|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ૨૧ વર્ષ અગાઉ રાપરના પ્રાગપરની પોસ્ટ ઑફિસમાં ૮૩ હજાર ૩૩૨ રૂપિયાની ઉચાપત કરનારા બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને આખરે ૨૧ વર્ષે ત્રણ વર્ષનો કારાવાસ ભોગવવાનો વારો આવ્યો છે. હરિભાઈ રવાભાઈ પરમાર નામના પોસ્ટ માસ્ટરે ઑફિસમાં એસટીડી પીસીઓ બુથના બિલના નાણાં જમા કરાવવા આવનાર બે લોકોએ જમા કરાવેલા નાણાંની ઉચાપત કરી હતી. પોસ્ટ વિભાગની આંતરિક તપાસમાં નાણાંનો ગોટાળો હોવાની શંકા જતા ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવેલી. જેમાં પોસ્ટ માસ્ટરે નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું પુરવાર થતાં પોસ્ટ વિભાગે ૦૨-૧૧-૨૦૦૪ના રોજ રાપર પોલીસ મથકે ઈપીકો કલમ ૩૦૯ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપીની ધરપકડ થયેલી અને બાદમાં જામીન પર મુક્ત થયેલો.
સાડા ત્રણ વર્ષ અગાઉ ૦૩-૦૮-૨૦૨૨ના રોજ રાપરની ટ્રાયલ કૉર્ટે આરોપીને દોષી ઠેરવી ૩ વર્ષની સાદી કેદની સજા અને બે હજારનો દંડ ફટકાર્યો હતો.
એચ.આર. પરમારે સજા સામે જામીન અને સ્ટે મેળવી ભચાઉ સેશન્સ કૉર્ટમાં અપીલ દાખલ કરી હતી. ટ્રાયલ કૉર્ટે ફક્ત ખાતાકીય તપાસને જ મહત્વનો પુરાવો ગણીને સજા ફટકારી હોવા સહિત વિવિધ મુદ્દે રજૂઆતો કરાયેલી. જો કે, ભચાઉના પાંચમા અધિક સેશન્સ જજ ભરત લાલચંદ ચોઈથાણીએ ટ્રાયલ કૉર્ટનો હુકમ ન્યાયી હોવાનું ઠેરવીને, પરમારના જામીન રદ્દ કરી જ્યુ. કસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે અધિક મદદનીશ સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|