|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માલ ખાલી કરવા મામલે બે ટ્રેલર ડ્રાઈવરો વચ્ચે થયેલાં ઝઘડાની અદાવતમાં ભુજના ધાણેટી ગામની ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલકોએ ડ્રાઈવરનું ફિલ્મી ઢબે અપહરણ કરી માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગત રાત્રે ભચાઉ પાસે બનેલી ઘટના અંગે ભચાઉ પોલીસે સાત જણાં સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગુનાનો ભોગ બનનાર ૨૬ વર્ષિય દિલદાર ખાન (રહે. મૂળ યુપી) ધાણેટીની ચામુંડા કૃપા રોડવેઝમાં ટ્રેલર ડ્રાઈવર તરીકે અઢી માસથી નોકરી કરે છે. બુધવારે સાંજે ભરુચની ઝઘડિયા GIDCમાં માલ ખાલી કરવા મામલે દિલદાર ખાનનો ધાણેટીની જ અન્ય પેઢી રવેચી ટ્રાન્સપોર્ટના ટ્રેલર ડ્રાઈવર જીતેન્દ્ર યાદવ સાથે ઝઘડો થયેલો.
૭ જણની ગેંગે સ્કોર્પિયો કારમાં ડ્રાઈવરનું અપહરણ કર્યું
જીતેન્દ્ર સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને રવેચી ટ્રાન્સપોર્ટના દિલીપ રામજી વરચંદ, ભાવેશ વાઘજી માતા, અલ્પેશ ઊર્ફે લાલજી રામજી વરચંદ અન્ય ચાર સાગરીતો સાથે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર લઈને ભચાઉના વોંધ પાસે પહોંચ્યાં હતા. ધાણેટી પરત ફરી રહેલો દિલદાર ખાન ગત રાતે દસેક વાગ્યે વોંધની હોટેલમાંથી જમીને ટ્રેલર લઈને નીકળ્યો કે સર્વિસ રોડ પર તેની રાહ જોઈ રહેલી આ ટોળકીએ ફિલ્મી ઢબે ટ્રેલર આગળ સ્કોર્પિયો કાર ઊભી રાખીને દિલદાર ખાનને નીચે ઉતાર્યો હતો.
‘તેં મારા ડ્રાઈવર જોડે કેમ ઝઘડો કરેલો?’ કહી અલ્પેશ વરચંદ સહિતના શખ્સોએ તેને પરાણે સ્કોર્પિયોમાં નાખ્યો હતો. આ સમયે ટ્રેલરના ક્લિનર, હોટેલ સંચાલકો અને અન્ય ડ્રાઈવરોએ આ ટોળકીને અટકાવવા પ્રયાસ કરેલો પરંતુ આરોપીઓ દિલદાર ખાનનું અપહરણ કરી સ્કોર્પિયો હંકારી નાસી ગયેલાં.
આ ટોળકી ભચાઉના લાયન્સનગર નજીક સેન્ટ ઝેવિયર્સના ખુલ્લાં મેદાનમાં દિલદાર ખાનને લઈ આવેલી. પ્લાસ્ટિકના પાઈપ, ધોકા અને ગડદા-પાટુથી ઢોર માર મારી સાતેય જણે એક ગરીબ ડ્રાઈવરને પોતાની તાકાત બતાવી હતી! દિલદાર ખાનને માર મારી, જાનથી પતાવી દેવાની ધમકી આપીને આ ટોળકી તેને સ્થળ પર મૂકીને સ્કોર્પિયોમાં નીકળી ગઈ હતી.
પીડાથી કણસતો દિલદાર ખાન પગપાળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો અને શેઠને જાણ કરી હતી.
ઘટના અંગે મોડી રાતે ભચાઉ પોલીસે સાતે શખ્સો સામે અપહરણ સહિતની વિવિધ ધારા તળે ગુનો દાખલ કર્યો હતો.
Share it on
|