કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક મિરજાપરમાં રહેતા રીઢા ચીટરે પોતાને ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતો બનાવતો પ્રોડ્યુસર ગણાવીને સૂરજપરના યુગલને તેમના પુત્રને કામ અપાવવાના બહાને ૨૫ લાખ રૂપિયા મેળવી ઠગાઈ કરી છે. યુગલને વિશ્વાસમાં લઈને આ રીઢા શખ્સે ગેરન્ટી પેટે ત્રણ કોરાં ચેક મેળવી લીધેલાં અને બાદમાં ચેક બાઉન્સ કરાવીને સમાધાન કરી લેવા પેટે પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપેલી. માનકૂવા પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટીવી સિરિયલ કોમર્સિયલના પ્રોડ્યુસરની ઓળખ આપેલી
સૂરજપર ગામે રહેતી અને ભુજમાં ખાનગી નોકરી કરતી પરિણીતાએ પોલીસને જણાવ્યું કે ૨૦૨૦ના કોવિડ લૉકડાઉન અગાઉ તે પતિ અને પુત્ર સાથે મુંબઈમાં રહેતી હતી. લૉકડાઉન બાદ સપરિવાર વતન પરત રહેવા આવેલી. ચારેક વર્ષ અગાઉ ફેસબૂક મારફતે ફરિયાદી મહિલા અને તેનો પતિ મિરજાપરના રઘુરાજનગરમાં રહેતા રીઢા ઠગભગત હિતેશ વેલજી પરમારના સંપર્કમાં આવેલાં. હિતેશે પોતે ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતોનું નિર્માણ કરતો પ્રોડ્યુસર હોવાની ઓળખ આપેલી. હિતેશે ફરિયાદીના નવ વર્ષના પુત્રને ટીવી સિરિયલ્સ અને કોમર્સિયલમાં કામ અપાવવાની લાલચ આપેલી.
ઉલ્ટા ચશ્માના કલાકારો સેટ પરના ફોટો બતાડેલાં
યુગલને વિશ્વાસમાં લેવા માટે હિતેશે તારક મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલના સેટ પર તથા કલાકારો સાથેના ફોટોગ્રાફ પણ ફરિયાદીને બતાડ્યાં હતાં. જેથી ફરિયાદી અને તેના પતિનો તે પ્રોડ્યુસર હોવાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.
ચીટરે આ રીતે ટૂકડે ટૂકડે ૨૫ લાખ મેળવેલાં
યુગલનો વિશ્વાસ કેળવીને આ ચીટરે પુત્રને કામ અપાવવા માટે જરૂરી આર્ટિસ્ટ ઈન્સ્યોરન્સ, કોસ્ચ્યુમ્સ (કપડાં), મેક અપના સરસામાન વગેરેના બહાને ટૂકડે ટૂકડે રૂપિયા પડાવવાનું શરૂ કરેલું. ચીટર હિતેશે પોતાના તથા અન્ય વિવિધ લોકોના બેન્ક ખાતા નંબર આપેલાં જેમાં યુગલે ટૂકડે ટૂકડે નાણાં જમા કરાવેલાં. યુગલે ૦૭-૦૯-૨૦૨૦થી ૧૮-૧૦-૨૦૨૩ના સમયગાળા દરમિયાન નરેન્દ્ર વેલજી પરમારના ખાતામાં ૫.૭૧ લાખ અને ૧.૪૬ લાખ, આરોપી હિતેશના ખાતામાં ૬૧ હજાર ૬૦૦, જીત સોનેજીના ખાતામાં ૪.૨૩ લાખ, મહેશકુમાર જેતુજી રાજપૂતના ખાતામાં ૭૯ હજાર, ભાવિન નામના શખ્સના ખાતામાં ૨૮ હજાર, રામ ગોસ્વામી નામના શખ્સના ખાતામાં ૧૩ હજાર તથા ૨.૩૧ લાખ, ભૂપેન્દ્રસિંહ વખુભા સોઢાના ખાતામાં ૬૯ હજાર અને નિખિલ નામના શખ્સના એકાઉન્ટમાં ૧ લાખ જમા કરાવેલાં.એ જ રીતે, હિતેશ અને તેના સાગરીત રોહન ગઢવીને અવારનવાર રૂબરૂ મળીને ૮ લાખ રૂપિયા મળી કુલ ૨૫ લાખ ૧૦ હજાર રૂપિયા આપ્યાં હતાં.
કપટપૂર્વક ત્રણ કોરાં ચેક મેળવી લીધેલાં
એક વખત આ રીઢા ચીટરે અમદાવાદમાં જગત ધાણા દાળ નામની પ્રોડક્ટની જાહેરાતમાં કામ છે કહીને જો પુત્ર તેમાં કામ ના કરે તો કંપનીને સામેથી નાણાં ચૂકવવા પડશે તેમ કહીને ગેરન્ટી પેટે ફરિયાદીના પતિ પાસેથી સહી કરેલાં ત્રણ કોરાં ચેક મેળવી લીધાં હતાં. યુગલને ખબર નહોતી કે આ ચીટર ભવિષ્યમાં તેનો કેવી રીતે દુરુપયોગ કરશે.
સમાધાનના નામે પાંચ લાખની ખંડણી માંગી
આ ચીટરની વાતો ઠાલાં વચનો સાબિત થવા માંડી ત્યારે યુગલે તેને આપેલા નાણાં પરત માગવાનું શરૂ કરેલું. તે સમયે ચીટરે તેમને ત્રણ લાખના બે ચેક આપેલાં. ચેક વટાવ્યો તો બાઉન્સ થયેલો. છએક માસ અગાઉ ફરિયાદીનો પતિ કામ ધંધાર્થે વિદેશ જવાનો હતો. તેની ગંધ આવી જતાં ચીટરે અગાઉ ગેરન્ટી પેટે મેળવેલાં કોરાં ચેક બેન્કમાં નાખી બાઉન્સ કરાવીને પતિ પર કૉર્ટ કેસ કરેલો. જેથી પતિ વિદેશ ના જઈ શકે. ત્યારબાદ ફરિયાદી ભુજમાં નોકરીના સ્થળે જતી હતી ત્યારે તેનો અવારનવાર પીછો કરીને પોતે કરેલાં કેસમાં પતિને સજા ના અપાવીને સમાધાન કરી લેવાનું જણાવીને બદલામાં પાંચ લાખ રુપિયાની ખંડણી માંગેલી. જો પાંચ લાખ ના આપે તો ફરિયાદી અને તેના મામાને મારી નાખવાની ધમકી આપેલી. પોલીસે ઠગાઈ, વિશ્વાસઘાત, ખંડણીની માંગણી, મહિલાનો વિનયભંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.
હિતેશ ચીટીંગની દુનિયાનો રીઢો ખેલાડી
ગુનો નોંધ્યા બાદ માનકૂવા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હિતેશની ધરપકડ કરીને તેને રીમાન્ડ પર લીધો છે. હિતેશ વિરુધ્ધ ૨૦૦૫માં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભૂકંપ સહાય મેળવી ટેન્ડર અપાવવાના બહાને ઠગાઈનો કેસ નોંધાયેલો. બીએસએફના બોર્ડર પર ચાલતાં નિર્માણ કામોના ટેન્ડર અપાવવાના બહાને અલગ અલગ પટેલ ચોવીસીના જુદાં જુદાં વેપારીઓ સાથે પણ તેણે લાખ્ખો રૂપિયાની ઠગાઈ કરેલી છે અને ૨૦૧૮માં તેની વિરુધ્ધ ભુજ તથા માનકૂવા પોલીસ મથકે બે ગુના દાખલ થયેલાં. બેદરકારીથી વાહન હંકારીને અડફેટે લઈ ઈજા પહોંચાડવા સબબ પણ માનકૂવામાં એક ગુનો નોંધાયેલો છે. પોલીસ ઈન્સપેક્ટર ડી.એન. વસાવાએ જાહેર અપીલ કરી છે કે હિતેશે જો કોઈ ઠગાઈ કે ગુનો આચર્યો હોય તો વિનાસંકોચે માનકૂવા પોલીસ અથવા કંટ્રોલ રૂમ કે એલસીબીનો સંપર્ક કરે.
Share it on
|