click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2025, Thursday
Home -> Kutch -> High Court declines to quash FIR filed under land grabbing act at Rapar
Saturday, 07-Dec-2024 - Bhuj 76954 views
કોમન પ્લોટનું દબાણ હટાવી FIR રદ્દ કરવા હાઈકૉર્ટ પહોંચેલા રાપરના આરોપીને ઝટકો
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ રહેણાંક સોસાયટી કે વસાહતના કોમન (સાર્વજનિક) પ્લોટ પર કોઈ દબાણ કરે, તે બદલ ફરિયાદ નોંધાય અને બાદમાં દબાણ હટાવીને હવે કોઈને વાંધો નથી તેમ કહી ફરિયાદ રદ્દ કરવા રજૂઆત કરે તો તે કાયદેસર રીતે ઉચિત છે? ગુજરાત હાઈકૉર્ટે રાપરના આવા એક કિસ્સામાં લેન્ડગ્રેબિંગ હેઠળ નોંધાયેલી ફરિયાદ રદ્દબાતલ ઠેરવવા કરાયેલી અરજીને નકારી દેતાં અરજદારે અરજી પાછી ખેંચી લેવી પડી છે.
બે કોમન પ્લોટ પર દુકાનો ચણી ભાડાં ખાતોતો

રાપર શહેરના ત્રંબૌ ત્રણ રસ્તા પાસે ક્રિષ્નાનગરમાં જગદીશ દેવજીભાઈ દેવડાએ તેના પ્લોટને અડીને આવેલા સોસાયટીના બે કોમન પ્લોટ ફરતે પાકી બાઉન્ડરી વાળી લઈ દુકાનો ચણી લઈને ભાડે આપી દીધી હતી.

જગદીશ કોમન પ્લોટનું દબાણ ખાલી કરતો નહોતો. સોસાયટીના રહીશ રાણાભાઈ દૈયા અને શાંતિલાલ સુથારે તેને દબાણ હટાવવા જણાવતાં જગદીશ, તેના પિતા તથા ભાઈએ ગાળાગાળી કરી ધાક-ધમકી કરેલી.

જે અંગે રાણાભાઈએ તેની સામે ધાકધમકીની ફરિયાદ નોંધાવેલી. આ મામલે શાંતિલાલે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે કલેક્ટરના અધ્યક્ષપદે રચાયેલી સમિતિમાં અરજી કરેલી. સમિતિએ ખરાઈ કર્યાં બાદ જગદીશ સામે ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં શાંતિલાલે જગદીશ દેવડા સામે ૦૧-૧૦-૨૦૨૧ના રોજ લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી સંમતિ આપે તો પણ FIR રદ્દ ના થાય

લેન્ડગ્રેબિંગમાં ફીટ થયાં બાદ કડક કાર્યવાહી થતાં જગદીશે કોમન પ્લોટ પર ચણેલી દુકાનો તોડી નાખી પ્લોટ ખાલી કરી દઈને ફરિયાદી જોડે સમાધાન કરી દીધેલું. ત્યારબાદ, ફરિયાદ રદ્દ થાય તો ફરિયાદીને પણ કશો વાંધો નથી અને તેની સંમતિ છે તેમ જણાવીને હાઈકૉર્ટમાં ક્વેશીંગ પીટીશન દાખલ કરેલી. જસ્ટીસ સંદીપ એન. ભટ્ટે અરજીની સુનાવણી વખતે મૌખિક ટીપ્પણી કરતાં જણાવ્યું કે ફરિયાદી સંમતિ આપે તો પણ આવા કેસમાં એફઆઈઆર રદ્દ ના થઈ શકે. હાઈકૉર્ટનું વલણ જોતાં આરોપી જગદીશે તેની અરજી પરત ખેંચી લીધી છે.

ખેતરો પચાવનાર બિટીયારીનો શખ્સ લેન્ડગ્રેબિંગમાં ફીટ

અબડાસાના બિટીયારી ગામે સાડા ત્રણ એકરથી વધુ ખેતીની જમીન પચાવી પાડવા બદલ ઈલિયાસ મામદ જત નામના શખ્સ સામે દયાપર પોલીસ મથકે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધાયો છે. માતાના મઢ ગામે રહેતા ફરિયાદી જયદીપ પંડ્યાએ જણાવ્યું કે ૧૪ વર્ષ અગાઉ તેના દિવંગત પિતા નીતિન પંડ્યાએ સર્વે નંબર ૧૩૬નું સાડા ત્રણ એકર ખેતર મામદ જુસબ જત પાસેથી વેચાતું ખરીદેલું. બાદમાં તેના કાકા પ્રકાશભાઈએ પણ બાજુમાં આવેલી સર્વે નંબર ૧૩૭નું ખેતર વેચાતું ખરીદેલું. આ ખેતર પર છેલ્લાં દોઢ બે વર્ષથી ઇલિયાસ મામદ જતે દબાણ કરી દીધું છે અને વાવેતર કરી રહ્યો છે. તેને ખેતરો ખાલી કરી દેવા સમજાવ્યો પરંતુ તે આ ખેતરો મારા બાપની માલિકીના છે કહીને ધાક-ધમકી આપી રહ્યો છે. દયાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભચાઉઃ જૂના કટારીયામાં ૬.૧૮ એકરનું ખેતર પચાવી પાડનારની લેન્ડગ્રેબિંગ હેઠળ ધરપકડ
 
સાળીના માથામાં કુહાડી ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર જીજાજીને સાત વર્ષનો કારાવાસ
 
ભુજ ભારાપરની વિવાદી જમીન અંગે કોંગ્રેસના આરોપ વચ્ચે મામલતદારના હુકમથી નવો વળાંક