|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અપહરણ, ખૂન કે લૂંટ જેવા ગંભીર ગુના બને ત્યારે આધુનિક યુગમાં પોલીસ માટે CCTV ફૂટેજ અને મોબાઈલ ફૉન કોલના ડેટા ગુનેગારનું પગેરું દબાવવા માટે ખૂબ ઉપયોગી કડી બની રહેતાં હોય છે. આ બાબતથી વાકેફ પ્રોફેશનલ ગુનેગારો પોલીસથી પણ બે ડગલાં આગળ રહેવા પ્રયાસ કરતાં હોય છે. પરંતુ, અંગ્રેજી કહેવત છે કે No crime is perfect. ગુનો આચરનારાં ગમે તેટલું પરફેક્ટ પ્લાનિંગ કરે, કોઈક ને કોઈક કડી તેમને પકડાવી દે છે. ૧૦ દિવસમાં પોલીસે MPથી સૂત્રધારને દબોચી લીધો
૨૧ ઑગસ્ટની મધ્યાહ્ને અંજારના અજાપર ગામની સીમમાં નિર્જન રોડ પર બાઈક લઈને જઈ રહેલાં વરસામેડીના ૪૭ વર્ષિય ધનજીભાઈ ખાટરિયાને નીચે પાડી, પિસ્તોલ વડે ફાયરીંગ કરી ૩૦ ગ્રામ સોનાની ચેઈન લૂંટી નાસી ગયેલી અજાણી બાઈકસવાર ત્રિપુટી પૈકીના સૂત્રધાર અશોક ઊર્ફે આર્યન રમેશ પ્રજાપતિને કેવળ ૧૦ દિવસમાં અંજાર પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. લૂંટ સમયે આર્યન સાથે બાઈક પર રહેલાં અન્ય બે લૂંટારા દીપક કુશ્વાહ (ધોલપુર, રાજસ્થાન) અને શિવ (રહે. યુપી) ઝડપાયાં નથી પરંતુ અન્ય બે મદદગારો અમિત મુન્નીલાલ જાટવ (ભીંડ, એમપી) અને જગદીશ ઊર્ફે ગોલુ વિનોદકુમાર જાટવ (રહે. ધોલપુર, રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડ્યાં છે.
MCR ચેક કરવાથી મહત્વની કડી મળી
અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ જણાવ્યું કે ગુનો બન્યાં બાદ બાઈકસવાર ત્રિપુટી નાસી ગયેલી. ગુનાની તપાસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાયેલી. અમે વિવિધ લોકેશનના cctv ફૂટેજ કબજે કરી નિરીક્ષણ કરતાં અપાચે બાઈક પર જઈ રહેલી ત્રિપુટી સ્પોટ થયેલી પરંતુ તેઓ કોણ છે તે અંગે કશી માહિતી નહોતી. છેવટે અમે ભૂતકાળમાં આ રીતે બાઈક પર લૂંટ વીથ ફાયરીંગના બનેલાં ગુના અને તે આચરનાર ગુનેગારોની માહિતી ફંફોળવા માટે MCR (Modus operandi Crime Records ચેક કરવાનું શરુ કરેલું. જેમાં અશોક ઊર્ફે આર્યન પ્રજાપતિ અને દીપક કુશ્વાહ પર શંકા સુદ્રઢ થયેલી.
૨૦૨૨માં આ જ MOથી રતનાલ પાસે લૂંટ કરેલી
આર્યન, દીપક કુશ્વાહ સહિતની ત્રિપુટીએ અગાઉ રતનાલ નજીક મોપેડ પર એકલાં જઈ રહેલા નિખિલ ચાવડા નામના યુવાન એન્જિનિયરને ભરબપોરે આંતરી, પિસ્તોલના નાળચે લૂંટીને અપાચે બાઈક પર નાસી ગયેલાં. જે અંગે ૧૫-૧૧-૨૦૨૨ના રોજ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયેલો.
સવા મહિને આડેસરથી ગન-કારતૂસ સાથે ઝડપાયેલાં
લૂંટના સવા મહિના બાદ ૨૪-૧૨-૨૦૨૨ના રોજ આડેસર પોલીસે ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન આર્યન અને દીપક સાથે ચાર યુવકોને એક પિસ્તોલ અને બે દેશી કટ્ટા, કારતૂસ સાથે ઝડપ્યાં હતા. ચારે જણ સાંતલપુર બાજુથી થેલાઓમાં હથિયારો રાખીને પગપાળા કચ્છમાં આવી રહ્યાં હતા. તેમની પૂછપરછમાં રતનાલમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો હતો.
આદિપુરથી અપાચે બાઈક ચોરી લૂંટ કરેલી
અજાપર પાસે થયેલી લૂંટના ગુનામાં ચોરાઉ અપાચે બાઈક અને બે પિસ્તોલનો ઉપયોગ થયેલો. તેથી પોલીસે સૌપ્રથમ એમપી જઈને ફરાર આર્યનને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં આર્યન અને દીપક સહિતના કુલ પાંચ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ થઈ હતી. પીઆઈ જાડેજાએ ઉમેર્યું કે લૂંટ સમયે આર્યન અને દીપક પાસે એક એક પિસ્તોલ હતી. જેમાંથી તેમણે ફાયરીંગ કરેલાં. ત્રીજો આરોપી શિવ હતો. લૂંટ માટે જે અપાચે બાઈકનો ઉપયોગ કરેલો તે આદિપુરમાંથી ચોરી કર્યું હતું.
આર્યન અને દીપક બેઉ અપાચે બાઈકના છે શોખીન
આર્યન અને દીપકે એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં આ જ મોડસ ઓપરેન્ડીથી અનેક ગુના આચરેલાં છે. બેઉ જણ અપાચે બાઈકના શોખીન છે અને તમામ સ્થળે આ જ બાઈક પર તેમણે આર્મ્ડ રૉબરીના ગુના આચરેલાં છે. આર્યન અને દીપક થોડાંક સમય અગાઉ લૂંટના ગુનામાં મહારાષ્ટ્રના નાગપુરની જેલમાંથી થોડાંક સમય પૂર્વે છૂટ્યાં હતા. ૨૦૨૨માં પૂર્વ કચ્છમાં વાહનચોરી સહિતના ગુના આચરી ચૂક્યાં હોઈ તેમણે ફરી કચ્છમાં આવી લૂંટનો પ્લાન કરેલો.
મેધપર કુંભારડીમાં મકાન ભાડે રાખેલું
આ ત્રિપુટી અન્ય બે સહઆરોપી અમિત જાટવ અને જગદીશ જાટવ સાથે અર્ટિગા કારથી મેઘપર કુંભારડી રોકાવા આવેલી. રહેવા માટે તેમણે એક ઓરડી ભાડે રાખેલી. ઝડપાયેલાં આર્યન, અમિત અને જગદીશ પાસેથી પોલીસે ૭ હજાર રોકડાં રૂપિયા, બે મોબાઈલ ફોન અને ૮ લાખની નંબર પ્લેટ વગરની અર્ટિગા કાર કબજે કર્યાં છે. ગુનામાં વપરાયેલી બે પિસ્તોલ તથા સોનાની ચેઈન રિકવર થઈ શકી નથી.
ગુનાશોધનમાં રેન્જ IG ચિરાગ કોરડીયા, SP સાગર બાગમાર, DySP મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર PI એચ.એ. જાડેજા, PSI એસ.જી. વાળા, LCB PI જે.એમ, વાળા અને PSI ડી.જી. પટેલ તથા સ્ટાફ સહયોગી બની રહ્યો હતો.
Share it on
|