|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના ફતેહગઢ નજીક શિકારીઓ દ્વારા માલધારી યુવક પર ફાયરીંગ કરવાના બનાવને હજુ પખવાડિયું વીત્યું નથી ત્યાં ઘાણીથરમાં શિકારીઓનું સ્થાનિક યુવકો સાથે ઘર્ષણ થયું હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘર્ષણ દરમિયાન ચાર શિકારીઓએ એક યુવકની છાતી પર બંદૂક રાખી ફાયરીંગ કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. જો કે, પહેલાંથી સતર્ક યુવકે બંદૂકનું નાળચું ઊંચું કરી દેતાં બચી ગયો છે. રાપરના પલાંસવા નજીક ભમીયાસર વાંઢના ખેતરે પ્રભુ વજાભાઈ રાજપૂત અને તેના અન્ય પાંચ પિતરાઈ ભાઈઓ સાથે રાત્રે ખેતરનું રખોપું કરતો હતો ત્યારે ઘાણીથર ગામનો સીમાડો મધરાતે બંદૂકના ભડાકાથી ગાજી ઉઠ્યો હતો. અહીં શિકારીઓ અવારનવાર નીલગાયનો શિકાર કરતાં હોઈ પ્રભુ તેના પિતરાઈ ભાઈઓ સાથે ટોર્ચ લઈને ઘાણીથરની સીમમાં તપાસ કરવા નીકળ્યો હતો. રસ્તામાં તેમણે ઘાણીથરના અન્ય સાત ભરવાડ મિત્રોને જાણ કરતાં તેઓ પણ તપાસમાં જોડાયાં હતા.
ટોર્ચના અજવાળે ઘાણીથર કેનાલના પુલિયા નજીક નિર્જન ખેતરમાં બંદૂક સાથે બેઠેલાં ટગા ગામના ચાર શિકારી યુવકો તેમની નજરે ચઢ્યાં હતા.
આ ચાર જણ અલ્તાફ દિનમામદ હિંગોરજા, મુબારક મામદ હિંગોરજા, હનીફ લતીફ નારેજા અને નજરમામદ ઈસ્માઈલ હિંગોરજા હોવાનું તેઓ ઓળખી ગયેલાં. હનીફના હાથમાં બંદૂક હતી અને અન્યોના હાથમાં છરીઓ હતી. યુવકોએ ચારે જણ જોડે અહીં શિકાર કરવા કેમ આવ્યા છો કહીને તેમને ત્યાંથી જતા રહેવા જણાવતાં બેઉ પક્ષ વચ્ચે બોલાચાલી થયેલી.
ઉશ્કેરાઈને હનીફે તેના હાથમાં રહેલી બંદૂક પ્રભુની છાતી પર તાકીને તેમને ચાલ્યાં જવા અન્યથા સૌને બંદૂકના ભડાકે ઉડાવી દેવાની ધમકી આપેલી.
બેઉ પક્ષ વચ્ચે બોલાચાલી વધી પડેલી. અન્ય ત્રણ જણે હનીફને ઉશ્કેરતાં તેણે ફાયરીંગ કરેલું. જો કે, સતર્ક પ્રભુએ બંદૂકનું નાળચું ઊંચુ કરી દેતાં તેનો આબાદ બચાવ થયેલો. દરમિયાન તેમણે પોલીસને જાણ કરતાં ચારે જણ ત્યાંથી નાસી છૂટ્યાં હતા. ઘટના અંગે ચારે જણ સામે ગાગોદર પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|