click here to go to advertiser's link
Visitors :  
26-Aug-2026, Wednesday
Home -> Bhuj -> Army engineer in Bhuj cheated of Rs 15.50 lakh Loan amount diverted to other accounts
Tuesday, 07-Apr-2026 - Bhuj 37269 views
ભુજસ્થિત આર્મીના ઇજનેર જોડે ૧૫.૫૦ લાખની ઠગાઈઃ લોન અપાવી બીજા ખાતામાં મેળવી લીધા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા એન્જિનિયરના નામે આર્મી ગૃપ ઈન્સ્યોરન્સ ફંડમાંથી લોન મંજૂર કરાવી, યુક્તિપૂર્વક અન્ય બેન્ક ખાતાઓમાં ૧૫.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરાયાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ઈન્ડિયન આર્મીના એન્જિનિયર ઉમેશકુમાર પાલે સાગર ગુલેરીયા નામના ચીટર સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું કે આર્મીના વોટસએપ ગૃપમાં તેના મિત્ર લવકુશ અહીરવારે ૧૦ માર્ચના રોજ એક મેસેજ નાખેલો કે ‘કોઈને આર્મી ગૃપ ઈન્સ્યોરન્સ ફંડ AGIFમાંથી લોન જોઈતી હોય તો જણાવજો, મદદ કરશે’ ફરિયાદીએ મિત્ર લવકુશ જોડે વાત કરતા તેણે સાગર ગુલેરીયા નામના શખ્સનો મોબાઈલ નંબર આપીને તે લોન મંજૂર કરાવવામાં મદદ કરતો હોવાનું જણાવીને પોતે પણ તેની મદદથી લોન મેળવવા પ્રોસેસ કરી હોવાનું ઉમેરેલું.

ગઠિયાએ આ રીતે ઈજનેરને ભોળવી વિશ્વાસમાં લીધો

ફરિયાદીએ સાગર ગુલેરીયાનો કોન્ટેક્ટ કરતા સાગરે પોતે પણ આર્મી જવાન હોવાનું કહીને ઘણાં જવાનોને AGIFમાંથી લોન મંજૂર કરાવવામાં મદદ કરી હોવાનું કહી વિશ્વાસમાં લીધેલો. એટલું જ નહીં, લોન પર સારી સબ્સિડી મળતી હોવાનું કહેલું. ફરિયાદી ઉમેશકુમારે ૧૫ લાખની લોન મેળવવાની ઈચ્છા દર્શાવેલી.

સાગરે ૧૫ લાખની લોન પર ૧૩ લાખ રૂપિયાની સબ્સિડી મળશે અને કેવળ ૨ લાખ રૂપિયા જ ભરવા પડશે તેમ કહીને જાળ પાથરેલી.

સાગરની વાતોમાં ભોળવાઈ જઈને ફરિયાદીએ તેને વોટસએપ પર પોતાના આધાર કાર્ડ, બેન્ક ખાતાં નંબર, પાન કાર્ડ વગેરે દસ્તાવેજો મોકલી આપેલાં.

ઇજનેરના ખાતામાં ૧૬.૧૫ લાખની લોન જમા થયેલી

૧૮ માર્ચના રોજ ફરિયાદીને AGIFના લોન ડિવિઝનમાંથી ઈ-મેઈલ મળેલો. જેમાં ફરિયાદીના ખાતામાં લોન પેટે ૧૬.૧૫ લાખ રૂપિયા જમા થયાં હોવાની વિગત હતી. લોનની રકમ ફરિયાદીના બેન્ક ખાતામાં જમા થઈ ગયેલી. ૧૫ લાખની લોનની માંગણી સામે ૧૬.૧૫ લાખ રૂપિયા જમા થતાં ઉમેશકુમારનો સાગર પરનો વિશ્વાસ વધુ પ્રગાઢ થયો હતો.

ગઠિયાએ નાણાં યુક્તિપૂર્વક અન્ય ખાતાઓમાં મેળવેલાં

લોનની રકમ જમા થયાં બાદ સાગરે ઉમેશકુમારને ફોન કરીને જણાવેલું કે ‘લોનની રકમ AGIFના ખાતાઓમાં જમા કરાવવી પડશે, ત્યારબાદ આ રકમ એકસાથે ફરીથી તમારા ખાતામાં જમા થશે અને ત્યારપછી લોનની રકમ ઉપાડી શકાશે’

સાગર પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ બેન્કની એપ મારફતે સાગરે આપેલાં જુદાં જુદાં ત્રણ બેન્ક ખાતામાં ૧૮ અને ૨૦ માર્ચના રોજ ૧૫.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા.

નાણાં ટ્રાન્સફર કર્યાંના અઠવાડિયા સુધી પરત જમા ના થતાં ઉમેશે સાગરને ફોન કરી પૂછપરછ કરતાં તેણે બહાના કર્યાં હતા. ફરિયાદીએ તેના મિત્ર અહીરવારને પૂછપરછ કરતાં અહીરવારે પણ સાગર ફ્રોડ હોવાનું જણાવેલું. જેથી ઉમેશે ઓનલાઈન સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવતા તેના આધારે ભુજ સાયબર ક્રાઈમ પોલીસે સાગર ગુલેરીયા સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
મહારાષ્ટ્રથી કેમિકલ લાવી આદિપુરમાં ઈંગ્લિશ દારૂ બનાવાયો! વેચાણ પૂર્વે બે ઝડપાયાં
 
લાકડાં ભરીને જતા વાહનોના પાસ પર સહી સિક્કા બદલ ઊઘરાણાંઃ લાંચિયો વનરક્ષક ઝબ્બે
 
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસઃ ૬ વર્ષના બાળકના મોત બાદ રિપોર્ટ આવ્યો