાઉ નકલી ઈડી ઑફિસર બનીને આચરેલા લૂંટના ગુનાનો આરોપી), તાહિર ભટ્ટી (ભુજ), ઈશાક જુમા જત (સુમરાસર, ભુજ), લતીફ ગગડા (લોડાઈ, ભુજ), ઝકરીયા કુંભાર (ભુજપુર, મુંદરા), સલીમ અહેમદ જત (મુંદરા), આમીરશા સૈયદ (બારોઈ, મુંદરા), ઈકબાલ મંધરા (કોઠારા, અબડાસા), સુલેમાન રાઉમા (જંગી, ભચાઉ), હનીફશા શેખ (પ્રમુખ, સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની યુવા પાંખનો પ્રમુખ, રહે. અંજાર), દિપ્તી મહેશભાઈ ઠક્કર (અંજાર), આદમ પડેયાર (ભુજ)નો સમાવેશ થાય છે.

પોલીસે ઈરફાન હાલેપોત્રા અને હનીફશા શેખની અટક કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો